National Pension System updates: દરેક નોકરીયાત વ્યક્તિ ઈચ્છતો હોય છે કે નિવૃત્તિ પછી તેની પાસે પૂરતું ફંડ એકઠું થાય, જેથી રોજિંદી જરૂરિયાતો માટે કોઈની સામે હાથ ન લંબાવવો પડે. આ જ કારણસર આજે મોટી સંખ્યામાં લોકો નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં રોકાણ કરવાનું પસંદ કરે છે. હવે કેન્દ્ર સરકારે NPS ના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે, જેનાથી સેન્ટ્રલ ઓટોનોમસ બોડીઝ (CABs) એટલે કે કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને ભવિષ્યમાં વધુ સારી સંપત્તિ અને ઊંચું વળતર મેળવવાની શાનદાર તક મળશે.
શું છે સરકારનો નવો નિર્ણય?
કેન્દ્ર સરકારે NPS હેઠળ કર્મચારીઓ માટે બે નવા રોકાણ વિકલ્પો ઉમેર્યા છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે આ અંગે એક સત્તાવાર મેમો જારી કર્યો છે. આ મેમો અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા 13 નવેમ્બર, 2025 ના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના હવે CAB કર્મચારીઓને પણ લાગુ પડશે. આ નવા નિયમનો સીધો અર્થ એ છે કે, હવે કર્મચારીઓ પોતાની જરૂરિયાત અને જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધારે જાતે જ રોકાણનો વિકલ્પ પસંદ કરી શકશે.
કયા બે નવા વિકલ્પો મળશે?
સરકારે જે બે નવા વિકલ્પો આપ્યા છે તે નીચે મુજબ છે:
LC-75-High (એગ્રેસિવ લાઇફ સાયકલ ફંડ):
આ વિકલ્પ હેઠળ કર્મચારીઓ પોતાના ફંડના 75 ટકા સુધીનું રોકાણ સીધું ઈક્વિટી (શેરબજાર) માં કરી શકે છે. જે કર્મચારીઓ લાંબા ગાળે વધુ સારું વળતર મેળવવા માંગે છે અને થોડું વધુ જોખમ લેવા માટે તૈયાર છે, તેમના માટે આ વિકલ્પ શ્રેષ્ઠ સાબિત થશે.
60 વર્ષ પહેલાં NPS ના તમામ પૈસા ઉપાડવા છે? બદલાઈ ગયા છે નિયમો, જાણો લેટેસ્ટ અપડેટ
બેલેન્સ્ડ લાઇફ સાયકલ ફંડ:
આ બીજા વિકલ્પમાં તમે 50 ટકા સુધીનું રોકાણ ઈક્વિટીમાં કરી શકો છો. આ ફંડની ખાસિયત એ છે કે જ્યારે કર્મચારીની ઉંમર 45 વર્ષ વટાવી જાય છે, ત્યારે તેમાં ઈક્વિટી રોકાણનું પ્રમાણ આપોઆપ ઘટવા લાગે છે. જેનાથી રિટાયરમેન્ટનો સમય નજીક આવતા જોખમ ઘટી જાય છે અને મૂડી સુરક્ષિત રહે છે.
કર્મચારીઓને આનાથી શું ફાયદો થશે?
આ નવા વિકલ્પો આવવાથી કર્મચારીઓને રોકાણની પૂરેપૂરી સ્વતંત્રતા મળશે. તેઓ પોતાની આર્થિક જરૂરિયાત અને નાણાકીય જોખમ સહન કરવાની ક્ષમતા મુજબ યોગ્ય ફંડ પસંદ કરી શકશે. ખૂબ જ ટૂંક સમયમાં આ બંને નવા રોકાણ વિકલ્પો CRA (સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સી) સિસ્ટમ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે, ત્યારબાદ લાયક NPS કર્મચારીઓ સરળતાથી પોતાનો મનપસંદ વિકલ્પ પસંદ કરી શકશે.
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
Author : gujarati.abplive.com

