Mehsana Kadi Rain Photos: ગુજરાતમાં ચોમાસાના ધમાકેદાર પ્રારંભ સાથે જ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કડી શહેરમાં મોડી રાત્રે 2 થી 4 વાગ્યાના માત્ર બે જ કલાકના સમયગાળામાં આભ ફાટતા 8 ઈંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે.
પ્રથમ વરસાદમાં જ કડી નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે.
કરણનગર રોડ અને સુજાતપુરા રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોની ૨૫થી વધુ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી અને સ્થાનિક લોકોના ઘરો તેમજ દુકાનોમાં પાણી ફરી વળવાથી જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
રાત્રિ દરમિયાન અચાનક ત્રાટકેલા આ વરસાદને કારણે કરણનગર રોડ પર આવેલી જયગુરુદેવ સોસાયટી અને એટલાન્ટા પાર્ક સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા.
લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે અનાજનો જથ્થો પલળી ગયો હતો અને ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં, બાળકોના શાળાના પુસ્તકો પણ પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક રહીશોમાં તંત્ર સામે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત, કડીનો રેલવે અંડરપાસ અને એસ.વી. કેમ્પસ પાસેનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જતાં નાની કડી રોડ પર ફાટક પાસે વાહનોની લાંબી લાઈનો સાથે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ પરિસ્થિતિ અંગે કડી નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈએ જણાવ્યું હતું કે, "શહેરમાં શાળાઓ ચાલુ રાખવામાં આવી છે. કરણનગર રોડ પરથી 90 ટકા જેટલા પાણીનો નિકાલ થઈ ચૂક્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં છે."
બીજી તરફ, સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ ગ્રાઉન્ડ ઝીરો પર ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ખાતરી આપતા કહ્યું કે કરણનગર સહિતના તમામ પ્રભાવિત વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે. ઘણા પરિવારોનો અનાજનો જથ્થો પલળી ગયો છે, જ્યારે બાળકોના પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી પણ પાણીમાં પલળી જતાં વાલીઓ ચિંતિત બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. આ વખતે પણ ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

