વહેલી તકે કેન્સરની ઓળખ શક્ય બને તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં અમદાવાદ સ્થિત Zydus Lifesciences એ Apollo Hospitals સાથે ભાગીદારી કરી છે. બંને સંસ્થાઓએ મળીને Shield Multi-Cancer Detection (MCD) નામનો એક બ્લડ ટેસ્ટ ભારતમાં રજૂ કર્યો છે, જે માત્ર એક જ બ્લડ સેમ્પલ દ્વારા 10 સામાન્ય પ્રકારના કેન્સરના સંકેતો શોધી શકે છે.
આ ટેસ્ટ અમેરિકાની પ્રિસિઝન ઑન્કોલોજી કંપની Guardant Health દ્વારા વિકસાવવામાં આવ્યો છે. ભારતમાં પ્રથમ વખત આ પ્રકારની મલ્ટી-કાન્સર અર્લી ડિટેક્શન (MCED) ટેક્નોલોજી ઉપલબ્ધ બનશે. નિષ્ણાતો માને છે કે આ ટેક્નોલોજી કેન્સર સ્ક્રીનિંગમાં ક્રાંતિ લાવી શકે છે, જોકે તેઓ એ પણ સ્પષ્ટ કરે છે કે આ ટેસ્ટ પરંપરાગત કેન્સર સ્ક્રીનિંગ અથવા નિદાનનો વિકલ્પ નથી.
શું છે Shield Multi-Cancer Detection ટેસ્ટ?
Shield MCD ટેસ્ટ 45 વર્ષ કે તેથી વધુ વયના અને કેન્સરનું સરેરાશ જોખમ ધરાવતા પુખ્ત વયના લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે.
આ ટેસ્ટ કોઈ એક ચોક્કસ કેન્સર શોધવાને બદલે, કેન્સર કોષો દ્વારા લોહીમાં છોડવામાં આવતા DNAના નાના ટુકડાઓમાં થનારા મેથિલેશન પેટર્ન (રાસાયણિક ફેરફારો)નું વિશ્લેષણ કરે છે.
અદ્યતન જિનોમિક ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ટેસ્ટ અસામાન્ય DNA સંકેતો શોધે છે, જે કેન્સરની હાજરી તરફ ઈશારો કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં તે કેન્સર કયા અંગમાંથી શરૂ થયું હોઈ શકે તે અંગે પણ સંકેત આપે છે.
કયા 10 પ્રકારના કેન્સરની તપાસ કરશે?
આ ટેસ્ટ નીચેના 10 પ્રકારના કેન્સરના સંકેતો શોધી શકે છે:
સ્તન (Breast) કેન્સર
ફેફસાં (Lung) કેન્સર
કોલોરેક્ટલ (Colorectal) કેન્સર
યકૃત (Liver) કેન્સર
પેન્ક્રિયાટિક (Pancreatic) કેન્સર
અંડાશય (Ovarian) કેન્સર
પ્રોસ્ટેટ (Prostate) કેન્સર
મૂત્રાશય (Bladder) કેન્સર
જઠર અથવા પેટ (Stomach/Gastric) કેન્સર
અન્નનળી (Oesophageal) કેન્સર
આ પૈકીના ઘણા કેન્સર ભારતમાં મૃત્યુના મુખ્ય કારણોમાં સામેલ છે, કારણ કે તેમની ઓળખ ઘણીવાર મોડા તબક્કે થાય છે.
પરંપરાગત કેન્સર સ્ક્રીનિંગથી કેવી રીતે અલગ?
હાલની સ્ક્રીનિંગ પદ્ધતિઓ સામાન્ય રીતે એક સમયે એક જ કેન્સર માટે ઉપયોગમાં લેવાય છે.
ઉદાહરણ તરીકે:
મેમોગ્રાફી દ્વારા સ્તન કેન્સરની તપાસ થાય છે.
કોલોનોસ્કોપી કોલોરેક્ટલ કેન્સર શોધવામાં મદદ કરે છે.
પેપ સ્મિયર સર્વિકલ કેન્સરની તપાસ માટે વપરાય છે.
લો-ડોઝ CT સ્કેન ઊંચા જોખમવાળા લોકોમાં ફેફસાંના કેન્સરની ઓળખ માટે ઉપયોગી છે.
