Dailyhunt
જંગલેશ્વર વિસ્તારના વોર્ડ નં.૧૬માં કાંટે કી ટક્કર, મતદાનમાં મેગા ડિમોલિશનના આફ્ટર શોક આવશે

જંગલેશ્વર વિસ્તારના વોર્ડ નં.૧૬માં કાંટે કી ટક્કર, મતદાનમાં મેગા ડિમોલિશનના આફ્ટર શોક આવશે

આજકાલ 2 weeks ago

તાજેતરમાં જ્યાં મેગા ડિમોલિશન થયું તે કોઠારીયા રોડના જંગલેશ્વર વિસ્તારના વોર્ડ નં.૧૬માં આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જેવો જંગ ખેલાશે. મેગા ડિમોલિશનના આફ્ટર શોક મતદાનમાં વર્તાશે. અન્ય વોર્ડની જેમ ભાજપ આ વોર્ડમાં પણ ત્રણેક ઉમેદવારો બદલવાના મૂડમાં હોય દાવેદારોમાં વધારો થયો છે. આ વોર્ડમાં અનામત રોટેશન મુજબ પહેલી બેઠક પછાત વર્ગ સ્ત્રી અનામત, બીજી બેઠક સામાન્ય સ્ત્રી, ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ પુરુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુરુષ અનામત આવી છે.

હાલ આ વોર્ડમાં નરેન્દ્રભાઇ ડવ, સુરેશભાઇ વસોયા, રુચિતાબેન જોષી અને કંચનબેન સિધ્ધપુરા સિટિંગ કોર્પોરેટર છે પછાત વર્ગ સ્ત્રી અનામત બેઠક લાગુ થતા તેમજ ત્રણ ટર્મ પૂર્ણ થઇ હોય નરેન્દ્રભાઇ ડવને હવે ટિકિટ અપાઇ તેવી કોઇ જ શક્યતા નહીં હોવાની ચર્ચા છે. જ્યારે કંચનબેન સિધ્ધપુરા અને રૂચિતાબેન જોષી ને પણ બદલવા પક્ષે વિચારણા શરૂ કરી હોવાની ચર્ચા છે. લેઉવા પાટીદાર સુરેશભાઇ વસોયા રિપિટ થાય તેવી સંભાવના છે.

વોર્ડ નં.૧૬ની વસતી ૭૪,૭૦૧ છે અને મતદારો ૪૨,૦૧૨ છે. આ વોર્ડમાં ગત ચૂંટણીમાં ૫૩,૦૪૨ મતદારો હતા. એસ.આઈ.આર. બાદ આ વોર્ડમાં ૧૧૦૩૦ મતદારોનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજાયેલી ગત ચૂંટણીમાં આ વોર્ડમાં કુલ ૫૩,૦૪૨માંથી ૨૫,૬૦૧ મતદારોએ મતદાન કરતા ૪૮.૨૭ ટકા મતદાન નોંધાયું હતું.

વોર્ડ નં.૧૬ના મુખ્ય વિસ્તારો અને સરહદ જોઈએ તો તેમાં સોરઠીયાવાડી સર્કલથી શરૂ કરી પૂર્વ તરફ સર ગોપાલદાસ રોડ ઉપર આગળ ચાલતાં આજી નદીની પશ્ચિમ હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં ૮૦ ફૂટ રોડ સ્મશાન, જંગલેશ્વર વિસ્તારનો વોર્ડમાં સમાવેશ કરી આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં ખોખડદડી નદી મળે છે ત્યાં સુધી, ત્યાંથી ખોખડદડી નદીની પશ્ચિમ હદે આગળ ચાલતાં નેશનલ હાઇવે સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતાં કોઠારીયા ચોકડી સુધી,ત્યાંથી ઉત્તર તરફ કોઠારીયા રોડ ઉપર આગળ ચાલતાં હુડકો પોલીસ ચોકી, કેદારનાથ સોસાયટી, જૂનું નીલકંઠ સિનેમાનો વોર્ડમાં સમાવેશ કરી, સોરઠીયાવાડી સર્કલ સુધીનો વિસ્તાર સમાવિષ્ટ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati