જામનગર શહેર ભાજપમાં ઓચિંતી ઉથલપાથલ: ઠુમ્મર આઉટ, કાનાણી ઇન
જાન્યુઆરીમાં જ મહામંત્રી તરીકે નિયુકત થયેલા ભાવેશ ઠુમ્મરન પાંચ માસ બાદ જ એકાએક અપાયું પાણીચું: પ્રદેશના પગલાથી સ્થાનિક રાજકારણમાં ભૂકંપ: લાંબા સમયથી અંદરખાને ચાલતું ઘમાસાન એકાએક સપાટી પર આવ્યું: ઘેરા પડઘા પડવાની સંભાવના
બહુ ઓછું જોવા મળતું હોય એવું શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં થયું છે અને હજુ પાંચેક માસ પહેલા જ જામનગર શહેર ભાજપના મહામંત્રી તરીકે પ્રદેશ તરફથી નિયુકત કરવામાં આવેલા ભાવેશ ઠુમ્મરની એકાએક આઉટ કરીને એમના સ્થાને જુના જોગી ગણાતા ભાવેશ કાનાણીની નિમણુંક કરી દેવામાં આવી છે, આ નિર્ણયથી સ્થાનિક ભાજપમાં ભૂકંપનો આંચકો જરૂર આવ્યો છે પરંતુ બધા લોકો એ બાબત જાણતા નથી કે આ આગની શ રૂ આત એક ચિન્ગારી રૂ પે બહુ પહેલા થઇ ગઇ હતી, કોર્પોરેશનની ચુંટણીને કારણે પક્ષની છબીને ખરડાતી બચાવવા માટે ઠુમ્મરનું રાજકીય માથુ થોડુ મોડેથી લેવામાં આવ્યું છે.
અન્યથા આ નિર્ણય અગાઉ થઇ ગયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ગઇકાલે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીને પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ તરફથી પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં શહેર ભાજપનાં મહામંત્રી તરીકે ભાવેશ કાનાણીની નિમણુંક કરવામાં આવી છે અને ભાવેશ ઠુમ્મરની બાદબાકી કરવામાં આવી છે.
આ અચાનક ફેરફાર શું કામ? તે અંગે શહેર ભાજપ પ્રમુખને પુછવામાં આવતા એમણે આજકાલને જણાવ્યું હતું કે મહામંત્રીની જવાબદારીમાં ફેરબદલ કરવામાં આવ્યો છે, કારણ પુછતાં એમણે કહ્યું હતું કે પ્રદેશ તરફથી આ ફેરફાર થયો છે અમે કાંઇ જાણતા નથી.
આટલી મોટી ઉથલપાથલ થાય અને શહેર ભાજપ પ્રમુખ કારણ જાણતાં ન હોય એવું તો બની ન શકે પરંતુ સ્વાભાવિક રીતે પક્ષની અંદર શરૂ થયેલા અને લગભગ મોટા ભાગના લોકો સુધી પહોંચી ગયેલા વિવાદને ઢાંકવાનો એમણે પ્રયત્ન કર્યો.
બીજી તરફ ગઇકાલે જ આજકાલ દ્વારા ભાવેશ ઠુમ્મરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એમના તરફથી રાજીનામું આપ્યું હોવાની વાતને નકારી કાઢવામાં આવી હતી જેનાથી એ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે ભાજપનાં શહેર સંગઠનની નિમણુંકને લઇને ભારે અસંતોષ હતો અને આખરે એ તમામ સખળડખળ હવે સામે આવી છે, ઠુમ્મરે શું ધડાકો કર્યો તે આ અહેવાલની સાથે આપવામાં આવેલ છે.
ભાજપમાં લગભગ અત્યાર સુધી આવું કયારેય જોવા મળ્યું નથી કે સંગઠનમાં પ્રદેશ તરફથી કોઇની નિમણુંક કરાઇ હોય અને થોડા મહિના પછી જ એ વ્યકિતની બાદબાકી કરીને બીજા કોઇની નિમણુંક કરવામાં આવે, સામાન્ય રીતે ભાજપમાં એક વખત નિર્ણય થઇ જાય પછી ફેરબદલ થતી નથી તો ભાવેશ ઠુમ્મરની બાદબાકી પાછળ કયું પરિબળ કામ કરી ગયું એ જાણવાની ઉતેજના રાજકીય લોકો સિવાય પણ અન્ય લોકોમાં જાગી છે.
