Dailyhunt
ઘનશ્યામ હેરભા, વિજય પાડલીયા સહિતના રેસમાં: પુષ્કર પટેલે દાવેદારી ન કરી, ભાજપની સેન્સમાં વધુ ૨૯૪ દાવેદારોના ફોર્મ રજૂ

ઘનશ્યામ હેરભા, વિજય પાડલીયા સહિતના રેસમાં: પુષ્કર પટેલે દાવેદારી ન કરી, ભાજપની સેન્સમાં વધુ ૨૯૪ દાવેદારોના ફોર્મ રજૂ

આજકાલ 2 weeks ago

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે સતત બીજા દિવસે પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા સવારે ૯ કલાકથી હાથ ધરાઈ હતી જેમાં બપોર સુધીમાં ૨૯૪ દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા હતા. અનેક પુરુષ કોર્પોરેટરોની ટિકિટ કપાય તેમ હોય તેમણે પોતાની ધર્મપત્નીના નામની દાવેદારી નોંધાવી છે. જ્યારે અમુક પૂર્વ કોર્પોરેટરોએ તેમના પુત્ર, ભાણેજ, ભત્રીજાની દાવેદારી નોંધાવી છે.

વોર્ડ નં.૯માં કુલ ૭૭ દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા હતા જેમાં વિક્રમ પૂજારા, પૂર્વ કોર્પોરેટર જીતુ કાટોળીયાના ધર્મપત્ની, પૂર્વ કોર્પોરેટર દક્ષાબેન વસાણી, જાગૃતિબેન ભાણવડીયા, હિરેન સાપરિયા, મનિષાબેન માંકડીયા, પ્રજ્ઞાબેન પીઠડીયા, પ્રવિણભાઇ સાગલિયાના ધર્મપત્ની સહિતનાએ દાવેદારી રજૂ કરી છે. પુષ્કરભાઇ પટેલને ત્રણ ટર્મ પૂર્ણ થતા તેમણે દાવેદારી કરી નથી. આ વોર્ડમાં વર્ષો સુધી ચૂંટાયેલા કમલેશભાઇ મીરાણીને આ વખતે સ્થાનિકને બદલે ભાવનગર પ્રભારી તરીકે મુકાયા હોય તેમજ પુષ્કરભાઇ પટેલ પણ દાવેદારોમાં ન હોય આ વોર્ડમાં સ્ફોટક રાજકીય સ્થિતિ સર્જાઇ છે.

વોર્ડ નં.૧૦માં ૫૭ દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા હતા જેમાં ચારેય સીટીંગ કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નિરુભા વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો.રાજેશ્રીબેન ડોડીયા ઉપરાંત આહિર સમાજના અગ્રણી ઘનશ્યામ હેરભા, વિજય પાડલીયા, જયેશ ચોવટિયા, જયસુખ કાથરોટિયા, મનીષ ડેડકિયા, આનંદ માંકડિયા, કુલદીપસિંહ જાડેજાના ધર્મપત્ની સહિતના દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા છે.

વોર્ડ નં.૧૧માં ૭૭ દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા હતા જેમાં સિટિંગ કોર્પોરેટર અને પૂર્વ શાસક નેતા લીલુબેન જાદવ, રણજીતભાઇ સાગઠીયા, ભારતીબેન પાડલીયા ઉપરાંત વૈભવભાઈ રાજુભાઈ બોરીચા, અમિત બોરીચા, મહિલા મોરચાના રાધિકાબેન ગીનોયા, ગોપીબા જાડેજા, પ્રવીણ પાઘડાળ, પ્રવીણ ઠુમ્મર, રાજુ સાવલિયા, પૂજન ઘોડાસરા, યોગેશ પંચાલ, જીગ્નેશ અધ્યારૂ, ભાસ્કરભાઈ, આયદાનભાઈ સહિતનાએ દાવેદારી રજૂ કરી હતી.

વોર્ડ નં.૧૨ મવડીમાં સિટિંગ કોર્પોરેટર પ્રદીપ ડવ, મગનભાઇ સોરઠીયા, મિતલબેન લાઠીયાએ દાવેદારી રજૂ કરી હતી. આ ઉપરાંત રાજકોટના એક પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીના પુત્રએ પણ આ વોર્ડમાં દાવેદારી કર્યાની ચર્ચા છે. આ વોર્ડમાં કુલ ૩૧ દાવેદારોએ દાવેદારી રજૂ કરી હતી અને ૧૯ જેટલા દાવેદારો લાઇનમાં હોવાનું જાણવા મળે છે.

વોર્ડ નં.૧૬માં સીટિંગ કોર્પોરેટર નરેન્દ્ર ડવ ને ત્રણ ટર્મ પૂર્ણ થતા તેમજ ટિકિટ નહીં મળે તે નિશ્ચિત જણાતા ટિકિટ જોઈતી નથી તેવું લેખિતમાં આપ્યું હતું. જ્યારે અન્ય સિટિંગ કોર્પોરેટર સુરેશભાઈ વસોયાએ દાવેદારી જ કરી નથી. જ્યારે વોર્ડના બન્ને સિટિંગ મહિલા કોર્પોરેટર રૂચિતાબેન જોષી અને કંચનબેન સિધ્ધપુરાએ દાવેદારી કરી છે. વોર્ડ નં.૧૬માં કુલ ૪૦ દાવેદારોએ દાવેદારી ફોર્મ રજૂ કર્યા છે.

વોર્ડ નં.૧૮ કોઠારીયામાં ભારે સખળ ડખળ શરૂ થઈ છે, બપોરે બે વાગ્યાથી આ વોર્ડની સેન્સ શરૂ થઈ છે જે ચાર વાગ્યા સુધી ચાલશે. આ વોર્ડમાં સીટીંગ કોર્પોરેટરો સહિત કુલ ૧૨ જેટલા દાવેદારોએ દાવેદારી રજૂ કરી છે અને આ લખાય છે ત્યારે બપોરે ૩:૩૦ કલાકે પણ દાવેદારી રજૂ કરવાનું ચાલુ હોય આ વોર્ડમાં પણ સાંજ સુધીમાં પચાસેક દાવેદારો મેદાને આવશે તેમ જણાઈ રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati