Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોરઠ ગીરમાં આભ ફાટ્યું: માંગરોળમાં 13, સુત્રાપાડામાં સાડા 12 અને કેશોદમાં 11 ઇંચ વરસાદ, તારાજી સર્જાઈ

સોરઠ ગીરમાં આભ ફાટ્યું: માંગરોળમાં 13, સુત્રાપાડામાં સાડા 12 અને કેશોદમાં 11 ઇંચ વરસાદ, તારાજી સર્જાઈ

આજકાલ 2 weeks ago

લ નીનોની અસરને કારણે વિશ્વભરમાં સર્જાયેલી હવામાનની અસામાન્ય સ્થિતિ વચ્ચે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જોરદાર પકડ જમાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 80 પૈકી 59 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતાં ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘતાંડવ સર્જાયું હતું. અનેક શહેરોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દૃશ્યો સર્જાયા હતા.

જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. કેશોદમાં 11 ઇંચ, માળીયા હાટીનામાં સાડા 9 ઇંચ, માણાવદરમાં 9 ઇંચ, વિસાવદરમાં 5 ઇંચ, વંથલીમાં 4 ઇંચ તેમજ જૂનાગઢ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. ભેસાણ અને મેંદરડામાં પણ 1થી 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે માંગરોળ, કેશોદ અને માણાવદરમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં સાડા 12 ઇંચ અને વેરાવળમાં સાડા 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. કોડીનારમાં 6 ઇંચ, તલાલામાં સાડા 3 ઇંચ, ઉનામાં દોઢ ઇંચ અને ગીર ગઢડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

પોરબંદર જિલ્લામાં કુતિયાણામાં 6 ઇંચ અને રાણાવાવમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે પોરબંદર શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં 4 ઇંચ અને ધોરાજીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેટપુર, લોધીકા અને રાજકોટ શહેરમાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જામકંડોરણા, ગોંડલ, કોટડા સાંગાણી અને જસદણ પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.

અમરેલી જિલ્લામાં કુકાવાવ-વડિયામાં અઢી ઇંચ, લીલીયા, બગસરા અને જાફરાબાદ વિસ્તારમાં 1થી 2 ઇંચ જ્યારે લાઠી, બાબરા, ધારી, રાજુલા અને સાવરકુંડલામાં ઝાપટાથી પોણો ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લામાં બોટાદ અને બરવાળામાં 1 ઇંચ, ગઢડામાં દોઢ ઇંચ અને રાણપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.

ભાવનગર જિલ્લામાં ઉમરાળા, ઘોઘા અને મહુવા વિસ્તારમાં પોણોથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાવનગર શહેર અને વલ્લભીપુરમાં માત્ર ઝાપટા પડ્યા હતા. બીજી તરફ જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અસર ઓછી રહી હતી. જામનગર જિલ્લામાં જોડીયા, લાલપુર અને કાલાવડમાં અડધોથી 1 ઇંચ, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા, ચોટીલા, મૂળી, લીમડી અને ધાંગધ્રામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છના અંજાર, ગાંધીધામ તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને ભાણવડ વિસ્તારમાં માત્ર છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati