Gujarat weather forecast: રાજ્યમાં સારા વરસાદની ચાતક નજરે રાહ જોતા ખેડૂતો અને નાગરિકો માટે મોટા સમાચાર છે. ગુજરાતમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યવ્યાપી હળવા થી ભારે વરસાદની આગાહી કરી છે. શેર ઝોન, ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલ માર્ક લો પ્રેશર અને સીઝનલ ટ્રફ - એમ કુલ પાંચ સિસ્ટમ ભેગી થવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે સજ્જ છે.
ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ સર્જાયું છે.
કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકશે?
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આજે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે:
અત્યંત ભારે વરસાદ (રેડ એલર્ટ): દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પર મેઘરાજા મહેરબાન રહેશે. આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
અતિભારે વરસાદ: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેવા કે અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદ: સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
અમદાવાદમાં માત્ર ઝાપટાં, રાજ્યમાં હજુ પણ 40 ટકા વરસાદની ઘટ
જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદીઓએ આજે પણ સામાન્ય વરસાદથી જ સંતોષ માનવો પડશે. આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 86 mm વરસાદ નોંધાયો છે. ખરેખર જોવા જઈએ તો આ સમયગાળા સુધીમાં સરેરાશ 143.1 mm વરસાદ થવો જોઈતો હતો. એટલે કે રાજ્યમાં હજુ પણ 40 ટકા વરસાદની ઘટ છે. જોકે, આગામી 7 દિવસની આ ધમાકેદાર આગાહી આ ઘટ પૂરી કરશે તેવી આશા છે.
માછીમારોને ચેતવણી અને બંદરો પર 3 નંબરનું સિગ્નલ
દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસરને પગલે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દરિયામાં કરંટ વધવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ પોર્ટ (બંદરો) પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે.
Author : gujarati.abplive.com

