યમન નજીક લાલ સમુદ્રમાં હુમલો થયા બાદ ભારતીય ધ્વજવાળું કાર્ગો જહાજ એમએસવી ફૈઝ નૂર ઓલિયા ડૂબી ગયું હતું. તેમાં સવાર તમામ 14 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું, અમે ગઈકાલે યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં ભારતીય ધ્વજ વાળુ વાણિજ્યિક જહાજ એમએસવી ફૈઝ નૂર-એ-ઔલિયા પર થયેલા હુમલા અને ડૂબવાની સખત નિંદા કરીએ છીએ.
સર્બાનંદ સોનોવાલે પણ આ હુમલાની સખત નિંદા કરી, તેને નિઃશસ્ત્ર યાંત્રિક સઢવાળી જહાજ પર ઉશ્કેરણીજનક હુમલો ગણાવ્યો હતો.
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારતીય ધ્વજવાળુ કાર્ગો જહાજ એમએસવી ફૈઝ નૂર-એ-ઔલિયા યમનના જળસીમાથી દૂર શેલ અથવા મિસાઇલ જેવા હથિયારથી અથડાયા બાદ ડૂબી ગયું હતું. જોકે, યમન સરકાર સમર્થિત રાષ્ટ્રીય પ્રતિકાર દળોએ દાવો કર્યો હતો કે દેશના પશ્ચિમ કિનારે વિસ્ફોટકોથી ભરેલી બોટ દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ જહાજમાં કુલ ૧૪ ક્રૂ સભ્યો હતા, જેમાં ૧૩ ભારતીય નાગરિકો અને એક યેમેની નાગરિકનો સમાવેશ થાય છે. યેમેની નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત કામગીરી હાથ ધરીને તે બધાને સુરક્ષિત રીતે બચાવ્યા અને મોખા બંદરે પહોંચાડ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં વાણિજ્યિક જહાજો પર સતત હુમલાઓ ખૂબ જ ચિંતાજનક છે. નિવેદનમાં ઉમેર્યું હતું કે આ ક્ષેત્રમાં વેપારી જહાજોને નિશાન બનાવવાનું તાત્કાલિક બંધ થવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર દરિયાઈ માર્ગો પર મુક્ત અને સલામત નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત થવો જોઈએ.
સરકારના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 16 ભારતીયોના મોત થયા છે, જેમાં દસ ભારતીય ખલાસીઓનો સમાવેશ થાય છે. કાળા સમુદ્રમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન વેપારી જહાજો પર થયેલા તાજેતરના હુમલાઓમાં પાંચ અન્ય ભારતીય ખલાસીઓ પણ મૃત્યુ પામ્યા છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે છેલ્લા એક મહિનામાં લાલ સમુદ્ર અને બાબ-અલ-મંડેબ સ્ટ્રેટમાં વેપારી જહાજો માટે ખતરો સતત વધી રહ્યો છે. 20 જુલાઈના રોજ, ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા સામે નૌકા નાકાબંધી જાહેર કરી હતી. આમાં બાબ-અલ-મંડેબ સ્ટ્રેટનો સમાવેશ થાય છે, જે લાલ સમુદ્રને એડેનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડતો એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે. હુથીઓના નિયંત્રણ હેઠળનું અલ-હુદાયદાહ શહેર લાલ સમુદ્રના પૂર્વ કિનારે આવેલું છે અને તેને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એકની ખૂબ નજીક માનવામાં આવે છે.

