Fertilizer Subsidy 2025-26: ખેડૂત ભાઈઓ માટે કેન્દ્ર સરકાર તરફથી એક બહુ મોટા અને રાહતરૂપ સમાચાર આવ્યા છે. સરકારે ખરીફ 2026 સીઝન માટે ફોસ્ફેટિક અને પોટાશિક (P&K) ખાતરો પર ₹41,534 કરોડની તોતિંગ સબસિડી મંજૂર કરી દીધી છે. આ નિર્ણયનો સીધો ફાયદો ખેડૂતોને થશે, કારણ કે ખાતર સસ્તું મળવાથી તેમનો ખેતી પાછળનો ખર્ચ ઘટશે અને ખરીફ પાકને સારો એવો ટેકો મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) ની બેઠકમાં લેવાયેલો આ નિર્ણય 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગયા વર્ષની (એટલે કે ખરીફ 2025 ની) સરખામણીમાં આ વખતે સબસિડીમાં લગભગ 12 ટકા એટલે કે ₹4,317 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
સરકારે ખરીફ 2026 માટે પ્રતિ કિલોગ્રામ સબસિડીના નવા દર પણ નક્કી કરી દીધા છે, જે કંઈક આ મુજબ રહેશે:
નાઇટ્રોજન: ₹47.32
ફોસ્ફેટ: ₹52.76
પોટાશ: ₹2.38
સલ્ફર: ₹3.16
જો આપણે પાછલી રવી (2025-26) સીઝન સાથે સરખામણી કરીએ તો, સરકારે નાઇટ્રોજન, ફોસ્ફેટ અને સલ્ફર પર સબસિડીના દરમાં સારો એવો વધારો કર્યો છે. જોકે, પોટાશ માટેનો દર અગાઉની જેમ જ ₹2.38 યથાવત રાખવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ બધી જ સબસિડી એપ્રિલ 2010 થી ચાલતી 'પોષણ આધારિત સબસિડી યોજના' (NBS) હેઠળ આપવામાં આવે છે, જેમાં 28 જેટલા ખાતરોનો સમાવેશ થાય છે. ભલે DAP, MOP અને NPK જેવા બિન-યુરિયા ખાતરોના છૂટક બજારભાવ કંપનીઓ જાતે નક્કી કરતી હોય, પણ સરકાર ખેડૂતોને પોસાય તે માટે તેના પર એક ફિક્સ સબસિડી આપે છે.
ખાતર સબસિડી પાછળ સરાકરનું કુલ ₹1,70,799 કરોડનું બજેટ
નાણાકીય વર્ષ 2026-27 માટે યુરિયા અને અન્ય ખાતરોની સબસિડી પાછળ સરકાર કુલ ₹1,70,799 કરોડનું માતબર બજેટ વાપરવાની છે, જેમાં ખરીફ 2026 અને રવી 2026-27 બંને સીઝન આવરી લેવાશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં જે રીતે ઉતાર-ચઢાવ આવે છે, તેને ધ્યાનમાં રાખીને જ સરકારે આ નિર્ણય લીધો છે. ખાતર બનાવતી કંપનીઓને સરકાર દ્વારા નવા નક્કી કરેલા દરો મુજબ સીધી સબસિડી આપી દેવાશે, જેથી આપણા ખેડૂતો સુધી વાજબી ભાવે અને સમયસર ખાતર પહોંચી રહે.
Author : gujarati.abplive.com

