Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કુવૈત પર ઈરાનનો ભયાનક મિસાઈલ એટેક: એરપોર્ટને નિશાન બનાવી કરાયેલા હુમલામાં એક ભારતીયનું મોત; 56 દિવસ બાદ અમેરિકા-ઈરાન સીઝફાયર તૂટ્યું

કુવૈત પર ઈરાનનો ભયાનક મિસાઈલ એટેક: એરપોર્ટને નિશાન બનાવી કરાયેલા હુમલામાં એક ભારતીયનું મોત; 56 દિવસ બાદ અમેરિકા-ઈરાન સીઝફાયર તૂટ્યું

આજકાલ 2 days ago

મિડલ-ઈસ્ટ (મધ્યપૂર્વ) માં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે એક અત્યંત ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કુવૈત પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ભયાનક મિસાઈલ અને ડ્રોન હુમલામાં ૧ ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે પણ સત્તાવાર રીતે આ ઘટનાની પુષ્ટિ કરી દીધી છે.

સંરક્ષણ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ઈરાન દ્વારા કરવામાં આવેલા આ તાજેતરના હુમલાનું મુખ્ય નિશાન કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટ હતું.

આ હુમલાએ કુવૈત સહિત તમામ ખાડી દેશો (ગલ્ફ કન્ટ્રીઝ) ની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરી દીધા છે.

શા માટે તૂટ્યો સીઝફાયર અને ક્યાં થયા હુમલા?
છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે ડીલ ચાલી રહી હોવાના અહેવાલો હતા, પરંતુ આ દરમિયાન અચાનક જ યુદ્ધના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો (મિલિટરી બેઝ) પર એક પછી એક અનેક બેલિસ્ટિક મિસાઈલો ડાઘી દીધી છે.

ઈરાનનો દાવો છે કે આ હુમલો અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડી અને ખાર્ગ આઈલેન્ડ પાસે આવેલા ઈરાની સેના 'IRGC' ના કમાન્ડ સેન્ટર પર કરવામાં આવેલા હુમલાનો વળતો જવાબ છે. ઈરાનની મિલિટરી વિંગ IRGC એ બહેરીનમાં તૈનાત અમેરિકી નૌસેનાની '૫મી ફ્લીટ' (5th Fleet) ને પણ નિશાન બનાવી હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) નું કહેવું છે કે તેમણે ઈરાનની મોટાભાગની મિસાઈલોને હવામાં જ તોડી પાડી (ઈન્ટરસેપ્ટ કરી) છે.

અમેરિકા અને ઈઝરાયેલ માફી નહીં માંગે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે: ઈરાન
નોંધનીય છે કે અગાઉ ૨૮ ફેબ્રુઆરીથી ૮ એપ્રિલ સુધી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું હતું, જેની આર્થિક અસર આખી દુનિયા આજે પણ ભોગવી રહી છે. ત્યારબાદ ૮ એપ્રિલથી સીઝફાયર લાગુ થયો હતો, પરંતુ તેના બરાબર ૫૬ દિવસ બાદ ફરી આ વિસ્તાર યુદ્ધની આગમાં હોમાયો છે. ઈરાનના વોરટાઇમ હેડક્વાર્ટર 'ખતમ-અલ-અનબિયા કમાન્ડ' એ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી અમેરિકા અને ઈઝરાયેલ પોતાની ભૂલો માટે માફી નહીં માંગે, ત્યાં સુધી આ મિસાઈલ હુમલા અટકશે નહીં.

​​​​​​​

ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને પાકિસ્તાનની મધ્યસ્થતા નિષ્ફળ
આ ભયાનક તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ કરારના દાવાઓ પર પણ સવાલો ઊભા થયા છે. ઈરાની અને અમેરિકી મીડિયા આ દાવાઓને પોકળ ગણાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી કોઈ સંપર્ક થયો નથી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અહેવાલોને નકારી કાઢતા દાવો કર્યો છે કે, "અમારી ઈરાન સાથે રોજ વાત થાય છે. મેં ઈરાનને સ્પષ્ટ કહી દીધું છે કે છેલ્લા ૪૭ વર્ષથી તે જે કરતું આવ્યું છે, તે આ વખતે ચલાવી લેવામાં નહીં આવે."

ઉલ્લેખનીય છે કે આ વૈશ્વિક મહાયુદ્ધને રોકવા માટે પાકિસ્તાનમાં બંને દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો વચ્ચે ગુપ્ત બેઠક પણ યોજાઈ હતી, પરંતુ અમેરિકા અને ઈરાન પોતપોતાની આકરી શરતો પર અડીખમ રહેતા આ શાંતિ વાટાઘાટો સંપૂર્ણપણે બેનતીજા (નિષ્ફળ) રહી છે. આ સ્થિતિ વચ્ચે ખાડી દેશોમાં વસતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારત સરકાર પણ સતત નજર રાખી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati