Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઈ-85 પેટ્રોલ માટે ગાડીઓમાં નવા એન્જિન  બનાવવાની તૈયારીઃ ગ્રાહકો પર બોજ વધશે

ઈ-85 પેટ્રોલ માટે ગાડીઓમાં નવા એન્જિન બનાવવાની તૈયારીઃ ગ્રાહકો પર બોજ વધશે

આજકાલ 5 days ago

દેશમાં પેટ્રોલ સાથે ઇથેનોલ મિશ્રણ અંગે ચાલતી ચર્ચાઓ અને વિરોધ વચ્ચે ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્ર એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલિયમ ક્ષેત્રે નિર્ભરતા ઘટાડવા માટે હાલમાં લાગુ કરાયેલા ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણ (ઇ-20) થી આગળ વધીને હવે ૮૫ ટકા ઇથેનોલ મિશ્રણ (ઇ-85) લાગુ કરવાની દિશામાં ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ નીતિને કારણે બજારમાં ટૂંક સમયમાં જ પૂર્ણતઃ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોનો નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. ઓટોમોબાઈલ કંપનીઓએ નવા એન્જિન ધરાવતી ગાડીઓ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. એક તરફ આ નિર્ણયથી સ્વદેશી ઊર્જા ક્ષેત્રે નવા અવસરો ઊભા થશે, તો બીજી તરફ ગ્રાહકો પર આર્થિક અને ટેકનિકલ બોજ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કેન્દ્ર સરકારે આગામી સમયમાં દેશના ૫,૦૦૦થી વધુ પેટ્રોલ પંપો પર ઈ-85 પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્‍ય રાખ્યું છે. આ પુરવઠો દર વર્ષે આશરે એક કરોડ ફ્લેક્સ-ફ્યુઅલ આધારિત વાહનો માટે પર્યાપ્ત રહેશે. આ નીતિને ધ્યાનમાં રાખીને વાહન ઉત્પાદક કંપનીઓ પોતાની મેન્યુફેક્ચરિંગ લાઇન અને વાહનોની ડિઝાઇન બદલી રહી છે. મોટાભાગની કંપનીઓ હાલમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન પર કામ કરી રહી છે અને તેના મોડેલ્સ પ્રારંભિક પરીક્ષણના તબક્કામાં છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી એકથી દોઢ વર્ષમાં ભારતીય બજારમાં ઈ-85થી ચાલતા અનેક નવા મોડેલ્સ લોન્ચ થવાની પૂર્ણ શક્યતા છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગ સામે વિપક્ષી દળોએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં પીએમ આવાસ તરફ વિશાળ માર્ચ કાઢવામાં આવી હતી. આ દરમિયાન આપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ઈ-20 અને ઈ-85 પેટ્રોલ જનતા પર જબરદસ્તી લાદવામાં આવી રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વિદેશી હિતો અને અમેરિકા જેવા દેશોને ખુશ કરવા માટે આ નીતિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે દેશમાં ઈ-20 નીતિ પાછી ખેંચવાની અને જૂના વાહનચાલકોના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકો સામે અનેક ટેકનિકલ અને આર્થિક ચિંતાઓ ઊભી થઈ છે. જેમાં જૂના વાહનોના એન્જિન ઈ-20 કે ઈ-85 સાથે સુસંગત ન હોવાથી વાહનોના પરફોર્મન્સમાં ઘટાડો અને એન્જિનમાં ખરાબી આવવાનું જોખમ રહેલું છે. ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી ધરાવતા નવા વાહનો સામાન્ય વાહનોની સરખામણીએ નોંધપાત્ર રીતે મોંઘા હશે. ઇથેનોલ મિશ્રણ છતાં ઈંધણના ભાવમાં મોટો ઘટાડો ન થવાને કારણે ગ્રાહકોનો દૈનિક વાહન ચલાવવાનો ખર્ચ ઓછો થશે નહીં. બજારમાંથી જૂના સામાન્ય એન્જિનવાળા વાહનો બહાર થતાં તેમનું રિપેરિંગ અને એસેસરીઝ મેળવવામાં ગ્રાહકોને અગવડતા પડી શકે છે. બીજી તરફ, કેન્દ્ર સરકારનું સ્પષ્ટ કહેવું છે કે તે ઈ-20 નીતિમાંથી પાછળ હટશે નહીં અને ઈ-85ને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. સરકારના મતે આ નીતિથી દેશને નીચે મુજબના મુખ્ય ફાયદાઓ થશે. જેમાં વિદેશથી આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઇલ (કચા તેલ) પર ભારતની નિર્ભરતા ઘટશે. તેલ આયાત પાછળ ખર્ચાતી કરોડો ડોલરની વિદેશી મુદ્રાની બચત થશે. શેરડી અને અનાજમાંથી ઇથેનોલ બનાવવામાં આવતું હોવાથી દેશના ખેડૂતોને આર્થિક ટેકો મળશે અને તેમની આવક વધશે. ઇથેનોલના ઉપયોગથી વાહનોમાંથી થતા કાર્બન ઉત્સર્જનમાં ભારે ઘટાડો થશે, જેથી પ્રદૂષણ નિયંત્રણમાં મદદ મળશે. હાલમાં દેશમાં ઈ-20 પેટ્રોલ માટે ઇથેનોલની માગ સામે ઉત્પાદન ક્ષમતા ઘણી વધારે છે. ઈ-20ની વર્તમાન જરૂરિયાત આશરે ૨,૦૦૦ કરોડ લીટર છે, જ્યારે ભારતની ઉત્પાદન ક્ષમતા ૨,૧૦૦ કરોડ લીટરને વટાવી ચૂકી છે. આથી જ સરકાર હવે ઈ-85 તરફ ઝડપથી આગળ વધી રહી છે. આગામી સમય માટેના અંદાજ મુજબ જો બજારમાં ૧૦ ટકા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો થશે, તો ૪૦૦ થી ૫૦૦ કરોડ લીટર ઈથેનોલની જરૂર પડશે. જો ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો ૨૫ ટકા થશે તો ૯૦૦ થી ૧,૦૦૦ કરોડ લીટર ઇથેનોલ જોઈશે. અને જો દેશમાં ૫૦ ટકા વાહનો ફ્લેક્સ-ફ્યુઅલ થશે તો ઈથેનોલની માગ વધીને ૧,૯૦૦ થી ૨,૨૦૦ કરોડ લીટર સુધી પહોંચી જશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati