વધતી જતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચને પહોંચી વળવા માટે વર્તમાન ભથ્થાઓ અપૂરતા હોવાનું જણાવીને કર્મચારી સંગઠનોએ સરકાર પાસે કેટલીક નક્કર માંગણીઓ કરી છે. આમાં મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગાર (Basic Pay) સાથે મર્જ કરવા, ઘર ભાડું ભથ્થું (HRA) વધારવા અને પરિવહન ભથ્થા (TA) માં વધારો કરવાનો સમાવેશ થાય છે. સંગઠનોનું માનવું છે કે મોટા શહેરોમાં રહેઠાણ અને ભાડાના ખર્ચમાં ધરખમ વધારો થયો હોવાથી 8મા પગાર પંચ હેઠળ HRA માં સીધો 40% નો વધારો થવો જોઈએ.
લાંબા સમયથી મોંઘવારી ભથ્થું સતત વધી રહ્યું છે. કર્મચારી સંગઠનોની દલીલ છે કે જો DA ને મૂળ પગારમાં જ ઉમેરી દેવામાં આવે, તો ભવિષ્યમાં પેન્શન અને અન્ય ભથ્થાઓની ગણતરીમાં કર્મચારીઓને ઘણો મોટો આર્થિક ફાયદો થશે.
જોકે, સરકારે હજુ સુધી DA મર્જર અંગે કોઈ સત્તાવાર મંજૂરી આપી નથી. આ સાથે જ, 'ફિટમેન્ટ ફેક્ટર' પર પણ સૌની નજર ટકેલી છે. નિષ્ણાતોના મતે, આ ફેક્ટર 2.10 સુધી પહોંચી શકે છે, જેનાથી મૂળ પગારમાં સીધો ઉછાળો આવશે.
ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, પગાર વધારાનો આ અંદાજ કેટલીક ગણતરીઓ પર આધારિત છે. જો 2.10 નું ફિટમેન્ટ ફેક્ટર, 36% HRA, ₹9000 ટ્રાન્સપોર્ટ ભથ્થું અને સુધારેલા મૂળ પગાર પર 2% DA ની ગણતરી કરવામાં આવે, તો પગારમાં જંગી ઉછાળો જોવા મળશે. આ સમીકરણ મુજબ, લેવલ-1 ના કર્મચારીનો અંદાજિત કુલ પગાર જે અત્યારે ₹37080 છે, તે વધીને સીધો ₹61344 થઈ શકે છે.
જો 8મા પગાર પંચની ભલામણો લાગુ થશે, તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની આવક પર તેની સીધી અને હકારાત્મક અસર પડશે. તમને જણાવી દઈએ કે, મોંઘવારી ભથ્થું (DA) એ મૂળ પગારનો જ એક ભાગ છે, જે વધતી મોંઘવારી સામે રાહત આપવા અપાય છે. 7મા પગાર પંચ હેઠળ AICPI ઇન્ડેક્સના આધારે વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈમાં) તેમાં સુધારો કરવામાં આવે છે, જેની જાહેરાત સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરમાં થાય છે. આ જ વર્ષે જાન્યુઆરીમાં પણ DA માં 2% નો વધારો કરવામાં આવ્યો હતો, જેનાથી તે મૂળ પગારના 60% સુધી પહોંચ્યો હતો.

