Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mehsana: રક્ષાબંધનના દિવસે ઈન્સ્ટાગ્રામ પર ભાઈએ બહેનને બોલાવી રાખડી બાંધવા, પછી કર્યું અપહરણ

Mehsana: રક્ષાબંધનના દિવસે ઈન્સ્ટાગ્રામ પર ભાઈએ બહેનને બોલાવી રાખડી બાંધવા, પછી કર્યું અપહરણ

Mehsana: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણનું પ્રતીક મનાય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આ જ પવિત્ર દિવસે એક હૃદયકંપાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર બહેનને રાખડી બાંધવાના બહાને બોલાવીને તેના સગા ભાઈએ જ પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ નંબર પ્લેટ વગરની કારમાં તેનું અપહરણ કરાવી લીધું હતું.

આ અંગે પીડિત પતિએ વડનગર પોલીસ મથકે સાળા સહિત ચાર લોકો સામે ગુનો નોંધાવ્યો છે.

પ્રેમલગ્નની અદાવતમાં રચાયું ષડયંત્ર

મળતી માહિતી મુજબ, વડનગર તાલુકાના છાબલીયા સીમ વખારપુરા ગામે રહી ખેતીકામ કરતા સચીનકુમાર ઠાકોરે સાત મહિના અગાઉ વડનગરના મલેકપુર ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી પતિ સાથે પોતાના સાસરીમાં ખુશીથી રહેતી હતી. જોકે, પરિવારજનોને આ પ્રેમલગ્ન પસંદ ન હોવાથી મનમાં અદાવત રાખી બેઠા હતા.

...Gujarat Rains: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની આગાહી

તોરણીયા વડ નજીક રાખડી બંધાવી અને કાર આવી પહોંચી

રક્ષાબંધનના દિવસે યુવતીના સગા ભાઈ જેનિલ પટેલે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને બહેનને રાખડી બાંધવા માટે વડનગર આવવા આમંત્રણ આપ્યું હતું. ભાઈના પ્રેમ પર વિશ્વાસ મૂકીને યુવતી પોતાના પતિ અને નાની ભત્રીજી સાથે એક્ટિવા પર વડનગર પહોંચી હતી. વડનગરના તોરણીયા વડ નજીક બહેને પોતાના ભાઈને પ્રેમથી રાખડી પણ બાંધી હતી.

રાખડી બાંધ્યા બાદ જ્યારે આ દંપતી પોતાના ગામ પરત જવા નીકળી રહ્યું હતું, ત્યારે બપોરે આશરે 1:15 વાગ્યાના સુમારે વિસનગર તરફથી નંબર પ્લેટ વગરની સફેદ કલરની અર્ટીગા કાર પૂરપાટ ઝડપે આવી પહોંચી હતી.

બૂમાબૂમ વચ્ચે બળજબરીથી કારમાં બેસાડી ફરાર

અર્ટીગા કારમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા અને યુવતીની વિરોધ તથા બૂમાબૂમ છતાં તેને બળજબરીથી ખેંચીને કારમાં બેસાડી દીધી હતી. આ નાટકીય ઘટનાક્રમ દરમિયાન બહેનને બોલાવનાર ભાઈ જેનિલ પણ પોતાનું એક્ટિવા રસ્તા પર જ મૂકીને અપહરણકર્તાઓની કારમાં સવાર થઈ ગયો હતો. ત્યારબાદ તમામ આરોપીઓ વિસનગર તરફ કાર લઈને પૂરઝડપે ફરાર થઈ ગયા હતા.

પોલીસે ગુનો નોંધી નાકાબંધી કરી

આ ઘટના બાદ પીડિત પતિ સચીનકુમાર ઠાકોરે તાત્કાલિક વડનગર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચીને સાળા જેનિલ પટેલ અને અન્ય 3 અજાણ્યા અપહરણકર્તાઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પતિએ આરોપ લગાવ્યો છે કે પ્રેમલગ્નનો ખાર રાખીને સાળાએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી આ અપહરણને અંજામ આપ્યો છે. વડનગર પોલીસે ગુનો નોંધી સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે અને અપહૃત યુવતીને મુક્ત કરાવવા તથા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita