Rain Forecast News: ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં છે. આજે પણ વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને સુરતમાં આગામી ત્રણ કલાક માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આગામી 3 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 3 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત,વલસાડ,નવસારી, ગાંધીનગર અને ખેડામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક આ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય આગામી 3 કલાક માટે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક માટે રાજ્યના 10 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે જ્યારે દીવમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
અંબાલાલ પટેલની વરસાદને લઇને મોટી આગાહી
અંબાલાલ પટેલે વરસાદને લઇને મોટી આગાહી કરી છે, આજે વહેલી સવારે બદલાયેલી દરિયાઈ ચોમાસુ સિસ્ટમના સક્રિય પ્રભાવને કારણે સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા અને વિજળીના કડાકા સાથે સાર્વત્રિક વરસાદ પડવાની મોટી આગાહી જાહેર કરી છે. તેમણે સેટેલાઇટ ડેટા અને પરંપરાગત વિશ્લેષણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને વડોદરા, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ભાગોમાં આગામી કલાકોમાં આકાશી આફત અથવા મધ્યમથી ભારે વરસાદ ખાબકવાની સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહીની વિગતો મુજબ, આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, અને ભરૂચ સહિતના વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાં પણ સારો એવો ભારે વરસાદ થવાની સંભાવના હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાબદા રહેવા સૂચવાયું છે.
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા જેટલો નોંધાયો
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર રીઝીયનમાં સૌથી વધુ 26.7 ટકા, દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા, ઉત્તર-મધ્ય ગુજરાતમાં 15.20, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને સૌથી ઓછો કચ્છમાં 1.92 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં NDRF અને SDRF ની ટીમો તૈનાત કરવામાં આવી છે.
Author : gujarati.abplive.com

