Surat Rain Photos: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં આકાશી આફત આફત બનીને તૂટી પડી છે. સતત બીજા દિવસે વહેલી સવારથી જ ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર ડાયમંડ સિટીની રફતાર સંપૂર્ણપણે ધીમી પડી ગઈ છે. સુરતના મુખ્ય ટેક્સટાઈલ અને ડાયમંડ હબ ગણાતા વરાછા, કતારગામથી લઈને અત્યંત પોશ ગણાતા સિટીલાઈટ જેવા વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.
રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જતાં વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાવાના કારણે નોકરિયાત વર્ગ, વ્યાપારીઓ અને સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સમગ્ર જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે.
સુરતના વરાછા અને સરથાણા વિસ્તારમાં સવારથી જ મુસળધાર વરસાદ પડ્યો હતો. સરથાણાથી નાના વરાછા ઓવરબ્રિજ પાસે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે વાહનચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
સરથાણા જકાતનાકા અને વ્રજ ચોકથી લઈને સીધા સરથાણા પોલીસ સ્ટેશન સુધીનો આખો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગો પર વ્યાપક જળબંબાકાર થતાં આખો રહેણાંક અને કોમર્શિયલ રોડ ટાપુ જેવો દેખાઈ રહ્યો છે.
સુરતના સિંગણપોર સ્થિત જય અંબે સોસાયટી અને હરી દર્શનના ખાડા પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. વરાછા મેઇન રોડ પર સ્થિતિ વધુ નાજુક બનતા પાણી વેપારીઓની દુકાનોમાં ઘૂસી જતાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રોડ રસ્તાઓ દેખાવાના બંધ થઈ ગયા છે અને ત્યાં પૂરના પાણી વહેતા હોય તેવી સ્થિતિ છે. બીજી તરફ, કતારગામ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં પોલીસકર્મીઓ અને અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદથી માત્ર મધ્યમવર્ગીય વિસ્તારો જ નહીં, પરંતુ સુરતનો અત્યંત પોશ ગણાતો સિટીલાઈટ વિસ્તાર પણ પાણી-પાણી થઈ ગયો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના આવાસોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
પર્વત પાટિયાથી કડોદરા તરફ જતા મુખ્ય હાઈવે પર ભારે પાણી ભરાવાના કારણે અનેક મોટરસાયકલો અને કાર અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી. વાહનો બંધ થવાના કારણે રસ્તા પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

