Dailyhunt
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ

ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ

  • આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ મહેસાણા કોર્ટે નોન-બેઇલેબલ વોરંટ ઇશ્યૂ કર્યું છે.
  • આ કાર્યવાહી વર્ષ 2020માં મહેસાણા સિટી 'A' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા IPC અને મહામારી અધિનિયમ હેઠળના ગુના સંદર્ભે કરવામાં આવી છે.
  • મહેસાણાની 3rd એડિશનલ સિવિલ જજ અને JMFC કોર્ટમાં ચાલી રહેલા ફોજદારી કેસમાં આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
  • આજે, 7 એપ્રિલ 2026 ના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલે ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને પહોંચીને વોરંટ બજવણીની તજવીજ હાથ ધરી હતી.
  • વોરંટની બજવણી માટે પોલીસે 'ઇ-સમન્સ એપ્લિકેશન' નો ઉપયોગ કર્યો છે, જેમાં ઘરે હાજર ન હોય તો ફોટા પાડીને અપલોડ કરવાની જોગવાઈ છે.

Gopal Italia non bailable warrant: આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની કાનૂની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. મહેસાણાની કોર્ટે વર્ષ 2020 માં નોંધાયેલા એક ગુનાના કેસમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર (નોન-બેઇલેબલ) વોરંટ ઇશ્યૂ કર્યું છે. લાંબા સમયથી ચાલતા આ કેસમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આજે પોલીસ દ્વારા તેમના સરનામે પહોંચીને વોરંટ બજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા સિટી 'A' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 માં ગોપાલ ઇટાલિયા સામે એક ગુનો નોંધાયો હતો (જેનો FIR નંબર 11206044202755/2020 છે). આ કેસમાં ઇન્ડિયન પીનલ કોડ (IPC) ની કલમ 143, 341, 188, 269 અને મહામારી અધિનિયમ 1897 ની કલમ 3 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલો હાલ મહેસાણાની 3rd એડિશનલ સિવિલ જજ અને JMFC કોર્ટમાં ફોજદારી કેસ નંબર CC/1856/2022 તરીકે ચાલી રહ્યો છે. આ જ કેસની કાર્યવાહીના ભાગરૂપે નામદાર કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન-બેઇલેબલ વોરંટ કાઢવાનો કડક આદેશ આપ્યો છે.

પોલીસે કેવી રીતે કરી વોરંટની બજવણી?

કોર્ટનો આદેશ છૂટ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને વોરંટની બજવણી માટેની નિયમિત પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં કોર્ટ અને પોલીસ વિભાગ વચ્ચે કામગીરી ઝડપી બનાવવા માટે 'ઇ-સમન્સ એપ્લિકેશન' નો ઉપયોગ થાય છે. આ સિસ્ટમ મુજબ, ચાર્જશીટમાં લખેલા આરોપીના સરનામે લાગતા-વળગતા પોલીસ સ્ટેશનથી ઇ-સમન્સ મોકલવામાં આવે છે.

ત્યારબાદ ફરજ પરના પોલીસ કર્મચારીએ તે સરનામે જઈને રૂબરૂ વોરંટ આપવાનું હોય છે. જો કોઈ કારણસર આરોપી તે સમયે ઘરે હાજર ન મળે, તો પોલીસે તે ઘરના ફોટોગ્રાફ પાડીને આ 'ઇ-સમન્સ એપ્લિકેશન' માં અપલોડ કરવાના હોય છે. આ જ રૂટીન પ્રોસિજર અંતર્ગત આજે, એટલે કે 7 એપ્રિલ 2026 ના રોજ, એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા ગોપાલ ઇટાલિયાના ઘરે જઈને વોરંટ બજવણીની કવાયત પૂરી કરવામાં આવી છે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita