થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં થતી દારૂની હેરાફેરી રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે ઝડપી લીધી છે. ટ્રેનમાં બાથરૂમની છતમાં અને વ્હીલની બાજુમાં બાસ્કેટમાં છુપાવેલો ૪૨૪ બોટલ દારૂનો જથ્થો પોરબંદર રેલ્વે યાર્ડમાંથી પકડી સપ્લાયર અને રીસીવરની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, રેલવેના ડીઆઇજી કે.એન.ડામોર અને પશ્ચિમ રેલવે એસપી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ રેલવેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ સૂચના અંતર્ગત એલ.સી.બી. ઝોન-૨ અમદાવાદ પીઆઈ જી.આર.દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ રેલવે એલસીબી ટીમનો સ્ટાફ રાજકોટ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે દરમિયાન એએસઆઈ રામજીભાઈ, કોન્સ્ટેબલ ભુપતભાઈ અને જયેશભાઈને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે તિરુવનંતપુરમ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસ ટીમે રાજકોટથી પોરબંદર સુધી ટ્રેનમાં વોચ ગોઠવી હતી. ટ્રેન પોરબંદર ખાતે યાર્ડમાં ઉભી હતી દરમિયાન તેના બી-૧, બી-૨ અને બી-૬ કોચમાં તપાસ કરતા બિનવારસી હાલતમાં મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રેનમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૪૨૪ બોટલ રૂ.૧,૧૧,૪૮૦ નો જથ્થો કબ્જે કર્યો હતો. આ અંગે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ગોવા તરફથી આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. દારૂ મોકલનાર બુટલેગરે ટ્રેનમાં બાથરૂમની ઉપરની છતના સ્ક્રુ ખોલી તેની અંદર દારૂનો જથ્થો સંતાડ્યો હતો. તેમજ એસી કોચમાં ટ્રેન નીચે આવેલ વ્હીલની બાજુમાં રહેલ બેટરીના બાસ્કેટમાં પણ દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે દારૂ મોકલનાર અને અહીં સ્થાનિક રીસીવર કરનાર બુટલેગરની શોધખોળ શરૂ કરી છે. આ કામગીરીમાં રાજકોટ રેલ્વે એલસીબી પીએસઆઇ જે.એમ.પરમાર, એએસઆઈ રામજીભાઈ, ધર્મેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ ભુપતભાઈ, જયેશભાઈ અને હસમુખભાઈ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

