જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આ વર્ષે મેઘરાજા આફતરૂપી વરસ્યા છે. ત્રણ દિવસ પૂર્વે ખાલી માંગરોળ પંથક હાલ જળબંબાકાર થયું છે. ગઈકાલે ૧૪ કલાકમાં માંગરોળમાં ૨૨.૫ ઇંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ ત્રણ દિવસમાં ૪૦ ઇંચ વરસાદ વરસવાના કારણે માંગરોળમાં સીઝનનો ૧૦૫ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા ૩૦ વર્ષમાં માંગરોળમાં સરેરાશ ૯૬૩ મીમી વરસાદ વરસતો હતો.
પરંતુ આ વખતે ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટી રેકોર્ડ બ્રેક ૧૦૦૭ મીમી (૪૦.૨૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. દરિયાઈ પટ્ટી હોવાથી મેઘરાજાએ રોદ્રરૂપ દર્શાવ્યું હતું. તો બીજી તરફ સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા છે. માંગરોળના બંદર સોસાયટી, હુસેના બાદ, બાસર રોડ, વલ્લી વિસ્તાર, અને કામનાથ રોડ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા બોટની મદદથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. કલેકટર યોગેશ ચૌધરી અને મામલતદાર મોરીએ માંગરોળ તાલુકામાં અતિવૃષ્ટિના કારણે વેચાણ વાળા વિસ્તારોમાં ન જવા જણાવ્યું છે તેમજ લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ કરેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો આ ઉપરાંત તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી લોકોને ફૂડ પેકેટ આપવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. મેઘરાજાની સટાસટીના કારણે સર્વત્ર પાણી ભરાઈ જવાથી માંગરોળ જૂનાગઢ જિલ્લા થી વિખુટું પડી ગયું છે. તો બીજી તરફ પીજીવીસીએલના અનેક ટ્રાન્સફોર્મર અને વીજ પોલનો પણ સોથ વળી જતા અનેક ગામોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાય છે. હાલ તો તંત્ર રાહત બચાવ તથા લોકોને મદદરૂપ થવા તમામ કામગીરી કરી રહ્યું છે જોકે ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદથી કેટલી તારાજી થઈ તે અંગે પાણી ઓસર્યા બાદ જ આકલન કરી શકાશે.ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાના લંબોરા, શેખપુર, વિરપુર, ભાટ ગામ, જુના કોટડા, ચોટલીવીડી, સકરાણા, સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે.
માંગરોળ તાલુકાના રસ્તાઓ બંધ
માંગરોળના કામનાથ ચીટલી વીડી રોડ , હુસેના બાદ સેપા, શેરીયાખાણ, રૂદલપુર ગોરેજ નગીચાણા દરસાલી, દિવરાણા ફાટક થી ઝરીયાવાડા બામણાસા શીલ, અમરાપુર આંબલગઢ તરસીંગડા, સહિતના રસ્તાઓ અસરગ્રસ્ત થતા વાહન વ્યવહાર સદંતર ખોરવાયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે માંગરોળમાં મેઘરાજાએ રાતથી ખમૈયા કર્યા છે પરંતુ ત્રણ દિવસમાં જ સીઝનનો ૧૦૫ ટકા વરસાદ વરસી જતા અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા હવે પાણી ઓસરવાની રાહ જોયા બાદ નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવશે.

