Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતમાં 8 કલાકમાં સુપડાની ધારે 7 ઈંચ વરસાદ, ખાડીપૂરનું જોખમ, પોલીસ સ્ટેશન બેટમાં ફેરવાયું; જુઓ તારાજીની તસવીરો

સુરતમાં 8 કલાકમાં સુપડાની ધારે 7 ઈંચ વરસાદ, ખાડીપૂરનું જોખમ, પોલીસ સ્ટેશન બેટમાં ફેરવાયું; જુઓ તારાજીની તસવીરો

આજકાલ 4 days ago

ક્ષિણ ગુજરાતને મેઘરાજાએ બાનમાં લીધું હોય તેમ છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે ધમરોળ્યા બાદ આજ સવારથી અવિરત જળતાંડવ યથાવત છે. આજે સવારે ૦૬:૦૦ વાગ્યાથી બપોરે ૧૪:૦૦ વાગ્યા સુધીના માત્ર ૮ કલાકના ટૂંકા ગાળામાં જ રાજ્યના ૧૪૧ તાલુકાઓમાં ધબધબાટી બોલાવતો વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપે વરસ્યા છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ ૨૧૧ મીમી (૮.૩૧ ઇંચ) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, સુરત શહેરમાં પણ ૧૭૬ મીમી (૬.૯૩ ઇંચ) જેટલો ભારે વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું છે.

સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહીના પગલે શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત અને વલસાડ બંને જિલ્લા અને શહેરમાં આવેલી તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતી અને હિતને પ્રાથમિકતા આપતાં શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારે વરસાદને કારણે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

સુરતના પલસાણામાં ૫.૯૪ ઇંચ અને બારડોલીમાં ૧૨૯ મીમી (૫.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે, જ્યાં નવસારી તાલુકામાં ૧૪૫ મીમી (૫.૭૧ ઇંચ) અને જલાલપોરમાં ૧૩૧ મીમી (૫.૧૬ ઇંચ) મુશળધાર વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં પણ ૧૩૫ મીમી (૫.૩૧ ઇંચ) વરસાદ નોંધાયો છે.

બપોરના સમયે ઉત્તર ગુજરાત અને અલ્લી (અરવલ્લી) પંથકમાં વરસાદની તીવ્રતામાં અચાનક વધારો જોવા મળ્યો હતો. અરવલ્લીના ધનસુરા તાલુકામાં ૬૮ મીમી (૨.૬૮ ઇંચ), મેઘરજમાં ૫૫ મીમી અને મોડાસામાં ૫૪ મીમી વરસાદ વરસ્યો છે. ગાંધીનગરના દહેગામ તાલુકામાં બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ ૬૦ મીમી (૨.૩૬ ઇંચ) વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં ૪૮ મીમી અને પ્રાંતિજમાં ૪૫ મીમી વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજમાં ૪૧ મીમી અને નડિયાદમાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર પંથકમાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા છે. ગીર સોમનાથના કોડિનારમાં ૩૩ મીમી અને સુત્રાપાડામાં ૧૭ મીમી વરસાદ પડ્યો છે. ભાવનગરના જેસર અને ગારીયાધારમાં ૧૮-૧૮ મીમી જ્યારે અમરેલીના જાફરાબાદમાં ૧૭ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટના જામકંડોરણામાં ૧૦ મીમી વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં બપોરના સમયે ૯ મીમી વરસાદી ઝાપટું પડ્યું હતું.

સતત વરસી રહેલા આ ધોધમાર વરસાદને કારણે નદીઓ અને સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કલાકોમાં પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે.

સુરતના સનિયા હેમદ વિસ્તારમાં પૂરની સ્થિતિ, લોકોનું રેસ્ક્યૂ

સુરતના સનિયા હેમદ (સનિયા અહેમદ) વિસ્તારમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પાણીમાં ફસાયેલા સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્રના ૩૦ કરતાં પણ વધુ આપત્તિ વ્યવસ્થાપન કર્મચારીઓ અને બચાવ ટુકડીઓ સાધન-સામગ્રી સાથે સ્થળ પર તૈનાત થઈ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે.

ઉત્રાણ પોલીસ સ્ટેશન બેટમાં ફેરવાયું

સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્રાણ પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈને બેટમાં ફેરવાઈ ગયું છે. પોલીસ સ્ટેશનની અંદર અને બહાર ચારેબાજુ પાણી ભરાઈ જતાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ તેમજ પોતાની રજૂઆત લઈને આવતા સામાન્ય રાહદારીઓ અને અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી કચેરીની જ આવી દુર્દશા થતાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા કરોડો રૂપિયાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

ડાયમંડ સિટીમાં ખાડીપૂરનું જોખમ

સુરત શહેરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સ્થાનિક ખાડીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સુરતના મેયર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, પૂણા પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ ખાડીનું લેવલ 8.20 મીટર ઉપર પહોંચી ગયું હોવાનું છે. ખાડીઓનું સ્તર વધવાના કારણે શહેરી વરસાદી પાણીનો નિકાલ ધીમો પડી ગયો છે, પરંતુ વરસાદ ઓછો થતાં જ સાંજ સુધીમાં પાણી ઓસરી જશે તેવી ખાતરી તેમણે આપી છે.

મીની બજાર બેટમાં ફેરવાયું

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મીની બજાર ખાતે પાણી ભરવાના કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. આ સાથે જ મીની બજારથી ગૌશાળા રસ્તા ઉપર આવેલા ભોય તળિયાની દુકાનોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે, તેના કારણે વેપારીઓને પણ નુકસાન વેચવાનો વારો આવ્યો છે.

નવસારીમાં અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

નવસારી જિલ્લામાં રેડ એલર્ટની આગાહી વચ્ચે પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ નાના-મોટા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ આપ્યા છે અને પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીઓના જળસ્તર પર 24 કલાક મોનિટરિંગ શરૂ કરાયું છે. કોઈપણ ઈમરજન્સી માટે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે અને એનડીઆરએફ સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati