ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી ગેંગના અત્યંત ખતરનાક અને વોન્ટેડ સાગરીત બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કીને ડીસા નજીક આવેલા એક ઢાબા પરથી દબોચી લેવામાં આવ્યો છે.
ISI સાથે કનેક્શન અને ગ્રેનેડ સ્મગલિંગ
ઝડપાયેલા આરોપી બિક્રમજીતસિંઘ અંગે થયેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા નેટવર્ક માટે સક્રિયપણે કામ કરતો હતો.
તે પંજાબના હાઈ-પ્રોફાઈલ ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં લાંબા સમયથી વોન્ટેડ હતો. પંજાબમાં અશાંતિ ફેલાવવાના હેતુથી કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાના કાવતરામાં તેની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
કેવી રીતે હાથ ધરાયું ઓપરેશન?
ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબનો વોન્ટેડ ગુનેગાર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છુપાયો છે. આ બાતમીના આધારે ATS અને સ્થાનિક SOGની ટીમોએ ડીસા-પાલનપુર હાઈવે પર વોચ ગોઠવી હતી. ડીસાના એક ઢાબા પર ઓચિંતો દરોડો પાડીને વિક્કીને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવીને અહીં આશરો લઈ રહ્યો હતો.
સ્થાનિક યુવકોને લાલચ આપી ગેંગમાં ભરતી કરવાનું નેટવર્ક
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે વિક્કી માત્ર સ્મગલિંગ જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે નેટવર્ક મજબૂત કરવાનું કામ પણ કરતો હતો. તે ગરીબ અને ભોળા યુવકોને નાણાકીય લાલચ આપીને ગેંગમાં ભરતી કરતો હતો અને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ તરફ ધકેલતો હતો.
આગામી કાર્યવાહી
ગુજરાત પોલીસે આ મામલે પંજાબ પોલીસને જાણ કરી દીધી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને આરોપીને પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિક્કીની ધરપકડથી પાકિસ્તાન પ્રેરિત ટેરર-ગેંગસ્ટર નેટવર્કની અનેક કડીઓ ખુલવાની શક્યતા છે. ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે આટલા મોટા આતંકી સાગરીતનું ઝડપાવું તે સુરક્ષા એજન્સીઓ માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