નવું બ્લડ ટેસ્ટ એક સાથે અનેક કેન્સરના સંકેતો શોધવાનો પ્રયાસ કરે છે, જેના કારણે સ્ક્રીનિંગ વધુ સરળ અને ઓછું પીડાદાયક બની શકે છે.પરંતુ ડૉક્ટરો સ્પષ્ટ કરે છે કે પોઝિટિવ પરિણામનો અર્થ કેન્સર હોવો જ જરૂરી નથી. તે માત્ર વધુ તપાસની જરૂરિયાત દર્શાવે છે, જેમ કે ઇમેજિંગ સ્કેન, એન્ડોસ્કોપી અથવા બાયોપ્સી. તે જ રીતે, નેગેટિવ પરિણામ પણ કેન્સરની શક્યતા સંપૂર્ણપણે નકારી કાઢતું નથી, તેથી નિયમિત સ્ક્રીનિંગ અને તબીબી તપાસ ચાલુ રાખવી જરૂરી છે.
ભારત માટે કેમ મહત્વપૂર્ણ?
ભારતમાં વર્ષ 2022 દરમિયાન 14.1 લાખથી વધુ નવા કેન્સરના કેસ નોંધાયા હતા, જ્યારે 9 લાખથી વધુ લોકોના મૃત્યુ કેન્સર સંબંધિત કારણોસર થયા હતા.
દેશમાં સુવ્યવસ્થિત સ્ક્રીનિંગ કાર્યક્રમોની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે ઘણા દર્દીઓમાં કેન્સરની ઓળખ લક્ષણો દેખાયા પછી જ થાય છે.
MCED બ્લડ ટેસ્ટ ખાસ કરીને એવા કેન્સર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જેમના માટે હાલ વ્યાપક સ્ક્રીનિંગ કાર્યક્રમો ઉપલબ્ધ નથી, જેમ કે:
પેન્ક્રિયાટિક કેન્સર
લિવર કેન્સર
સ્ટમક કેન્સર
ઓવેરિયન કેન્સર
વિશ્વભરમાં વધતો રસ
મલ્ટી-કાન્સર બ્લડ ટેસ્ટ પ્રત્યે વિશ્વભરમાં રસ વધી રહ્યો છે.
એશિયાના છ દેશોમાં 84,000થી વધુ લોકો પર કરાયેલા એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું કે MCED બ્લડ ટેસ્ટે પુષ્ટિ થયેલા લગભગ 79 ટકા કેન્સર કેસોને સફળતાપૂર્વક શોધી કાઢ્યા હતા, જ્યારે 99.9 ટકા કેસોમાં કેન્સર ન હોય એવા લોકોને યોગ્ય રીતે ઓળખ્યા હતા.
સંશોધકોના જણાવ્યા અનુસાર, ટેસ્ટે લગભગ 80 ટકા પુષ્ટિ થયેલા કેસોમાં કેન્સરનું સંભવિત મૂળ અંગ પણ યોગ્ય રીતે ઓળખ્યું, જેના કારણે ડૉક્ટરોને આગળની તપાસ નક્કી કરવામાં મદદ મળી.
નિષ્ણાતો માને છે કે આ પરિણામો ખાસ કરીને એવા દેશો માટે આશાજનક છે જ્યાં કેન્સર સ્ક્રીનિંગની સુવિધાઓ મર્યાદિત છે.
જો કે, હજુ લાંબા ગાળાના અભ્યાસો ચાલુ છે, જેથી જાણી શકાય કે આવા ટેસ્ટનો વ્યાપક ઉપયોગ ખરેખર કેન્સરથી થતા મૃત્યુમાં ઘટાડો કરે છે કે નહીં અને તે ખર્ચની દૃષ્ટિએ કેટલો અસરકારક છે.
નિષ્ણાતોની ચેતવણી
કેન્સર સંશોધકોનું કહેવું છે કે, ટેક્નોલોજી આશાસ્પદ હોવા છતાં તેને અંતિમ નિદાન તરીકે નહીં, પરંતુ એક વધારાના સ્ક્રીનિંગ સાધન તરીકે જોવી જોઈએ.
તબીબોનું માનવું છે કે, ભારતની જૈવિક અને આનુવંશિક વિવિધતાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં દેશ માટે ખાસ અનુકૂળ એવી સમાન ટેક્નોલોજી વિકસાવવાની જરૂર રહેશે.
કિંમત હજુ જાહેર નથી
ભારતમાં Shield MCD ટેસ્ટની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. જોકે, ટૂંક સમયમાં તે Apollo Hospitals મારફતે ઉપલબ્ધ થવાની સંભાવના છે. કેટલીક અહેવાલો અનુસાર, Dr. Dang's Lab પણ દેશભરમાં આ ટેસ્ટ ઉપલબ્ધ કરાવી શકે છે.
Author : એબીપી અસ્મિતા વેબ ટીમ

