Nepal Flood : નેપાળમાં આવેલા પૂરના કારણે ચીન તરફ ફસાયેલા 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને પોતાના પરિવારજનોના સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસ પણ તેમના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે, ચીન તરફ ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમણે વધુમાં જણાવ્યું કે, નેપાળમાં આવેલા પૂરમાં ફસાયેલા આશરે 100 ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી.
ભારતે નેપાળને મોકલી જરૂરી મદદ
રણધીર જયસ્વાલે જણાવ્યું કે, આ દુર્ઘટના સર્જાતાં જ ભારતે તે જ દિવસે માનવતાવાદી મદદના પ્રયાસો શરૂ કરી દીધા હતા. 26 ઓગસ્ટની સાંજે પ્રથમ વિમાન રવાના કરવામાં આવ્યું હતું, જેમાં 10 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રીમાં અસ્થાયી આશ્રય માટેની સામગ્રી, ધાબળા, હાઇજીન કિટ, સોલાર લેમ્પ અને દવાઓનો સમાવેશ થતો હતો.
ત્યારબાદ 27 ઓગસ્ટે સવારે લગભગ 10:30 વાગ્યે બીજી ફ્લાઇટ રવાના કરવામાં આવી હતી. આ વિમાનમાં 37.5 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. તેમાં ટેન્ટ, ધાબળા, હાઇજીન કિટ, સોલાર લેમ્પ, પાણી બહાર કાઢવાના પંપ, કિચન સેટ, જનરેટર સેટ, દવાઓ તેમજ ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
મદદની ત્રીજી ખેપ મોકલવાની તૈયારી
પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત ત્રીજી રાહત ફ્લાઇટ મોકલવા અંગે વિચાર કરી રહ્યું છે, જે આજે સાંજે રવાના થવાની સંભાવના છે.આ ફ્લાઇટમાં પોર્ટેબલ જનરેટર સેટ, ડિગ્નિટી કિટ, ખાદ્ય સામગ્રી, પાણી શુદ્ધ કરવાની ગોળીઓ, દવાઓ તેમજ નેપાળ તરફથી માંગવામાં આવેલી અન્ય જરૂરી સામગ્રી મોકલવામાં આવશે. આ ત્રીજી ફ્લાઇટમાં કુલ આશરે 12થી 13 ટન રાહત સામગ્રી મોકલવામાં આવશે.
540 થી વધુ વિદેશીઓ પણ ગુમ છે
ગુમ થયેલા લોકોમાં નોંધપાત્ર સંખ્યામાં વિદેશી નાગરિકો છે. અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા 540 વિદેશીઓ હજુ પણ ગુમ છે. આમાંના ઘણા કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા હિન્દુ યાત્રાળુઓ છે. આ દુર્ઘટના ભારત માટે પણ મોટી ચિંતાનો વિષય બની છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 84 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાં તમિલનાડુના 21 લોકો અને ત્રિશુલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા 63 કર્મચારીઓનો સમાવેશ થાય છે. 149 ભારતીયો ચીનથી સુરક્ષિત રીતે નેપાળ પહોંચ્યા છે, જ્યારે આશરે 4૦૦ ભારતીયો ચીનમાં સુરક્ષિત છે અને ભારતીય દૂતાવાસ તેમના પરત ફરવામાં મદદ કરી રહ્યું છે. આમ છતાં, આશરે 320 ભારતીયો સંપર્કવિહોણા છે. પૂરને કારણે ટેલિકોમ્યુનિકેશનને ભારે અસર થઈ છે.
Author : gujarati.abplive.com

