Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ ઉમદા પહેલ

શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ ઉમદા પહેલ

આજકાલ 2 weeks ago

શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ ઉમદા પહેલ​​​​​​​​​​​​​​સુરેન્દ્રનગરની ડ્રોપ આઉટ દીકરીના ઘરે રૂબરૂ જઈ પુનઃ અભ્યાસ શરૂ કરવા અંગે વિધાર્થીની અને પરિવારને સમજણ આપી

દેવયાનીબાના જીવનમાં 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ ફરી પ્રગટ્યો અક્ષરદીપ

દીકરીઓનું શિક્ષણ એ સક્ષમ સમાજના નિર્માણ માટે અનિવાર્ય, દેવયાનીબાના કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી સરકાર સુનિશ્ચિત કરશે - શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા

મંત્રીએ દીકરીના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઈ દીકરીને ધોરણ-૯ ના પાઠ્યપુસ્તકો એનાયત કર્યા

આજના સમયમાં દીકરીઓ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, હું ફરીથી ઉત્સાહભેર મારું ભણતર શરૂ કરીશ - દેવયાનીબા જાડેજા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના છેવાડાના માનવી સુધી શિક્ષણનો ઉજાસ પહોંચાડવા અને એક પણ બાળક ભણતરથી વંચિત ન રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં માનવીય સંવેદના અને બાળકોના શિક્ષણ માટે પ્રતિબધ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ આજે તેમની સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન એક ડ્રોપ આઉટ દીકરીના ઘર સુધી રૂબરૂ જઈને તેને પુનઃ વિદ્યા પ્રાપ્તિના માર્ગે લાવી એક પ્રસંશનીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.

સુરેન્દ્રનગરના દાળમીલ રોડ, શક્તિ માતા મંદિર પાસે રહેતા મુકેશસિંહ જાડેજાના દિકરી દેવયાનીબાએ કોઈ કારણોસર અભ્યાસ છોડી દીધો હોવાની મંત્રીશ્રીને જાણ થઈ હતી. શિક્ષણ પ્રોટોકોલની પરવા કર્યા વિના સીધા જ દિકરીના નિવાસસ્થાને રૂબરૂ પહોંચ્યા હતા. રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી 'બેક ટુ સ્કૂલ' અભિયાન અંતર્ગત મંત્રીએ દિકરી દેવયાનીબાની બાજુમાં બેસીને અત્યંત આત્મીયતા અને સ્નેહપૂર્વક સંવાદ સાધ્યો હતો. દિકરી પાસે કયા સંજોગોમાં તેણે અભ્યાસ છોડવો પડ્યો હતો તેની વિગતો જાણી, મંત્રીએ તેના પરિવારને દિકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

શિક્ષણ મંત્રીના ઉષ્માભર્યા અભિગમ અને પ્રેમપૂર્વક આપેલી સમજણનીદીકરી તેમજ તેના પરિવારજનો પર હકારાત્મક અસર થઈ અને જેના પરિણામે તેમણે ધોરણ-૯ માં પુનઃ અભ્યાસ શરૂ કરવા માટે ઉત્સાહભેર સંમતિ દર્શાવી હતી. મંત્રીની આ મુલાકાતથી ગદગદિત થયેલી દીકરી દેવયાનીબાએ નવી આશા સાથે જણાવ્યું હતું કે, આજે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા મેડમ મને રૂબરૂ મળવા આવ્યા. તેમણે મને ખૂબ પ્રેમથી અભ્યાસ ચાલુ રાખવા અને તેની મારા જીવન પરની અસરો વિશે સમજાવી હતી. અમારી વચ્ચે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે. આજના સમયમાં ખાસ કરીને દીકરીઓ માટે ભણવું ખૂબ જ જરૂરી છે, અને હવે હું આવતીકાલથી જ પૂરા ઉત્સાહ અને ગંભીરતા સાથે શાળાએ જઈને મારું ભણતર ફરી શરૂ કરીશ.

આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ દીકરી દેવયાનીબાને નવા શૈક્ષણિક સત્રના ધોરણ-૯ ના પાઠ્યપુસ્તકોનો સેટ પોતાના હસ્તે આપી મોં મીઠું કરાવ્યું હતું અને આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા. દીકરીના માતા-પિતાએ પણ એક વાલી તરીકે મંત્રીની આ સંવેદનશીલતા અને કાળજીને વખાણતા રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આ મુલાકાત સંદર્ભે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, દીકરીઓનું શિક્ષણ એ સક્ષમ અને પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે. આ દીકરીને શાળામાં પુનઃ પ્રવેશ અપાવીને તેના આગળના હાઈસ્કૂલ અને કોલેજ સુધીના અભ્યાસની તમામ જવાબદારી સરકાર સુનિશ્ચિત કરશે. સરકાર દરેક ડ્રોપ આઉટ બાળકને, ખાસ કરીને દીકરીઓને શોધીને તેમનો ફરી શાળા પ્રવેશ કરાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

શિક્ષણ મંત્રીની આ અનોખી અને સંવેદનશીલ કાર્યશૈલીની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. આ પ્રેરણાદાયી પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati