Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સ્ક્રીનશોટ લેવાની ટેવથી યાદશક્તિ  નબળી પડતી જાય છે: નવું સંશોધન

સ્ક્રીનશોટ લેવાની ટેવથી યાદશક્તિ નબળી પડતી જાય છે: નવું સંશોધન

આજકાલ 2 weeks ago

જકાલ મોબાઇલમાં કોઈ મહત્વની માહિતી, તસવીર, મેસેજ કે દસ્તાવેજ દેખાય એટલે લોકો તરત તેનો સ્ક્રીનશોટ લઈ લે છે. એવું માનવામાં આવે છે કે માહિતી ફોનમાં સાચવી લેવાથી જરૂર પડે ત્યારે મળી રહેશે અને તેને યાદ રાખવામાં પણ મદદ થશે, પરંતુ અમેરિકાની બિંગહેમ્ટન યુનિવર્સિટીના નવા સંશોધનમાં તેનાથી વિપરીત તારણ સામે આવ્યું છે. વારંવાર ફોટો કે સ્ક્રીનશોટ લેવાની ટેવ યાદશક્તિ નબળી પાડી શકે છે.બિંગહેમ્ટન યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના સંશોધકોએ આ અસરને સમજવા સાત જુદા જુદા પ્રયોગ કર્યા હતા.

તેમાં ભાગ લેનારા લોકોને વિવિધ કલાત્મક તસવીરો અને ચિત્રો બતાવવામાં આવ્યા હતા. કેટલીક તસવીરોના સ્ક્રીનશોટ લેવા જણાવાયું, જ્યારે કેટલીક તસવીરો માત્ર ધ્યાનથી જોવાની હતી. ત્યારબાદ તેમની યાદશક્તિ તપાસવામાં આવી હતી.પરિણામમાં જે તસવીરોના સ્ક્રીનશોટ લેવામાં આવ્યા હતા તેની વિગતો ભાગ લેનારાઓને સરખામણીએ ઓછી યાદ રહી હતી. કેટલીક વખત તો તેઓ એ પણ બરાબર યાદ રાખી શક્યા નહોતા કે કઈ તસવીરનો સ્ક્રીનશોટ લીધો હતો અને કઈ માત્ર જોઈ હતી. સંશોધકોએ આ અસરને 'ફોટો-ટેકિંગ ઇમ્પેરમેન્ટ ઇફેક્ટ' તરીકે ઓળખાવી છે.સંશોધન મુજબ તેનું એક કારણ ધ્યાન વહેંચાઈ જવાનું હોઈ શકે છે. કોઈ વસ્તુને ધ્યાનથી જોવાને બદલે મોબાઇલ કાઢવો, કેમેરો ગોઠવવો અને સ્ક્રીનશોટ કે ફોટો લેવો જેવી પ્રક્રિયામાં મગજનું ધ્યાન વહેંચાઈ જાય છે. જોકે પ્રયોગોમાં વધારાનો સમય આપવામાં આવ્યો ત્યારે પણ યાદશક્તિમાં ઘટાડો જોવા મળ્યો હોવાથી માત્ર ધ્યાન વહેંચાવું જ તેનું સંપૂર્ણ કારણ નથી.બીજું સંભવિત કારણ 'કૉગ્નિટિવ ઑફલોડિંગ' છે. મગજને જ્યારે લાગે કે માહિતી બહારના કોઈ સાધનમાં, જેમ કે મોબાઇલમાં, સાચવી લેવામાં આવી છે ત્યારે તેને પોતે યાદ રાખવા માટે એટલો પ્રયાસ કરતું નથી. ફોન નંબર મોબાઇલમાં સેવ કર્યા પછી લોકોને નંબર યાદ ન રહે તેવી સ્થિતિને પણ આ પ્રક્રિયા સાથે સરખાવી શકાય છે.સંશોધકોએ 'એટેન્શનલ ડિસએન્ગેજમેન્ટ'ની શક્યતા પણ દર્શાવી છે. ફોટો કે સ્ક્રીનશોટ લેવાની ક્રિયા વ્યક્તિને એ અનુભવ કે માહિતીથી અજાણતાં થોડો માનસિક રીતે અલગ કરી દેતી હોઈ શકે છે. તેના કારણે માત્ર તસવીરની વિગતો જ નહીં, તેની આસપાસની માહિતી પણ ઓછી યાદ રહી શકે છે.જોકે સંશોધકોનું કહેવું છે કે સ્ક્રીનશોટ લેવો હંમેશાં નુકસાનકારક જ હોય એવું નથી. પસંદગીપૂર્વક થોડા સ્ક્રીનશોટ લેવામાં આવે અને પછી તેને ફરી ધ્યાનથી જોવામાં આવે તો તે યાદ અપાવવાના સાધન તરીકે ઉપયોગી થઈ શકે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે મોટી સંખ્યામાં સ્ક્રીનશોટ લઈને તેને ફોનમાં જ પડ્યા રહેવા દેવામાં આવે.કોઈ માહિતી લાંબા સમય સુધી યાદ રાખવી હોય તો કાગળ પર લખવું વધુ ઉપયોગી બની શકે છે. લખતી વખતે વ્યક્તિએ માહિતી સમજવી, ગોઠવવી અને તેના પર વિચાર કરવો પડે છે. આ માનસિક પ્રક્રિયા માહિતી મગજમાં વધુ સારી રીતે નોંધવામાં મદદ કરી શકે છે. એટલે દરેક મહત્વની બાબતનો તરત સ્ક્રીનશોટ લઈ લેવાની ટેવ યાદશક્તિને સહારો આપવાને બદલે તેને નબળી પણ પાડી શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati