West Bengal Assembly Elections 2026: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ મમતા બેનર્જીના નિવાસસ્થાન બહારથી એક વીડિયો સામે આવ્યો છે, જેનાથી રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. વીડિયોમાં કેટલાક ભાજપના કાર્યકરો મમતા બેનર્જીના નિવાસસ્થાન બહાર "જય શ્રી રામ" ના નારા લગાવતા જોવા મળે છે. બંગાળ વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપે નોંધપાત્ર લીડ મેળવી છે અને ભાજપના કાર્યકરો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.
મમતા બેનર્જીના નિવાસસ્થાન બહાર "જય શ્રી રામ" ના નારા
વીડિયોમાં કેટલાક ભાજપના કાર્યકરો કોલકાતામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો અને કાર્યકરોને દૂર થઈ જવા કહ્યું. જો કે આ દરમિયાન કોઈ ઘર્ષણ થયું ન હતું પંરતુ વીડિયોએ ચોક્કસપણે માહોલ ગરમાવ્યો છે.
મમતા બેનર્જીનો "જય શ્રી રામ" પર વિરોધ
નોંધનીય છે કે "જય શ્રી રામ" ના નારા લાંબા સમયથી પશ્ચિમ બંગાળમાં એક રાજકીય પ્રતીક રહ્યા છે. તે ઘણીવાર ભાજપની રેલીઓમાં સાંભળવામાં આવે છે. દરમિયાન, મમતા બેનર્જીના પણ તેની સાથે જોડાયેલી અનેક વાર્તાઓ છે. 2021 માં, એક સરકારી કાર્યક્રમમાં જનતા વચ્ચે બેઠેલા કેટલાક લોકો દ્વારા "જય શ્રી રામ" ના નારા લગાવવાથી મમતા બેનર્જી ગુસ્સે થયા હતા. તેમણે આ કાર્યક્રમમાં બોલવાનો ઇનકાર કર્યો હતો, જેમાં પીએમ મોદી પણ હાજર હતા.
જ્યારે મમતા બેનર્જીએ "જય શ્રી રામ" સાંભળ્યા પછી બોલવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે, "મારું માનવું છે કે સરકારી કાર્યક્રમો ગૌરવપૂર્ણ હોવા જોઈએ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. કોઈને આમંત્રણ આપ્યા પછી તેનું અપમાન કરવું યોગ્ય નથી. હું તેના વિરોધ પર કંઈ બોલીશ નહીં."
2019 માં બીજી એક ઘટનામાં જ્યારે મમતા બેનર્જી તેમના કાફલા સાથે પૂર્વ મેદિનીપુરના ચંદ્રકાના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તાની બાજુમાં ઉભેલા કેટલાક લોકોએ "જય શ્રી રામ" ના નારા લગાવ્યા. આનાથી મમતા બેનર્જી ગુસ્સે થયા અને તેઓ વિરોધ કરવા માટે તેમની કારમાંથી નીચે ઉતર્યા હતા.
Author : gujarati.abplive.com
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita