Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ

ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ

Gujarat subsidized fertilizer distribution: રાજ્યના ખેડૂતોને સમયસર, પૂરતા પ્રમાણમાં અને સરકાર દ્વારા નક્કી કરાયેલા વ્યાજબી ભાવે રાસાયણિક ખાતર મળી રહે તે માટે ગુજરાત સરકારે એક ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. ખાતરના વેચાણમાં થતી કાળાબજારી અને ખેડૂતોને પરાણે અન્ય પ્રોડક્ટ્સ પધરાવી દેવાની (ટેગિંગ) ખોટી પ્રથાનો અંત લાવવા માટે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી ખાસ તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ નિર્ણયનો મુખ્ય નિષ્કર્ષ સબસિડીવાળા ખાતરની સમગ્ર વિતરણ વ્યવસ્થાને એકદમ પારદર્શક બનાવવાનો અને ખેડૂતોને લૂંટતા ગેરરીતિ કરનારાઓ પર સકંજો કસવાનો છે.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ વિશે વધુ માહિતી આપતા સ્પષ્ટ કર્યું છે કે, હવેથી રાજ્યમાં ખાતર બાબતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. સબસિડીવાળા ખાતરને ખેતીની જગ્યાએ ગેરકાયદેસર રીતે ઉદ્યોગોમાં વાપરવા મોકલી દેવું, સંગ્રહખોરી કરીને બજારમાં ખાતરની ખોટી અછત ઊભી કરવી કે પછી નકલી ખાતર વેચવું - આ બધી બાબતો પર હવે કડક નજર રખાશે. ખાસ કરીને યુરિયા ખાતર લેવા જતા ખેડૂતોને પરાણે બીજી કોઈ પ્રોડક્ટ કે દવા લેવા મજબૂર કરવામાં આવે છે (ટેગિંગ), તે સાંખી લેવાશે નહીં. ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ નવી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

આ નવી નિમાયેલી ટીમ કેવી રીતે કામ કરશે તે પણ સમજીએ. તપાસ અધિકારીઓ સીધા જ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લેશે અને તેમના POS મશીનમાં બોલતા આંકડાની સાથે ગોડાઉનમાં હાજર ફિઝિકલ સ્ટોકની સચોટ ગણતરી કરશે. દરેક જિલ્લામાં જે ડીલર્સ સૌથી વધુ યુરિયા વેચે છે (ટોપ ડીલર્સ), તેમનું તો ખાસ અને ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, ખેડૂતોને તેમની માંગણી અને જરૂરિયાત મુજબ ખાતર મળે છે કે નહીં અને યુરિયા સાથે તેમની મંજૂરી વગર અન્ય કોઈ પ્રોડક્ટ તો નથી પધરાવાતી ને, તેનું પણ ક્રોસ વેરિફિકેશન થશે.

ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ

આ તપાસ અધિકારીઓ માત્ર ડીલર્સ પૂરતા સીમિત નહીં રહે, પરંતુ યુરિયાનો વપરાશ કરતા ઔદ્યોગિક એકમોની પણ મુલાકાત લેશે. ત્યાં તેઓ શંકાસ્પદ યુરિયાના સેમ્પલ લઈને એ સુનિશ્ચિત કરશે કે ખેડૂતોના હકનું સબસિડીવાળું ખાતર ક્યાંક ઉદ્યોગોમાં તો ડાયવર્ટ નથી થઈ રહ્યું ને! આ બધી જ કામગીરી વ્યવસ્થિત થાય છે કે નહીં તેના પર દેખરેખ રાખવા માટે ઝોન પ્રમાણે નિરીક્ષણ અધિકારીઓ પણ મૂકવામાં આવ્યા છે. આખીય પ્રક્રિયાનું રાજ્યના ખેતી નિયામકશ્રી દ્વારા કંટ્રોલ રૂમ મારફતે રોજેરોજ મોનિટરિંગ કરવામાં આવશે.

કૃષિ મંત્રીએ છેલ્લે એક આકરી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો આ તપાસ દરમિયાન કોઈ પણ ખાતર ડીલર કે એજન્સીના સ્ટોકમાં ગોટાળા જણાશે, ખાતરના નિયત ભાવ કરતા વધુ પૈસા વસૂલાતા પકડાશે કે પછી ખેડૂતોને ટેગિંગ કરીને લૂંટવાનો પ્રયાસ થતો હશે, તો તેઓને દોષિત ગણીને તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર ખેડૂતોને કોઈપણ જાતની હાલાકી વગર, સરળતાથી અને યોગ્ય ભાવે ખાતરનો પુરવઠો મળી રહે તે માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે ખરીફ 2026 માટે ₹41,534 કરોડની ખાતર સબસિડીને આપી મંજૂરી

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita