Share Market Updates: બે દિવસના વીકેન્ડ બાદ સોમવારે જ્યારે શેરબજાર ખુલ્યા ત્યારે ઘટાડો જોવા મળ્યો હતો. જોર્ડનમાં અમેરિકી બેઝ પર ઈરાનના હુમલાએ ફરી એકવાર જીઓપોલિટિકલ ચિંતાઓ વધારી દીધી છે. એશિયન બજારોમાં સુસ્તી અને મિડલ ઈસ્ટમાં નવેસરથી વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ભારે ઉછાળાની અસર સ્થાનિક બજારો પર સ્પષ્ટપણે જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ 133.78 પોઈન્ટ એટલે કે 0.17 ટકાના ઘટાડા સાથે 77,130.73 ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 58.10 પોઈન્ટ એટલે કે 0.24 ટકા ગબડીને 24,117.55 પર આવી ગયો હતો.
...સોનાના ભાવ પર મોટો ખુલાસો: 10 ગ્રામ સોનું કેટલું મોંઘુ થઈ શકે છે? ગોલ્ડમેન સક્સે આપ્યો ટાર્ગેટ
રૂપિયામાં પણ આજે ડોલર સામે ઘટાડો જોવા મળી રહ્યો છે. રૂપિયો આજે 13 પૈસાના ઘટાડા સાથે ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં રૂપિયો આજે ડોલર સામે 13 પૈસા ઘટીને 95.56 ના સ્તર નજીક ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
મેટલ અને આઈટી શેરોમાં વેચવાલી
આજના શરૂઆતી કારોબારમાં લગભગ તમામ મુખ્ય સેક્ટરો દબાણ હેઠળ જોવા મળ્યા હતા. નિફ્ટી મેટલમાં સૌથી વધુ 1.70 ટકાનો કડાકો બોલાયો હતો. નિફ્ટી આઈટીમાં 1.32 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મીડિયા, પીએસયુ બેંક, રિયલ્ટી, સિમેન્ટ, કેમિકલ્સ અને એફએમસીજી ઈન્ડેક્સ પણ 0.73% થી 1% સુધી ગબડ્યા હતા. આનાથી વિપરીત, નિફ્ટી પ્રાઈવેટ બેંક શરૂઆતી કારોબારમાં મામૂલી 0.06 ટકાના વધારા સાથે લીલા નિશાનમાં જોવા મળ્યો હતો. શશિધર જગદીશન દ્વારા HDFC બેંકના MD અને CEO પદેથી રાજીનામું આપવા અને ફરીથી નિમણૂક ન સ્વીકારવાના નિર્ણયોના અહેવાલો છતાં શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
નિષ્ણાતોનું શું કહેવું છે?
નિષ્ણાતોનું કહેવું છે કે ભલે નિફ્ટી પર દબાણ દેખાઈ રહ્યું હોય, પરંતુ બ્રોડર માર્કેટના શેરોમાં ચલચલ બનેલી છે. ટેકનિકલ રીતે બજારને 24,060 ના સ્તરની આસપાસ સપોર્ટ મળવાની આશા છે. જોકે મજબૂતીનો સંકેત ત્યારે જ મળશે જ્યારે નિફ્ટી 24,215 ના સ્તરને પાર કરશે. બીજી તરફ, જો તે 24,060 ની ઉપર ટકી નહીં શકે તો ઈન્ડેક્સ ઘટીને 23,575 ના સ્તર સુધી આવી શકે છે. નોંધનિય છે કે જો ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી શરુ થયેલું યુદ્ધ જો લાંબો સમય ચાલશે તો ફરી માર્કેટમાં ઉથલપાથલ જોવા મળશે અને ક્રુડના ભાવ આસમાને પહોંચી શકે છે.
Author : gujarati.abplive.com

