Convert petrol car to electric: દેશમાં વધતા જતા પ્રદૂષણને નાથવા માટે સરકાર સતત કડક પગલાં લઈ રહી છે અને ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકવાની દિશામાં આગળ વધી રહી છે. ઘણા રાજ્યોમાં તો 10 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ પણ લાગુ કરી દેવાયો છે. આવી સ્થિતિમાં, લોકોએ નાછૂટકે પોતાની મનપસંદ જૂની કારને સ્ક્રેપમાં (ભંગારમાં) આપવી પડે છે અથવા તો નવી મોંઘી ઇલેક્ટ્રિક કાર ખરીદવા મોટો ખર્ચ કરવો પડે છે.
પરંતુ હવે તમારે આવું કરવાની કોઈ જ જરૂર નથી. તમે ધારો તો તમારી જૂની પેટ્રોલ કે ડીઝલ કારને જ ઇલેક્ટ્રિક વાહન (EV) માં રૂપાંતરિત કરી શકો છો. ચાલો જાણીએ આ નવી ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે અને તેનો ખર્ચ કેટલો આવે છે.
કાર રેટ્રોફિટિંગ (Retrofitting) શું છે?
જૂની કારને ઇલેક્ટ્રિકમાં બદલવાની આ પ્રક્રિયાને ઓટોમોબાઈલની ભાષામાં 'રેટ્રોફિટિંગ' કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં કારમાંથી જૂનું ICE (પેટ્રોલ-ડીઝલ એન્જિન), ફ્યુઅલ ટાંકી અને ગિયરબોક્સને સંપૂર્ણપણે બહાર કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ તેની જગ્યાએ ઇલેક્ટ્રિક મોટર, કંટ્રોલર અને લિથિયમ-આયન બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવે છે.
આ કામગીરી માટે ARAI (Automotive Research Association of India) દ્વારા માન્યતા પ્રાપ્ત કંપનીઓ ખાસ ડિઝાઇન કરેલી EV કન્વર્ઝન કીટનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કારના મૂળ માળખાને નુકસાન પહોંચાડ્યા વિના તેને એકદમ નવી ઇલેક્ટ્રિક કારની જેમ દોડવા માટે તૈયાર કરી દે છે.
કારને EV બનાવવામાં કેટલો ખર્ચ થશે?
તમારી જૂની કારને EV માં રૂપાંતરિત કરવાનો ખર્ચ મુખ્યત્વે તેમાં વપરાતી બેટરીની સાઈઝ અને મોટરના પ્રકાર પર આધાર રાખે છે.
નાની કાર માટે: જો તમારી પાસે નાની હેચબેક કાર છે અને તમે તેને ટૂંકી રેન્જ (ઓછા કિલોમીટર) માટે કન્વર્ટ કરાવી રહ્યા છો, તો તેનો અંદાજિત ખર્ચ 3,00,000 થી 6,00,000 રૂપિયાની વચ્ચે આવી શકે છે.
લાંબી રેન્જ માટે: જો તમે 200 થી 300 કિલોમીટરની લાંબી રેન્જ આપતું મોટું બેટરી પેક લગાવવા માંગો છો, તો આ ખર્ચ 10 લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જૂની કાર પાછળ 10 લાખ રૂપિયા ખર્ચવા એ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે આજના સમયમાં આટલી કિંમતમાં બજારમાંથી તદ્દન નવી ઇલેક્ટ્રિક કાર સરળતાથી ખરીદી શકાય છે.
એક ચાર્જમાં 400 KM! હ્યુન્ડાઇ-કિયાની નવી ઇલેક્ટ્રિક કાર બજારમાં મચાવશે ધૂમ
RTO મંજૂરી અને કાનૂની પ્રક્રિયા શું છે?
કારને મિકેનિકલ રીતે કન્વર્ટ કરવાની સાથે સાથે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવી પણ એટલી જ જરૂરી છે. તમારી જૂની કારને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત કરતા પહેલા તમારે RTO (પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી) પાસેથી મંજૂરી લેવી પડે છે.
સૌ પ્રથમ તમારે જૂની કારનું જૂનું રજીસ્ટ્રેશન (RC) રદ કરાવવું પડે છે. ત્યારબાદ, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી પાસેથી જ EV કીટ ઇન્સ્ટોલ કરાવવી હિતાવહ છે. રૂપાંતરણનું કામ પૂરું થયા પછી RTO અધિકારીઓ વાહનનું નિરીક્ષણ કરે છે અને બધું યોગ્ય જણાતા તેને ઇલેક્ટ્રિક વાહન તરીકે રજીસ્ટર કરીને નવી RC બુક અને લીલા રંગની નંબર પ્લેટ ફાળવે છે. આ પ્રક્રિયા બાદ તમારી કાર કાયદેસર રીતે ઇલેક્ટ્રિક વાહન બની જાય છે અને તેને સ્ક્રેપ થવાનું કોઈ જોખમ રહેતું નથી.
પેટ્રોલના ઊંચા ભાવ વચ્ચે આ છે સૌથી વધુ માઈલેજ આપતી પેટ્રોલ કાર્સ, લિસ્ટમાં SUV પણ સામેલ
Author : gujarati.abplive.com

