Amreli News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામે ગાગડીયો નદી પર નવસર્જિત 'ગુજરાત ગૌરવ સરોવર'નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી જળક્રાંતિ અંતર્ગત આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ મંત્રી કૌશિક વેકરીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધોળકિયા પરિવારની સામાજિક સેવા અને જળસંચયની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, દૂધાળામાં તૈયાર થયેલા આ સરોવરો માત્ર મનને જ નહીં પરંતુ આત્માને પણ અસીમ આનંદ આપે તેવા છે. ધોળકિયા પરિવારે 10 દીકરાઓ સમાન પુણ્યનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે બદલાતી વરસાદી પેટર્નમાં આવી જળસંચય યોજનાઓનું મહત્વ વધી જાય છે, અને જો વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો દેશ કે પ્રદેશમાં ક્યારેય દુષ્કાળનો સામનો કરવો ન પડે.
કોંગ્રેસ શાસનની ટીકા કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 80ના દશકમાં સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો ત્યારે તત્કાલીન કોંગ્રેસ સરકારમાં પાણી વિતરણની યોગ્ય વ્યવસ્થા નહોતી અને કૌભાંડો થતા હતા. જોકે, 2002 પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બની ગયો છે. નરેન્દ્રભાઈએ 'જળ એ જ જીવન'ને સરકારનો મંત્ર બનાવીને લાખો ચેકડેમો, સેંકડો તળાવો, નર્મદા યોજનાના દરવાજા ખોલવા અને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમો-નદીઓ ભરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.
ઉલ્લેખનીય છે કે 57 કિલોમીટર લાંબી ગાગડીયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 40 જેટલા સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું અગાઉ વડાપ્રધાન, પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકાર્પણ કરી ચૂક્યા છે. આ જળક્રાંતિથી ખારાપાટ વિસ્તારના કૂવાઓ જીવંત થયા છે, ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે અને સ્થાનિક ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થઈ રહ્યો છે.
અમિત શાહ બોપલ-ઘુમામાં યોજશે 'લોક દરબાર': સ્થાનિક પ્રશ્નો સાંભળશે
અમરેલીના કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોપલ-ઘુમા વિસ્તારના નાગરિકો સાથે સીધો વાર્તાલાપ કરવા માટે 'લોક દરબાર' અને જનસંપર્ક કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં બોપલ, શેલા, શીલજ, ઘુમા અને આંબલી વિસ્તારના સ્થાનિકો તેમજ વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ ઉપસ્થિત રહેશે.
અમિત શાહ આ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન થતા જળભરાવ, રોડ-રસ્તા અને ડ્રેનેજ સહિતના પાયાના પ્રશ્નો અંગે નાગરિકોની રજૂઆતો અને સૂચનો પ્રત્યક્ષ સાંભળશે. લોકોની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે તેઓ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી આદેશો અને દિશાનિર્દેશો આપશે.
Author : gujarati.abplive.com

