શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના 26માં શિખર સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દા પર કડક વલણ અપનાવતા કહ્યું કે ફક્ત ઘટનાઓ પર પ્રતિક્રિયા આપવી એ તેનો સામનો કરવા માટે પૂરતું નથી. તેમણે આતંકવાદને નાણાં પૂરા પાડતી, ભરતી કરતી, કટ્ટરપંથી બનાવતી અને આતંકવાદીઓને સુરક્ષિત આશ્રયસ્થાનો પૂરી પાડતી સમગ્ર ઇકોસિસ્ટમને તોડી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું કે, આતંકવાદના સમગ્ર તંત્રનો ખાત્મો જરૂરી છે. પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે જે દેશો આતંકવાદને પોતાની નીતિનું સાધન બનાવે છે અને આતંકવાદીઓને ટેકો આપે છે અથવા આશ્રય આપે છે તેમને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે આતંકવાદ કોઈપણ દેશ માટે રણનીતિક સંપત્તિ ન હોઈ શકે.
આતંકવાદના સમગ્ર તંત્રનો ખાત્મો જરૂરી
પ્રધાનમંત્રી મોદીએ SCO પ્લેટફોર્મ પરથી સભ્ય દેશોને આતંકવાદ સામે સંયુક્ત પગલાં લેવા હાકલ કરી. તેમણે કહ્યું કે આતંકવાદ હજુ પણ માનવતા માટે એક ગંભીર પડકાર છે અને તેની સામેની લડાઈ ફક્ત કાર્યવાહી-પ્રતિક્રિયાના પગલાં સુધી મર્યાદિત ન હોઈ શકે. આતંકવાદી ભંડોળ, આતંકવાદી ભરતી, કટ્ટરપંથીકરણ અને સલામત આશ્રયસ્થાનોની સમગ્ર ઇકોસિસ્ટમને તોડી પાડવી જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે આ ગંભીર પડકારનો સામનો કરવા માટે બધા દેશોએ સર્વસંમતિથી સ્પષ્ટ કરવું જોઈએ કે આતંકવાદ પર બેવડા ધોરણો સહન કરી શકાતા નથી. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપનારા અથવા તેને તેમની વ્યૂહરચનામાં સામેલ કરનારા દેશોને એક મજબૂત સંદેશ મોકલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
અફઘાનિસ્તાનમાં શાંતિ સાથે જોડાયેલી છે યુરેશિયાની સુરક્ષા
વડાપ્રધાનએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ અને સુરક્ષિત યુરેશિયા માટેની સહિયારી આકાંક્ષા અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા સાથે પણ જોડાયેલી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનના લોકોના વિકાસ અને માનવતાવાદી સહાયમાં યોગદાન આપી રહ્યું છે અને તેમ કરવાનું ચાલુ રાખશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં, સુરક્ષાનો વ્યાપ પહેલા કરતાં વધુ વ્યાપક બન્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ કહ્યું કે એક ક્ષેત્રમાં સંઘર્ષ ફક્ત તે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક ઉર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર અને પુરવઠા શૃંખલાઓને પણ અસર કરે છે. આ ગ્લોબલ સાઉથના દેશોને સૌથી વધુ અસર કરે છે. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે તણાવ અને યુદ્ધોનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ સંવાદ અને રાજદ્વારી દ્વારા થવો જોઈએ.
Author : gujarati.abplive.com

