PM Modi LPG speech: રાજસ્થાનના બાલોત્રામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે જો સરકારે યોગ્ય સમયે પગલાં ન લીધા હોત, તો આજે દેશની જનતાએ એક સિલિન્ડર માટે ₹2000 ચૂકવવા પડત. વૈશ્વિક બળતણ કટોકટી વખતે ભારતે કેવી રીતે પરિસ્થિતિને સંભાળી અને મોંઘવારીને કાબૂમાં રાખી, તેનો આખો ચિતાર પીએમ મોદીએ જનતા સમક્ષ રજૂ કર્યો હતો.
દેશ પર આવવાની હતી મોટી આફત
વડાપ્રધાને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ અને વૈશ્વિક કટોકટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આજે દુનિયાના મોટા દેશો ઈંધણની અછતનો સામનો કરી રહ્યા છે. આપણી LPG ની 60 ટકા જરૂરિયાત અન્ય દેશોમાંથી આયાત કરીને પૂરી થાય છે, અને તેમાંથી 90 ટકા હિસ્સો માત્ર ગલ્ફ દેશોમાંથી આવે છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે અચાનક આ સપ્લાય લગભગ બંધ થઈ ગયો હતો. તમે કલ્પના કરી શકો છો કે આપણા દેશ પર કેટલી મોટી આફત આવવાની હતી."
સરકારે રાતોરાત બદલી રણનીતિ, ઉત્પાદન વધાર્યું
પરંતુ, કટોકટી શરૂ થતાં જ સરકારે હાથ પર હાથ ધરીને બેસવાને બદલે 'એક્શન પ્લાન' તૈયાર કર્યો. પીએમ મોદીએ જણાવ્યું કે, સરકારે તાત્કાલિક રિફાઇનરીઓની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જે ગેસ ઔદ્યોગિક કામો માટે વપરાતો હતો, તેને રાંધણ ગેસમાં (LPG) ફેરવવાની સૂચના આપવામાં આવી. જે રિફાઇનરીઓએ પહેલાં ક્યારેય LPG બનાવ્યો ન હતો, તેમને પણ કામે લગાડવામાં આવી. પરિણામે, માત્ર 7 દિવસમાં જ દેશમાં LPG નું ઉત્પાદન 35,000 મેટ્રિક ટનથી વધીને 54,000 મેટ્રિક ટન થઈ ગયું.
આ ઉપરાંત, સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારે પાઇપવાળા રાંધણ ગેસ (PNG) ની ઝુંબેશ તેજ કરી અને ખૂબ જ ટૂંકા સમયમાં 1.1 મિલિયનથી વધુ ઘરોમાં PNG કનેક્શન પહોંચાડ્યા.
LPG નિયમોમાં 4 મોટા ફેરફારો; આજથી આ ભૂલ કરી તો ઘરે સિલિન્ડર નહીં આવે!
સિલિન્ડર ₹2000 સુધી પહોંચી ગયો હોત
સરકારની આ અસરકારક રણનીતિનું જ પરિણામ છે કે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ ન પડ્યો. પીએમ મોદીએ કહ્યું કે, "બજારના મોટા નિષ્ણાતો આગાહી કરી રહ્યા હતા કે વર્તમાન પરિસ્થિતિઓમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2000 સુધી પહોંચી જશે. છતાં, આજે આપણા દેશમાં સિલિન્ડર વાજબી ભાવે મળી રહ્યો છે. એટલું જ નહીં, બે દિવસ પહેલા જ અમે કોમર્શિયલ ગેસના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જે દર્શાવે છે કે અમારી સરકાર જનતા પ્રત્યે કેટલી સંવેદનશીલ છે."
પેટ્રોલ-ડીઝલના ભાવ અને ₹75,000 કરોડનું નુકસાન
પેટ્રોલ અને ડીઝલની કટોકટી અંગે વાત કરતા પીએમ મોદીએ યાદ અપાવ્યું કે, યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ $70 થી ઉછળીને સીધા $120 પ્રતિ બેરલ થઈ ગયા હતા. દુનિયાના ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40 થી 50 ટકાનો વધારો થયો હતો અને ઈંધણ ક્વોટા સિસ્ટમથી મળવા લાગ્યું હતું. પણ ભારતમાં સરકારે જનતા પર બોજ ન પડવા દીધો.
સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ₹10 પ્રતિ લિટરનો ઘટાડો કર્યો. ભાવ નિયંત્રણમાં રાખવાને કારણે માત્ર એપ્રિલથી જૂન વચ્ચે જ ઓઇલ કંપનીઓએ ₹75,000 કરોડથી વધુનું નુકસાન સહન કર્યું. આ કટોકટી વચ્ચે ભારતે 40 થી વધુ દેશોમાંથી ઈંધણની આયાત શરૂ કરી અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો કે અમારા માટે રાષ્ટ્રીય હિત અને નાગરિકોનું હિત જ સર્વોપરી છે.
1 જુલાઈથી બદલાઈ રહ્યા છે LPG ગેસ સિલિન્ડરના નિયમો: ગ્રાહકો માટે આ 5 મોટા ફેરફારો જાણવા અત્યંત જરૂરી
Author : gujarati.abplive.com

