હોમ
પુછપરછના રુમ અને લોકઅપમાં ઓડિયો સાથેની સીસીટીવી લગાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા સંબંધિત સુનાવણી દરમિયાન મહત્વનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટ સીબીઆઈ, એનઆઈએ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને સીરીઅસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસમાં ઓડિઓ રેકોર્ડિંગ્સવાળા સીસીટીવી કેમેરા લગાવવા આદેશ કર્યા છે. આ સાથે તમામ રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં પણ એવા સીસીટીવી લગાવવા જેમાં ઓડિયો રેકોર્ડિંગ થતું હોય.
આ અંગે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ સીસીટીવી કેમેરા પોલીસ સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ, લોક-અપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ-ઇન્સ્પેક્ટર અને ઈન્સ્પેક્ટરના રુમ, પોલીસ સ્ટેશનની બહાર, વોશરૂમની બહાર લગાવવા જોઈએ. કોર્ટે નિર્દેશ પણ આપ્યો છે કે આ કેમેરાની 18 મહિનાની રેકોર્ડિંગ રાખવી ફરજિયાત રહેશે. આ સાથે જ રાજ્યોને છ સપ્તાહની અંદર આ આદેશનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સૂચનાઓ આર્ટિકલ 21 હેઠળ ફંડામેન્ટલ રાઇટ્સ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં યાતનાઓની વધતી ઘટનાઓના કારણે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા આદેશ કર્યો હતો. આ મામલે 16 સપ્ટેમ્બર 2020ના રોજ સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની શું સ્થિતિ છે તે અંગે જાણકારી માંગી હતી. તે સમયે કોર્ટે દરેક રાજ્યના મુખ્ય સચિવોને 24 નવેમ્બર સુધી જવાબ આપવા સમય આપ્યો હતો.
કોર્ટના આદેશનું પાલન અઢી વર્ષ પછી પણ ન થયું હોવાનું સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે આ કામ જ્યાં નથી થયું ત્યાં 6 સપ્તાહની અંદર કરી લેવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું છે કે દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ સીસીટીવીના કામ, રેકોર્ડિંગ અને સર્વિસ માટે જવાબદાર હશે.