આ વિવાદ આગળ વધે છે કે અટકી જાય છે એ તો આવનારો સમય જ બતાવશે વકરવાની ભીતી એટલા માટે છે કારણકે જે રીતે વાત જાહેર કરાઇ કે ઠુમ્મરે રાજીનામું આપ્યું છે પણ ખુદ ઠુમ્મરે જ રાજીનામાની વાતને નકારી છે એટલે દાળમાં કાંઇક કાળુ છે એ બાબત લગભગ નિશ્ર્ચિત છે.
શહેર ભાજપ પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની નિમણુંક થયા પછી સંગઠનની ટીમ જાહેર કરવામાં પ્રદેશ ભાજપ તરફથી ઘણો વિલંબ કરવામાં આવ્યો હતો, તમામ પોસ્ટમોર્ટમો થઇ ગયા બાદ ત્રણ મહામંત્રીઓ સહિતની ટીમ ૨૯ જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી જેમાં વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, અને ભાવેશ ઠુમ્મરનો સમાવેશ હતો.
આજે ૪ જુલાઇ છે અને ગઇકાલે આ ફેરફાર થયો હોવાથી ભાવેશ ઠુમ્મરનો કાર્યકાળ કદાચ મહામંત્રી તરીકેના ઇતિહાસમાં સૌથી નાનો છ માસનો રહ્યો છે અને હવે એમના સ્થાને ભાવેશ કાનાણીને જોડવામાં આવ્યા છે.
હાલ આ બાબતે ભાજપની સંગઠનની પાંખના કે બીજા કોઇ જૂના જોગી પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, એકાએક ફેરબદલ શું કામ? એ મુદે કોઇ સ્પષ્ટ રીતે વાત કરવા તૈયાર નથી અને બધા પ્રદેશ તરફ આંગળી ચીંધી રહ્યા છે. જોઇએ આગામી સમયમાં આ રાજકીય ઉથલપાથલ કેવો રંગ લાવે છે.
નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતની હાઇ કમાન્ડ પાસે રેકોર્ડીંગ પહોંચ્યા...?!
શહેર ભાજપના મહામંત્રી પદેથી ભાવેશ ઠુમ્મરની બાદબાકી ભલે સ્પષ્ટ રીતે ગઇકાલે જાહેર થઇ પરંતુ આ વિવાદ પાછલા કેટલાક દિવસોથી ચાલી રહ્યો હોવાનું પણ ચર્ચાઓ રાજકીય ગલીયારીઓમાં થઇ રહી છે અને વાત ત્યાં સુધી આવે છે કે વિવાદને સંબંધ ધરાવતા કેટલાક મોબાઇલનાં રેકોર્ડીંગ છેક ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા, પ્રદેશનાં નેતા રત્નાકર અને પ્રદેશનાં મહામંત્રી સુધી પહોંચ્યા હતા.
આ રેકોર્ડીંગમાં શું હતું? કોણે કોના માટે શું કહ્યું? એ બાબત તો હજુ સામે આવી નથી પરંતુ કહેવાય છે કે રેકોર્ડીંગ સાંભળીને પ્રદેશ ભાજપની હાઇ કમાન્ડને બાબત ગંભીર લાગી હતી, અને એટલા માટે જ વિવાદ ઠંડુ પાણી પાડવા નિર્ણય લેવાયો હતો.
એવું પણ કહેવાય છે કે મહાનગરપાલિકાની ટીકીટ વહેંચણી વખતેનો જે આ વિવાદ હતો લગભગ એ સમયે જ ફેરફાર કરવાનો નિર્ણય થઇ ગયો હતો પરંતુ કોર્પોરેશનની ચુંટણીમાં પક્ષની છબીને ખરડાતી બચાવવા માટે મોડેથી નિર્ણય લેવાનું નકકી કરાયું હતું.
કોર્પોરેશનની ચુંટણીની ટીકીટ વખતેની ચીંગારી આગ બની હોવાનું રાજકીય અનુમાન:
શહેર ભાજપનાં મહામંત્રી ભાવેશ ઠુમ્મરને એકાએક સંગઠનમાંથી ઘરનો રસ્તો દેખાડી દેવા પાછળ આખરે કારણ કયું? એ બાબતે છાનબીન કરવામાં આવતા એવી મહત્વની બાબત સામે આવી છે કે વાસ્તવમાં જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે ટીકીટોની થયેલી વહેંચણી વખતે જ અસંતોષની ચિંગારી ફૂટી હતી જેણે હવે મોટી આગનું સ્વરૂપ ધારણ કર્યું છે.
