Dailyhunt
સાવધાન! હોટલમાં પનીર ખાતા પહેલા 'બોર્ડ' જરૂર વાંચજો: અસલી પનીર છે કે  'એનાલોગ' તે જણાવવું હોટલ સંચાલકો માટે ફરજિયાત

સાવધાન! હોટલમાં પનીર ખાતા પહેલા 'બોર્ડ' જરૂર વાંચજો: અસલી પનીર છે કે 'એનાલોગ' તે જણાવવું હોટલ સંચાલકો માટે ફરજિયાત

આજકાલ 1 week ago

જો તમે બહાર હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ આરોગવાના શોખીન હોવ, તો આ સમાચાર તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વના છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અને હલકી ગુણવત્તાવાળા પનીરના વેચાણમાં થયેલા ઉછાળાને ધ્યાને રાખીને ગુજરાત સરકાર હવે કડક એક્શન મોડમાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

નવી ગાઈડલાઈન: બોર્ડ મારવું પડશે ફરજિયાત

આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોને કડક સૂચના આપી છે કે, તેઓ ગ્રાહકોને જે પનીર પીરસી રહ્યા છે તે શુદ્ધ દૂધમાંથી બનેલું 'અસલી' પનીર છે કે કેમિકલયુક્ત 'એનાલોગ' પનીર, તેની સ્પષ્ટ જાણકારી હોટલના બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તેની પારદર્શક માહિતી આપવાનો અને તેમને છેતરાતા બચાવવાનો છે.

શું છે આ 'એનાલોગ પનીર'?

સામાન્ય રીતે શુદ્ધ પનીર દૂધને ફાડીને બનાવવામાં આવે છે, જે પ્રોટીનથી ભરપૂર હોય છે. પરંતુ 'એનાલોગ પનીર' એ દૂધની બનાવટ જ નથી.

કેવી રીતે બને છે?: આ નકલી પનીર બનાવવા માટે પામોલિન તેલ, વનસ્પતિ ઘી (ડાલડા), મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સ તેમજ સ્ટેબિલાઈઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

દેખાવ: તે દેખાવ અને સ્વાદમાં અસલી પનીર જેવું જ લાગે છે, જેથી સામાન્ય ગ્રાહક માટે તેને ઓળખવું અશક્ય બની જાય છે.

સ્વાસ્થ્ય પર અસર: આમાં કુદરતી પોષક તત્વોનો અભાવ હોય છે અને તે હાનિકારક ટ્રાન્સ-ફેટથી ભરપૂર હોય છે, જે હૃદયની બીમારીઓ અને પાચનતંત્રની સમસ્યાઓ નોંતરે છે.

નફાખોરી સામે સરકારની લાલ આંખ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, "ઘણી હોટલ અને રેસ્ટોરન્ટ્સ પોતાનો નફો વધારવા માટે સસ્તું એનાલોગ પનીર વાપરે છે. અસલી પનીર મોંઘું હોવાથી ગ્રાહકો પાસેથી પૂરા પૈસા વસૂલવામાં આવે છે પરંતુ બદલામાં તેમને ઝેર જેવું કેમિકલયુક્ત પનીર પીરસાય છે. આ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ગુનો છે અને હવે આવી લાપરવાહી ચલાવી લેવામાં આવશે નહીં."

કડક દંડ અને તપાસના આદેશ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રાજ્યભરમાં સઘન ચેકિંગ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જો કોઈ હોટલ સંચાલક એનાલોગ પનીર વાપરતો હોવા છતાં તેની જાણકારી બોર્ડ પર નહીં આપે અથવા અસલીના નામે નકલી પનીર પીરસશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવાશે.

સરકારના આ નિર્ણયથી ગ્રાહકોમાં જાગૃતિ આવશે અને ભેળસેળિયા તત્વો પર લગામ કસાશે તેવી આશા રાખવામાં આવી રહી છે. હવેથી જ્યારે પણ તમે બહાર જમવા જાઓ, ત્યારે મેનૂ કાર્ડની સાથે હોટલની દીવાલ પર લાગેલા સૂચના બોર્ડ પર નજર નાખવાનું ભૂલતા નહીં.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati