ભાવનગર: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દિધો હતો. લઠ્ઠાકાંડમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સૌથી મોટી કાર્યવાહી કરી છે. લઠ્ઠાકાંડના મામલે રાજદિપસિંહ ગોહિલ નામના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. રાજદિપસિંહ ગોહિલ ASPની સ્કવોડમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.
ધરપકડ બાદ તેમને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
લઠ્ઠાકાંડમાં પોલીસકર્મી સામે કાર્યવાહી
ઝેરી દારૂના કારણે 13 લોકોનાં મોતની ઘટના બાદ સમગ્ર મામલે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરતાં પોલીસ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ગોહિલને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા રાજદિપસિંહ ગોહિલ ASPની સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી છે. લઠ્ઠાકાંડના મામલે તેમની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.
મુખ્ય સૂત્રધાર સાથે સાંઠગાંઠની ચર્ચા
રાજદિપસિંહ ગોહિલની લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સાથે સાંઠગાંઠ હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, તેમની સંડોવણી અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તપાસ આગળ વધે તેમ સમગ્ર મામલામાં તેમની ભૂમિકા અંગે વધુ વિગતો સામે આવી શકે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજદિપસિંહ ગોહિલને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કર્યા બાદ તપાસ એજન્સી દ્વારા વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગ કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
13 લોકોના મોત બાદ ભાવનગર લઠ્ઠાકાંડને લઈને અનેક સવાલો ઉભા થયા છે. હવે પોલીસકર્મીની ધરપકડ થતાં તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે. રાજદિપસિંહ ગોહિલની પૂછપરછમાં લઠ્ઠાકાંડ સાથે જોડાયેલા અન્ય લોકો અથવા સમગ્ર નેટવર્ક અંગે કોઈ મહત્વની માહિતી મળે છે કે નહીં તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
પોલીસે અત્યાર સુધી 37 આરોપીઓની ધરપકડ કરી
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસે અત્યાર સુધી 37 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના સ્ટેટ મોનિટરીંગ સેલે રિમાન્ડ મેળવ્યા છે. નકલી દારુ બનાવનાર અને વેચનારની સપ્લાઈ ચેઈન સુધી પહોંચવાની દિશામાં પોલીસને મોટી સફળતા મળી છે. લઠ્ઠાકાંડમાં ભાવનગર પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીપી ગગનદીપ ગંભીરે પોતે ભાવનગર એસપી કચેરી ખાતે ધામા નાખી પોલીસ અધિકારીઓથી લઈ કર્મચારીઓના નિવેદન લેવાની કામગીરી કરી હતી. 5 દિવસ સુધી પૂછપરછ અને નિવેદનો નોંધવાની ચાલેલી કામગીરી પૂર્ણ થયાં બાદ ગગનદીપ ગંભીરે કડક કાર્યવાહીના સંકેતા આપ્યા હતા.
લઠ્ઠાકાંડમાં 13 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા
ભાવનગર જિલ્લાના વરતેજ સ્થિત આંબલી ફળીયામાં રહેતા ગૌતમ સોલંકીએ મધ્યપ્રદેશના મોહમ્મદ રઈશ અંસારી અને તેના સાગરીતો પાસેથી રો-મટીરીયલ મંગાવીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવ્યો હતો. આ ઝેરી દારૂના સેવનથી 61 લોકોની તબિયત લથડી હતી જેમાંથી 13 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
અગાઉ બોટાદમાં થયો હતો લઠ્ઠાકાંડ
આ અગાઉ પણ 2022માં પણ બોટાદ જિલ્લાનાં કેટલાંક ગામોમાં 'લઠ્ઠાકાંડ'થયો હતો. જેમાં 40થી વધુ લોકોનાં મોત થયાં હતાં. 2009માં અમદાવાદના કાંટોળિયા વાસ ખાતે પણ લઠ્ઠાકાંડ થયો હતો. ગુજરાતમાં થતા આ ઝેરી દારૂના કારણે થતાં મોત પાછળ મોટે ભાગે દારૂમાં ભળેલું મિથેનોલ જવાબદાર હોય છે. ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનામાં પણ આ જ કારણ સામે આવ્યું છે.
Author : gujarati.abplive.com

