Dailyhunt
5 રાજ્યોની 7 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, બારામતીમાં સુનેત્રા પવારની રેકોર્ડ લીડ

5 રાજ્યોની 7 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, બારામતીમાં સુનેત્રા પવારની રેકોર્ડ લીડ

Bypoll results 2026: દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે સાથે કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા, ગુજરાત અને મહારાષ્ટ્રની કુલ 7 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના આંકડા પણ આવી ગયા છે. આ પેટાચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાનદાર પ્રદર્શન કરતા પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભાજપે ગુજરાતની ઉમરેઠ, નાગાલેન્ડની કોરીડાંગ, ત્રિપુરાની ધર્મનગર અને મહારાષ્ટ્રની રાહુરી બેઠક પર ભગવો લહેરાવ્યો છે.

બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસના ખાતામાં જીત ગઈ છે. આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા મહારાષ્ટ્રની બારામતી બેઠકની છે, જ્યાં જાન્યુઆરી 2026 માં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રેકોર્ડબ્રેક મતોથી આગળ ચાલી રહ્યા છે. આવો વિગતે જાણીએ ક્યાં કોની જીત થઈ અને કોને હારનો સામનો કરવો પડ્યો.

બારામતીમાં સુનેત્રા પવારની ઐતિહાસિક લીડ

ચૂંટણી પંચના આંકડા મુજબ, મહારાષ્ટ્રની હાઈપ્રોફાઈલ બારામતી બેઠક પર NCP ઉમેદવાર સુનેત્રા પવાર 159,106 મતોની જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 28 જાન્યુઆરી 2026 ના રોજ એક વિમાન દુર્ઘટનામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું દુઃખદ અવસાન થયું હતું. સુનેત્રા પવાર તેમના જ પત્ની છે. અહીં તેમની સામે લડી રહેલા અન્ય ઉમેદવારો, ખાસ કરીને નવી રાષ્ટ્રવાદી સમાજ પાર્ટીના પ્રો. આર.વાય. ઘુટુકડે, મતોની ગણતરીમાં તેમનાથી ઘણા જ પાછળ છૂટી ગયા છે.

મહારાષ્ટ્રની રાહુરી બેઠક પર ભાજપનો વિજય

મહારાષ્ટ્રની રાહુરી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપે મોટા અંતરથી જીતી લીધી છે. શિવાજી કર્દિલેના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જ્યાં ભાજપે તેમના જ દીકરા અક્ષય કર્દિલેને મેદાનમાં ઉતાર્યા હતા. લોકોએ અક્ષય પર પસંદગીનો કળશ ઢોળતા તેમને 140,093 મતો આપ્યા. જ્યારે તેમની સામે લડી રહેલા NCP (શરદચંદ્ર પવાર) ના ઉમેદવાર ગોવિંદ મોકાટેને માત્ર 27,506 મતોથી સંતોષ માનવો પડ્યો.

ગુજરાતની ઉમરેઠ બેઠક ભાજપના ફાળે

ગુજરાતની ઉમરેઠ બેઠક પર પણ ભાજપે ઝંડો લહેરાવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે 85,500 મતો મેળવીને પ્રચંડ જીત હાંસલ કરી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 30,743 મતોથી હરાવ્યા છે. ભૃગુરાજસિંહના ખાતામાં 54,757 મતો આવ્યા હતા.

શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'

કર્ણાટકમાં કોંગ્રેસનું પ્રદર્શન

કર્ણાટકની બાગલકોટ બેઠક કોંગ્રેસે પોતાના નામે કરી લીધી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ હુલ્લપ્પા મેટીએ 98,919 મતો મેળવીને ભાજપના ચરંતિમથ વીરભદ્રૈયાને 22,332 મતોના માર્જિનથી હરાવ્યા છે. ભાજપના ઉમેદવારને 76,587 મત મળ્યા હતા.

જ્યારે કર્ણાટકની જ દાવણગેરે દક્ષિણ બેઠક પર સાંજના 4 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ, કોંગ્રેસના ઉમેદવાર સમર્થ શમનુર મલ્લિકાર્જુન 68,948 મતો સાથે આગળ ચાલી રહ્યા છે. તેમની અને ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ ટી. દસકરિયાપ્પા વચ્ચે જોરદાર કાંટાની ટક્કર જોવા મળી રહી છે, અને બંને ઉમેદવારો વારાફરતી આગળ-પાછળ થઈ રહ્યા છે.

દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો

પૂર્વોત્તરમાં ખીલ્યું કમળ

નાગાલેન્ડ: કોરીડાંગ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દાઓચિયર આઈ ઇમચેને અપક્ષ ઉમેદવાર તોશિકાબાને 3,123 મતોના અંતરથી હરાવી દીધા છે.

ત્રિપુરા: ધર્મનગર વિધાનસભા બેઠક પર પણ ભાજપના જહર ચક્રવર્તીએ 18,290 મતોના મોટા માર્જિનથી શાનદાર જીત નોંધાવી છે. તેમણે CPI(M) ના ઉમેદવાર અમિતાભ દત્તાને કારમી હાર આપી છે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita