અમરેલીના ધારી પંથકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમરેલી જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રાજુલા અને ધારીમાં 10-10 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે. નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા.
અમરેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે પણ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ધારી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. માત્ર ગણતરીના કલાકોમાં જ ધારી પંથકમાં 10 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
આભ ફાટવા જેવી સ્થિતિને કારણે ધારીના જોશીબાગ, ખડિયા સહિતના અનેક નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકોના મકાનોમાં પૂરના પાણી ઘૂસી જતાં અનાજ, કપડાં અને ઈલેક્ટ્રોનિક્સ સામાન સહિતની ઘરવખરી પલળી ગઈ હતી. ધારીના મધ્યમાંથી પસાર થતી મુખ્ય શેત્રુંજી નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું. નદી બંને કાંઠે વહેતી થતાં પૂરના પાણી ધારીના ઐતિહાસિક ગાંધી બ્રિજ પર ફરી વળ્યા હતા. પુલ પર પાણી ફરી વળતા પ્રશાસને સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર અટકાવી દીધો. નદી-નાળા છલકાઈ જવાના કારણે અને રસ્તાઓ પર નદી જેવા પ્રવાહ વહેતા થવાથી ધારીથી જૂનાગઢ તરફ જતો મુખ્ય હાઈવે બંધ થઈ ગયો. રસ્તો બંધ થવાના કારણે વાહનોની કતારો લાગી હતી.
અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં પૂરના પાણીમાં ફસાયેલા શ્રમિક પરિવારનું રેસ્ક્યૂ કરાયું હતુ. લીલીયા તાલુકાના બાવડી ગામની સીમમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળતાં એક શ્રમિક પરિવાર ફસાયો હતો. ચારેય તરફ પાણીથી ઘેરાઈ ગયેલા આ પરિવારે પોતાનો જીવ બચાવવા માટે મકાનની છત પર આશરો લીધો હતો અને મદદની રાહ જોઈ રહ્યો હતો. શ્રમિક પરિવાર પૂરના પાણીમાં ફસાયો હોવાની માહિતી મળતા પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું.
અમરેલી જિલ્લાના ધારી પંથકમાં મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો હતો. ભારે વરસાદને પગલે સમગ્ર ધારી પંથક જળમગ્ન થયું હતું. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરની ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મોરસુબડા ડેમમાં પાણીની જોરદાર આવક થઈ હતી. ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેના પૂરના પાણી ધસમસતા વેગે મીઠાપુર ડુંગરી ગામમાં ઘૂસી ગયા હતા. જોતજોતામાં આખું ગામ પાણીની ઝપેટમાં આવી ગયું હતું અને ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.
ગામના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં સ્થાનિક લોકો પોતાના ઘરોમાં કે ઊંચા સ્થળો પર કેદ થઈ ગયા. અચાનક પાણીનું સ્તર વધી જતાં મહિલાઓ અને બાળકો સહિત 68થી વધારે લોકો પૂરની વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
અમરેલી જિલ્લા સહિત ઉપરવાસમાં થઈ રહેલા મુશળધાર વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ સંપૂર્ણપણે છલકાઈ ગયો હતો. ખોડિયાર ડેમમાં પાણીની સતત આવકના કારણે ડેમના કુલ 9 દરવાજા 3.04 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા. ડેમના દરવાજા ખુલતા જ નીચાણવાળા વિસ્તારો તરફ લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીના પટમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા તમામ ગામોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે.
અમરેલીના રાજુલા પંથકમાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો થયો હતો. અવિરત વરસાદના કારણે ધારેશ્વર ગામ પાસે આવેલો ધાતરવડી ડેમ-1 છલકાયો હતો. નીચાણવાળા ગામોને પ્રશાસને એલર્ટ કર્યા હતા.

