સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સતત બીજા દિવસે પણ સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે, જ્યાં ઘૂંટણસમાથી લઈને કમરસુધીના પાણી ભરાઈ ગયા છે. આકાશી આફતને પગલે શહેરની રફતાર સાવ ધીમી પડી ગઈ છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે સુરતમાં આંગણવાડી, સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 3 કલાક માટે સુરતમાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 22.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં અનેક ઠેકાણે કમરસુધીના પાણી ભરાઈ ગયા છે. વરાછા રેલવે ગરનાળામાં પાણીનો ભારે ભરાવો થવાના કારણે સુરક્ષાના ભાગરૂપે ગરનાળું વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરી દેવાયું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો વચ્ચે અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે, જેના લીધે વાહનચાલકોને પોતાના વાહનોને ધક્કા મારવાની નોબત આવી છે.
વહેલી સવારથી ખાબકેલા વરસાદને કારણે સુરતના કતારગામ, વેડરોડ, રાંદેર, અડાજણ, નવસારી બજાર, રિંગરોડ, પાર્લેપોઈન્ટ અને ઉધના વિસ્તારમાં ફરી જળભરાવની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પર્વત પાટીયા અને લાલદરવાજા વિસ્તાર પણ સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટની લાઈફલાઈન ગણાતા BRTS કોરિડોરમાં પણ પાણી ભરાઈ ગયા છે.
ભારે વરસાદના કારણે માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં પણ પાણી ફરી વળ્યા છે અને લોકોના મકાનોની અંદર પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત, કોમર્શિયલ શોપિંગ સેન્ટરોના પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા છે. સતત બીજા દિવસે સર્જાયેલી આ જળબંબાકારની સ્થિતિને પગલે સ્થાનિક રહીશો સુરત મહાનગરપાલિકા (મનપા)ના પાપે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે.
સુરત શહેર ઉપરાંત કડોદરા અને પલસાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને કામરેજના નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતાં સ્થિતિ અત્યંત વિકટ બની છે. હાઈવે પર વાહનો ચલાવવા અશક્ય બનતા અને રસ્તાઓ બંધ જેવા થઈ જતાં નોકરી કે ધંધાર્થે ઘરની બહાર નીકળેલા લોકો અધવચ્ચેથી જ પરત ઘરે જવા રવાના થયા હતા. સ્થાનિક લોકોએ પ્રશાસનની આ નબળી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