કહેવાય છે કે પાટીદાર સમાજના એક શકિતશાળી આગેવાનને કોઇપણ કારણે ટીકીટ આપવામાં આવી ન હતી, બસ ત્યારથી જ એક પ્રકારનો વિવાદ લાવાની જેમ રાજકીય ધરતીની નીચે ધગી રહ્યો હતો, કહેવાય છે કે જેની ટીકીટ કપાઇ એ પાટીદાર આગેવાન સાથે ધારાસભ્યને મનમોટાવ પણ થયો હતો અને કહેવાય છે કે બોલાચાલી સુધી પણ વાત પહોંચી હતી.
આમ તો કોર્પોરેશન હોય કે વિધાનસભા ભાજપની હાઇકમાન્ડ મુરતિયા નકકી કરવામાં સ્થાનિક આગેવાનોનું બધુ ચલાવતી નથી અને નિર્ણયો પોતાની રીતે લે છે આમ છતાં પાટીદાર આગેવાનની બાદબાકી પાછળ ધારાસભ્યનો રોલ હોવાની વાત કહેવાય છે કે ચલાવવામાં આવી હતી અને એ કારણે જ આખો વિવાદ થયો હતો.
ચુંટણી પતી ગઇ, પરિણામ આવી ગયાં, ભાજપને ધીંગી બહુમતી મળી પરંતુ ટીકીટનો વિવાદ સુનામીની જેમ ધીરે ધીરે આગળ વધતો હતો, અને આખરે એ પરાકાષ્ટાએ પહોંચતા પ્રદેશ તરફથી વિવાદને શાંત કરવા મહામંત્રીની બાદબાકી કરવાનો નિર્ણય લેવાયો છે વાસ્તવમાં કારણ જે કાંઇ અપાય પરંતુ કોર્પોરેશનની ચુંટણીનો વિવાદ જ ઠુમ્મરની એકાએક બાદબાકી પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
મેં રાજીનામું આપ્યું નથી, મારું રાજીનામું લઇ લેવામાં આવશે- ઠુમ્મર:
જામનગર શહેર ભાજપની ટીમમાંથી એકાએક જેને રૂકસદી અપાઇ છે એ ભાવેશ ઠુમ્મર સાથે ગઇ રાત્રે આજકાલ દ્વારા મોબાઇલ પર વાતચીત કરવામાં આવતા એક નવો જ ધડાકો થયો હતો, એમણે કહ્યું હતું કે મેં રાજીનામું આપ્યું નથી, પરંતુ મારી સામે રાજકીય ષડયંત્ર કરીને મારી બાદબાકી કરવામાં આવી રહી છે બની શકે હવે મારી પાસેથી રાજીનામું માંગી લેવામાં આવશે.
કારણ પુછતાં ઠુમ્મરે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે ૭૯ વિધાનસભાનાં ધારાસભ્યને હું પસંદ નથી અને એમના કારણે જ મને કાઢવામાં આવી રહ્યો છે. એમની આ વાતમાં કેટલી સચ્ચાઇ છે એ બાબત પણ આગામી સમયમાં સામે આવી જશે.
જામનગર શહેર ભાજપમાં ઓચિંતી ઉથલપાથલ: ઠુમ્મર આઉટ, કાનાણી ઇન
બહુ ઓછું જોવા મળતું હોય એવું શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં થયું છે અને હજુ પાંચેક માસ પહેલા જ જામનગર શહેર ભાજપના મહામંત્રી તરીકે પ્રદેશ તરફથી નિયુકત કરવામાં આવેલા ભાવેશ ઠુમ્મરની એકાએક આઉટ કરીને એમના સ્થાને જુના જોગી ગણાતા ભાવેશ કાનાણીની નિમણુંક કરી દેવામાં આવી છે, આ નિર્ણયથી સ્થાનિક ભાજપમાં ભૂકંપનો આંચકો જરૂર આવ્યો છે પરંતુ બધા લોકો એ બાબત જાણતા નથી કે આ આગની શરૂઆત એક ચિન્ગારીરૂપે બહુ પહેલા થઇ ગઇ હતી, કોર્પોરેશનની ચુંટણીને કારણે પક્ષની છબીને ખરડાતી બચાવવા માટે ઠુમ્મરનું રાજકીય માથુ થોડુ મોડેથી લેવામાં આવ્યું છે. અન્યથા આ નિર્ણય અગાઉ થઇ ગયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

