Gujarat Train Updates: રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાત્ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમને કારણે આજે રાજ્યભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, આજે સમગ્ર ગુજરાતના કુલ 68 તાલુકાઓમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો.
આ આકાશી આફતમાં સૌથી વધુ પ્રભાવિત દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો થયો છે, જ્યાંના વઘઈ તાલુકામાં માત્ર થોડા જ કલાકોમાં રેકોર્ડબ્રેક 9.84 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ઝીંકાયો હતો. ચોમાસાના સત્તાવાર પ્રારંભ સાથે જ નદી-નાળાઓ છલકાઈ જવાથી અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થવાથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. નવસારીના ચીખલીમાં 8.39 ઈંચ અને વાંસદા તાલુકામાં 8.23 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. આ ઉપરાંત, અંબિકા પંથકમાં તો કુદરતે અણધારી આફત સર્જી હતી, જ્યાં માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતા સ્થાનિક કોઝવે અને રસ્તાઓ ધોવાઈ ગયા હતા. અંબિકા તાલુકામાં કુલ 7.95 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ વલસાડમાં 7.17 ઈંચ, ડોલવણમાં 7.13 ઈંચ અને નવસારીના ગણદેવીમાં 6.93 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગના મુખ્ય મથક આસપાસ 6.10 ઈંચ અને ખેરગામમાં 5.16 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે.
મેઘરાજાની આ તોફાની ઇનિંગ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત ન રહેતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પણ વિસ્તરી હતી. સૌરાષ્ટ્રના પાટણ વેરાવળમાં 3.62 ઈંચ, સુબિરમાં 3.54 ઈંચ, મહુવામાં 3.35 ઈંચ, કપરાડામાં 3.31 ઈંચ અને વાલોડમાં 3.19 ઈંચ વરસાદે હાજરી પુરાવી હતી. તદુપરાંત, ધરમપુરમાં 2.87 ઈંચ, માળિયા હાટીનામાં 2.68 ઈંચ, વાપીમાં 2.56 ઈંચ, બારડોલીમાં 2.09 ઈંચ અને સુત્રાપાડામાં 1.89 ઈંચ વરસાદ ઝીંકાયો હતો. કેશોદ, કોડીનાર, ઉમરગામ, પલસાણા, માંગરોળ, તલોદ અને બાલાસિનોર સહિતના પંથકોમાં પણ અડધાથી લઈને પોણા બે ઈંચ જેટલો સારો વરસાદ પડતાં ખેડૂતોમાં વાવણી લાયક માહોલથી ખુશી છવાઈ છે, પરંતુ ભારે પૂર જેવી સ્થિતિને કારણે તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.
Author : એબીપી અસ્મિતા વેબ ટીમ

