Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન

ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન

Gujarat Weather Update: ગુજરાતમાં મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આંકડાકીય વિગતો મુજબ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 20.52 ઈંચ વરસાદ થયો છે, જે સામાન્ય રીતે અત્યાર સુધીમાં 23.44 ઈંચ હોવો જોઈએ.

વિશેષ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ 35 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે, જ્યાં સામાન્ય 16.32 ઈંચ વરસાદ સામે અત્યાર સુધીમાં માત્ર 10.08 ઈંચ વરસાદ જ વરસ્યો છે. આ દરમિયાન, ઓગસ્ટ માસના અંતે સપ્ટેમ્બર મહિનામાં પડનારા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ વિગતવાર અનુમાન જાહેર કરવામાં આવશે.

...આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે જે રીતે લાંબો વિરામ લીધો છે, તેના કારણે જગતના તાત કહેવાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. મોંઘા ભાવના બિયારણ લાવીને વાવણી તો કરી દીધી, પણ હવે જ્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂર છે, ત્યારે જ વરસાદ ખેંચાતા રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. પરંતુ, વાદળો તરફ મીટ માંડીને બેઠેલા ધરતીપુત્રો માટે હવે નિરાશ થવાની કોઈ જરૂર નથી, કારણ કે હવામાન વિભાગે એક અત્યંત રાહત આપનારી ખુશખબર આપી છે. હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવી રહ્યો છે.

હવામાન વિભાગની લેટેસ્ટ અને સત્તાવાર આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરી શક્યતા છે. એટલે કે, એકદમ ધોધમાર ભલે ન પડે, પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહેશે જે સુકાતા પાકને નવું જીવતદાન આપશે. આ ઉપરાંત, સૌથી મોટી અને આનંદની વાત એ છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ મેઘરાજા ફરીથી ધમાકેદાર બેટિંગ કરવાના મૂડમાં છે. તારીખ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસોમાં વરસાદનો સારો એવો રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામશે.

અત્યાર સુધી નોંધાયેલા આંકડાઓ પર જો આપણે નજર કરીએ તો, રાજ્યમાં વરસાદની એકંદરે સ્થિતિ હજુ પણ થોડી ચિંતા ઉપજાવે તેવી છે. અગાઉ પડેલા સારા વરસાદ પછી પણ, રાજ્યમાં સરેરાશ 10 ટકા વરસાદની ઘટ હજુ પણ ઊભી જ છે. જોકે, વિસ્તાર મુજબ આંકડાઓની આ માયાજાળ પણ ખૂબ અજબ છે. એક તરફ 'ગુજરાત રીજન' એટલે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેથી ત્યાં જળાશયો છલકાયા છે.

પરંતુ બીજી તરફ, કચ્છ અને સૌરાષ્ટ્રની સ્થિતિ ખરેખર ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી છે. આ વિસ્તારોમાં મેઘરાજાએ ખાસ્સી નારાજગી દાખવી હોય તેમ સામાન્ય કરતાં આશરે 31 ટકા જેટલી મોટી વરસાદની ઘટ નોંધાઈ છે. આ વિસ્તારોના લોકો અને ખેડૂતો ચાતક નજરે આકાશ તરફ જોઈ રહ્યા છે. ત્યારે સૌ કોઈ એવી જ પ્રાર્થના કરી રહ્યા છે કે 2 અને 3 સપ્ટેમ્બરની આ નવી આગાહી સો ટકા સાચી પડે અને સૌરાષ્ટ્ર-કચ્છની આ 31 ટકાની ઘટ પણ પૂરી થઈ જાય, જેથી ખેડૂતોના ઊભા પાકને નવું જીવન મળે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita