Youngest Cricketer to Make International Debut India: વૈભવ સૂર્યવંશીએ ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરી લીધું છે. તે ભારત માટે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારા સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેમણે 15 વર્ષ 99 દિવસની ઉંમરે પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે. વૈભવ હવે સચિન તેંડુલકરને પછાડીને સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારા ભારતીય ક્રિકેટર બની ગયો છે.
ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતે સંજુ સેમસનને ડ્રોપ કરીને તેમની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઇલેવનમાં તક આપી છે. સેમસન અત્યાર સુધીની છેલ્લી ત્રણ T20 ઇનિંગ્સમાં માત્ર 6 રન જ બનાવી શક્યો હતો.
...IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
અત્યાર સુધી સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાનો ભારતીય રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. તેમણે વર્ષ 1989 માં પાકિસ્તાન સામે 16 વર્ષ 205 દિવસની ઉંમરે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી. તેના 37 વર્ષ બાદ વૈભવે આ મામલામાં તેમને પછાડ્યા છે. વૈભવે માત્ર 15 વર્ષ 99 દિવસની ઉંમરે ભારત માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી.
છેલ્લા લગભગ એક અઠવાડિયાથી વૈભવ સૂર્યવંશીના નામ પર ખૂબ જ ચર્ચા ચાલી રહી હતી. ટીમ ઇન્ડિયાનો યુકે પ્રવાસ 26 જુનથી શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ આયર્લેન્ડ સામેની 2 મેચ અને ઇંગ્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં વૈભવને ડેબ્યૂ કરવાનો ચાન્સ મળ્યો ન હતો. આખરે 4 જુલાઈની તારીખે વૈભવે પોતાનું ડેબ્યૂ કર્યું.
ધમાકેદાર IPL સીઝન પછી મળ્યું ઇનામ
વૈભવ સૂર્યવંશીને ધમાકેદાર IPL 2026 સીઝન બાદ આ મોટી ભેટ મળી છે. વૈભવ તાજેતરની આઈપીએલ સીઝનમાં 776 રન બનાવીને આવી રહ્યા છે અને આ દરમિયાન તેમણે 72 સિક્સર ફટકારી હતી, જે એક આઈપીએલ સીઝનમાં સૌથી વધુ સિક્સ પણ છે. તેમણે માત્ર 12 વર્ષની ઉંમરે પોતાનું ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કરી લીધું હતું, ત્યારબાદ ઇન્ડિયા A માટે અદ્ભુત પ્રદર્શન કર્યું અને અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 175 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો. હવે ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરીને તેમણે ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન:
વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હર્ષિત રાણા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ અને વરુણ ચક્રવર્તી.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન -
ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રાશીદ, જોફ્રા આર્ચર અને જોશ ટંગ.
Author : gujarati.abplive.com

