Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખાખરા ગામની કરોડોની નવી શરતની જમીન ખાલસા કરવા કલેકટરનો હુકમ

ખાખરા ગામની કરોડોની નવી શરતની જમીન ખાલસા કરવા કલેકટરનો હુકમ

આજકાલ 1 week ago

ટંકારા તાલુકાના ખાખરા ગામની કરોડોની કિંમતની નવી શરતની જમીન શરતભંગ સબબ ખાલસા કરી 'શ્રી સરકાર' તરીકે નોંધ દાખલ કરવાનો કડક હુકમ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કરતા શરતભંગ કરી જમીન ખરીદનાર મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કેસની વિગત મુજબ મોજે ખાખરા ગામની રેવન્યુ સર્વે નં.117 (જુનો સર્વે નં.59 પૈકી 2 / 39 પૈકી 2) ની 3-31-61 હેક્ટર એટલે કે આશરે 8 એકરથી વધુ નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની જમીનમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદે વેચાણ વ્યવહાર કરી શરતભંગ કરવામાં આવ્યો હોવા અંગે અરજદાર વાલજીભાઈ નથુભાઈ ઝાલા દ્વારા અપીલ અરજી નં.અપીલ/મરબ/31/2026 દાખલ કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં તથ્ય જણાતા કલેક્ટર દ્વારા ઘટનાના મૂળમાં ઉતરી કાર્યવાહી કરાઈ હતી.

અરજદારના એડવોકેટ વિનેશ કે. છાયા દ્વારા રજૂઆત કરાઈ હતી કે વિવાદી જમીન મૂળ ગુજ. દેવજી નથુ ઝાલાના વારસો પાસેથી ખરીદનારના વકીલ મૌલિક આર. ફળદુ દ્વારા આપવામાં આવેલી લીગલ નોટિસ જ વેચાણના પુરાવા તરીકે છે. વિવાદી જમીન 1967માં અરજદારના સમગ્ર પરિવારને જીવન નિર્વાહ માટે સાંથણીથી ફાળવવામાં આવી હતી. તે સમયે અરજદાર સગીર હોય સૌથી મોટા ભાઈ દેવજીભાઈના નામે હક્કપત્રકમાં નોંધ પડી હતી. જમીનમાં અરજદારનો વરસાઈ હક હોવા છતાં દેવજીભાઈના પુત્ર પ્રવીણભાઈએ અન્ય ઈસમને સાટાખત કરી આપી સૂથીની રકમ સ્વીકારી લીધી હતી.

આ જમીન નવી અને અવિભાજ્ય શરતની હોવા છતાં કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના વેચાણ કરાયું હતું. અગાઉ નાયબ કલેક્ટર, મોરબી પ્રાંત દ્વારા શરતભંગ નાસાબિત માની કારણદર્શક નોટિસ પરત ખેંચી હતી, જેની સામે અરજદારે અપીલ કરી હતી.

સુનાવણી બાદ કલેક્ટરે સ્પષ્ટ ઠરાવ્યું કે સક્ષમ અધિકારીની મંજૂરી વિના નવી શરતની જમીનનું વેચાણ એ મૂળ ગ્રાન્ટની શરતોનો ભંગ છે અને સિવિલ કોર્ટના દાવાના આધારે રેવન્યુ કાર્યવાહીમાંથી છટકી શકાય નહીં. આથી નાયબ કલેક્ટરનો હુકમ રદ કરી જમીન શરતભંગ બદલ 'શ્રી સરકાર' કરવાનો આદેશ કર્યો છે. આ કામમાં અરજદાર વતી એડવોકેટ વિનેશ કે. છાયા રોકાયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati