Ahmedabad: AAPના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી શનિવારથી દ્વારકાના ખંભાળિયામાં અનિશ્ચિતકાળના ધરણા પર બેસશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની અછતના કારણે ખેડૂતોનો 90 ટકા પાક સૂકાઈ ગયો હોવાનો દાવો કરી તેમણે સર્વે કરાવી સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. સાથે જ જરૂર હોય તેવા વિસ્તારોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવા, ખેડૂતોના વીજ બિલો માફ કરવા, પશુપાલકોને વળતર ચૂકવવા અને ખેતમજૂરો માટે રાહત પેકેજ જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે.
તો બીજી તરફ ગુજરાતમાં શરૂઆતી વરસાદ બાદ લાંબા સમયથી ખેંચાયેલા વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હોવાનો આરોપ આપ નેતાઓએ લગાવ્યું છે. પાણીના અભાવે અંદાજે 90 ટકા પાક સુકાઈને નિષ્ફળ ગયો છે, છતાં રાજ્ય સરકાર મૌન ધરીને બેઠી હોવાનો આરોપ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા લગાવવામાં આવ્યો છે. ખેડૂતોને ન્યાય અપાવવા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓનો તાત્કાલિક સર્વે કરી તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારકાના ખંભાળિયા ખાતે અનિશ્ચિતકાળના ધરણા પર બેસશે.
...Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
આ અંગે માહિતી આપતાં AAP ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. 29 ઓગસ્ટથી ખંભાળિયા ખાતે શરૂ થનારા આ ધરણા ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અનિશ્ચિતકાળ માટે ચાલુ રહેશે. આપ દ્વારા માંગ કરવામાં આવી છે કે:
- સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો તાત્કાલિક સર્વે કરી તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
- જ્યાં શક્ય હોય ત્યાં સૌની યોજનાનું પાણી પૂરું પાડવામાં આવે.
- ખેડૂતોના વીજળીના બિલો સંપૂર્ણપણે માફ કરવામાં આવે.
- પશુપાલકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ખેતમજૂરો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
આ મુદ્દે AAP ગુજરાતના સહપ્રભારી દુર્ગેશ પાઠકે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હોવા છતાં ભાજપ સરકારની ખામોશી ખેડૂતોને વધુ પરેશાન કરી રહી છે. ખેડૂતોનો અવાજ બનીને ઈસુદાન ગઢવી ભાજપનું ઘમંડ તોડવા અને ખેડૂતોના બાળકો તેમજ તેમના પરિવારના હક માટે ખંભાળિયામાં ધરણા પર બેસી રહ્યા છે. આપના નેતાઓએ રાજ્યભરના ખેડૂતોને એકજૂટ થઈને અવાજ ઉઠાવવા અને આ લડતમાં ઈસુદાન ગઢવીને પૂર્ણ સાથ-સહકાર આપવા ખાસ અપીલ કરી છે.
Author : gujarati.abplive.com

