Dailyhunt
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, 'આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!'

આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, 'આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!'

Trump War Alert: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં છેલ્લા 39 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને ખતરનાક ધમકી આપીને આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જો ઈરાન આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં નવી ડીલ સ્વીકારીને હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) નહીં ખોલે, તો આજે રાત્રે જ ઈરાન પર એવો વિનાશક હુમલો થશે કે એક આખી સભ્યતાનો કાયમ માટે અંત આવી જશે.

જોકે, અમેરિકાની આ મહાવિનાશની ધમકી સામે ઈરાન પણ નમવા કે ઝૂકવા તૈયાર નથી અને તેમણે છેલ્લે સુધી આરપારની લડાઈ લડી લેવાનો હુંકાર કર્યો છે.

"આજની રાત એક આખી સભ્યતાનો અંત હશે"

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ માટેની આપેલી ડેડલાઈન પૂરી થવા આવી છે, ત્યારે તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ધ્રુજાવી દે તેવી જાહેરાત કરી છે. ટ્રમ્પે લખ્યું છે કે, "આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, જેને ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું આવું થાય તેવું ઈચ્છતો નથી, પરંતુ કદાચ હવે આવું જ થશે. જોકે, હજુ પણ સ્માર્ટ રીતે વિચારીને કંઈક ક્રાંતિકારી અને અદ્ભુત થઈ શકે છે. બાકી આજે રાત્રે દુનિયા લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોની સાક્ષી બનશે. 47 વર્ષના ભ્રષ્ટાચાર, ગેરવસૂલી અને મોતના ખેલનો આખરે આજે અંત આવશે. ભગવાન ઈરાનના મહાન લોકોનું રક્ષણ કરે!"

રાત્રે 8 વાગ્યાની ડેડલાઈન: 4 કલાકમાં દેશ રાખ થઈ જશે

ટ્રમ્પે માત્ર હવાની વાતો નથી કરી, પરંતુ હુમલાનો સમય પણ જાહેર કરી દીધો છે. તેમણે ઈરાનને સીધું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે છેલ્લા 10 દિવસ વીતી ગયા છે, જો આજે રાત્રે 8 વાગ્યા પહેલા ઈરાન આ ડીલ નહીં સ્વીકારે, તો અમેરિકા વિનાશક હુમલાઓ શરૂ કરશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલવામાં આવે તો માત્ર 4 કલાકની અંદર જ તેઓ ઈરાનને રાખમાં ફેરવી દેશે. ઈરાનના તમામ પુલો અને પાવર પ્લાન્ટ્સ ઉડાવી દેવામાં આવશે. ઈરાન પાસે એક પણ પાવર પ્લાન્ટ નહીં બચે અને દેશમાં એવો વિનાશ સર્જાશે કે ઈરાન ત્યાંથી ક્યારેય પાછું ફરી શકશે નહીં.

ઈરાન પણ નમવા તૈયાર નથી, આપ્યો વળતો જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પના આટલા આક્રમક વલણ અને ખુલ્લી ચેતવણી છતાં ઈરાન સહેજ પણ ડર્યું નથી. ઈરાને પણ ટ્રમ્પની ધમકીઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ હુંકાર કરતા કહ્યું છે કે, "અમે આ યુદ્ધને છેક અંત સુધી લઈ જઈશું. અમે દુશ્મનોને એવો યોગ્ય જવાબ આપીશું કે ભવિષ્યમાં કોઈ અમારા પર હુમલો કરવાની હિંમત નહીં કરે." આ ઉપરાંત, અરાઘચીએ ટ્રમ્પ પર કટાક્ષ કરતા એમ પણ કહ્યું કે, ટ્રમ્પે ઈરાન પાસેથી ઘણું શીખ્યું હશે અને તેમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે કેટલા લોકો ઈરાનની સાથે ઊભા છે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita