Gold price forecast 2026: તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ સોનામાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના પરિણામે શુક્રવારે ભાવમાં 3% થી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. બજારની આ અસ્થિરતા વચ્ચે, અગ્રણી વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે સોનાના ભવિષ્ય અંગે એક મોટી આગાહી કરી છે.
તેમના અંદાજ મુજબ, 2026 ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ પ્રતિ ટ્રોય ઔંસ $4,900 ના ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે. આ લક્ષ્યાંક વર્તમાન $4,550 ની સપાટી કરતાં લગભગ 8% વધારે છે.
ભારતીય બજારમાં સોનું કેટલું મોંઘું થશે?
ભારતીય બજારની વાત કરીએ તો, હાલમાં દેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ આશરે ₹1.56 લાખની આસપાસ છે. ગોલ્ડમેન સૅક્સના અનુમાન મુજબ જો આંતરરાષ્ટ્રીય બજારમાં 8% નો ઉછાળો આવે, તો ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.69 લાખની વિક્રમજનક સપાટીને સ્પર્શી શકે છે. જોકે, ભારતમાં સોનાના ભાવ માત્ર આંતરરાષ્ટ્રીય બજાર પર જ નિર્ભર નથી. ડૉલર સામે ભારતીય રૂપિયાની મજબૂતી કે નબળાઈ, સરકાર દ્વારા લાદવામાં આવતી આયાત જકાત અને સ્થાનિક કરવેરા પણ અંતિમ કિંમતો નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
સેન્ટ્રલ બેંકોની ખરીદી: સોના માટે સૌથી મોટો ટેકો
સોનાના આ સંભવિત ઉછાળા પાછળનું સૌથી મોટું કારણ વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેલી સોનાની જંગી ખરીદી છે. ઘણા દેશો આર્થિક સુરક્ષા માટે પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો સતત વધારી રહ્યા છે. 2022 પહેલાં સેન્ટ્રલ બેંકોની સરેરાશ માસિક ખરીદી માત્ર 17 ટન હતી, જે આ વર્ષે વધીને 50 ટન સુધી પહોંચી ગઈ છે. જૂન 2026 માં આ ખરીદીએ વધુ વેગ પકડ્યો હતો અને માસિક 100 ટનના આંકડાને પાર કરી ગયો હતો. નોંધનીય છે કે, આ સમયગાળા દરમિયાન ચીનની સેન્ટ્રલ બેંકે સૌથી વધુ ખરીદી કરી હતી.
વ્યાજ દરો અને બજારની વધઘટ
વર્ષ 2026 સોનાના રોકાણકારો માટે ઐતિહાસિક ઉથલપાથલવાળું રહ્યું છે. 29 જાન્યુઆરીએ સોનું $5,600 ની વિક્રમી સપાટીએ હતું, જે જુલાઈના મધ્યમાં ગગડીને $4,000 ની નીચે આવી ગયું હતું. જોકે, જુલાઈના નીચલા સ્તરેથી તેમાં અત્યાર સુધીમાં 15% નો સારો એવો સુધારો જોવા મળ્યો છે.
સોનાના ભાવ પર અમેરિકન વ્યાજ દરોની સીધી અસર પડે છે. તાજેતરમાં યુએસ ફેડરલ રિઝર્વના વડા કેવિન વોર્શના નિવેદન બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, કારણ કે વ્યાજ દરમાં વધારાની શક્યતા સોના પર હંમેશા દબાણ લાવે છે. પરંતુ ગોલ્ડમેન સૅક્સનું માનવું છે કે જો આગામી સમયમાં ફુગાવો કાબૂમાં આવશે, તો ફેડ વ્યાજ દરો સ્થિર રાખી શકે છે, જે લાંબા ગાળે સોના માટે હકારાત્મક ટેકો પૂરો પાડશે.
સ્થાનિક બજારની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો, છેલ્લા 7 દિવસમાં સોનાના ભાવમાં ₹2,890 નો ઘટાડો નોંધાયો છે. હાલમાં 18-કેરેટ સોનું માત્ર દિલ્હી કે મુંબઈમાં જ નહીં, પરંતુ દેશના અન્ય 10 મોટા શહેરોમાં પણ ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે.
(ડિસ્ક્લેમર: અહીં વ્યક્ત કરાયેલા મંતવ્યો અને લક્ષ્યાંકો નિષ્ણાતો અને બ્રોકરેજ ફર્મના પોતાના છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા હંમેશા તમારા સર્ટિફાઈડ આર્થિક સલાહકારનું માર્ગદર્શન લેવું હિતાવહ છે.)
Author : gujarati.abplive.com

