Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રક્ષાબંઘનની હૃદયસ્પર્શી કહાણી, સ્વર્ગસ્થ ભાઇનું જેમાં ધબકે છે હૃદય, તે યુવકને બહેને બાંધી રાખડી

રક્ષાબંઘનની હૃદયસ્પર્શી કહાણી, સ્વર્ગસ્થ ભાઇનું જેમાં ધબકે છે હૃદય, તે યુવકને બહેને બાંધી રાખડી

Surat News: આજે દેશભરમાં બહેન -ભાઇઓ રક્ષા બંધનનું પર્વ સ્નેહ સાથે ઉજવી રહ્યાં છે પરંતુ કેટલીક એવી બહેનો હશે જેને તેમના ભાઇને ગૂમાવ્યા હશે, જેની આંખમાં આજે વીરની યાદમાં આંખમાં આંસૂ જ હશે પરંતુ સુરતની આ કહાણી થોડી અનોખી છે. જેમાં શૈશવ નામના યુવકને ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવાર તેમના ઓર્ગન ડોનેટ કર્યાં હતા, અહીં તે પરિવારના દિકરાને હાર્ટનું દાન કરાયું હતું.

તેને જ શૈશવની બહેને રાખડી બાંધી હતી. આ રીતે રેશમના તાંતણે અને હૃદયના તારથી ભાઇ બહેનનો અનોખો સંબંઘ જોડાય. સમગ્ર દાસ્તાને વિસ્તારથી સમજીએ

8 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યુવાન સ્વ. શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એઈમ્સ (Aaihms) સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તબીબોએ બ્રેઈન-ડેડ જાહેર કર્યા હતા. દુઃખની આ ઘડીમાં પણ પટેલ પરિવારે અદમ્ય હિંમત દાખવી અને Donate Lifeના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસાં, લિવર, કિડની અને નેત્રોનું દાન કર્યું હતું.

શૈશવનું હૃદય હાંસોટ તાલુકાના આસર્માજૂના ગામના 25 વર્ષીય યુવાન રવિરાજ વિક્રમસિંહ મહિડામાં માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આજે રવિરાજના શરીરમાં શૈશવનું હૃદય ધબકી રહ્યું છે.

જ્યારે બહેન પોતાના ભાઈની ધડકનને રાખડી બાંધવા પહોંચી...”

રક્ષાબંધનના પાવન દિવસે એવો ભાવુક પ્રસંગ સર્જાયો કે ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ. સ્વ. શૈશવની બહેન નિધિ પોતાના ગામ હાજપતથી માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને Donate Lifeની ટીમ સાથે રવિરાજના ગામે પહોંચી હતી.

હાથમાં રાખડી અને હૃદયમાં ભાઈની અસંખ્ય યાદો સાથે નિધિએ જ્યારે રવિરાજને રાખડી બાંધી, ત્યારે ખુશી અને ગમના આંસુ એકસાથે છલકાઈ આવ્યા.

“એક રાખડી, બે પરિવારોનો અતૂટ સંબંધ”

ભાવુક થતાં રવિરાજે જણાવ્યું કે, “સ્વ. શૈશવનું હૃદય મારામાં ધબકી રહ્યું છે. નિધિએ જે રાખડી બાંધી છે, તે માત્ર મારા હાથ પર નહીં પરંતુ બે પરિવારોના દિલ પર બંધાઈ છે. શૈશવે મને માત્ર નવું જીવન જ નથી આપ્યું, પરંતુ નિધિના રૂપમાં એક બહેન પણ આપી છે. છેલ્લા ત્રણ વર્ષથી નિધિ મને રાખડી બાંધવા આવે છે.”

રડતાં રડતાં નિધિએ જણાવ્યું કે, “મારો ભાઈ પ્રત્યક્ષ રીતે અમારી વચ્ચે નથી, પરંતુ અપ્રત્યક્ષ રીતે તે અમારી વચ્ચે જ છે. તેનું હૃદય રવિરાજમાં ધબકે છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારો ભાઈ ખૂબ ખુશ રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે.”

માનવતા જ સૌથી મોટો ધર્મ
Donate Lifeના સ્થાપક અને પદ્મશ્રીથી સન્માનિત શ્રી નીલેશ માંડલેવાલાએ જણાવ્યું કે, “આ માત્ર રક્ષાબંધન નથી, પરંતુ માનવતાના અતૂટ સંબંધનો ઉત્સવ છે. સ્વ. શૈશવના હૃદયે બે અજાણ્યા પરિવારોને પ્રેમના એવા પવિત્ર બંધનમાં બાંધી દીધા છે, જે લોહીના સંબંધ કરતાં પણ વધુ ગાઢ છે. અંગદાન માત્ર જીવન બચાવતું નથી, પરંતુ સંબંધોને એક નવી ઓળખ પણ આપે છે.” નોંધનિય છે કે, Donate Life દ્વારા અત્યાર સુધીમાં 1395 અંગો અને ટિશ્યૂના દાનથી 1286 લોકોને નવું જીવન અને નવી દૃષ્ટિ મળી છે. જેમાં 558 કિડની, 244 લિવર, 59 હૃદય, 56 ફેફસાં અને 456 નેત્રોનો સમાવેશ થાય છે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita