Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

 દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના વાપીમાં આભ ફાટતાં 8.58 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને પગલે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. મુશળધાર વરસાદને કારણે વલસાડની ઓરંગા અને વાંકી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના લીધે જિલ્લાના 64 ગ્રામ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે.

બીજી તરફ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાતથી જ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વલસાડ અને વાપીની શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપીમાં છેલ્લા 24 કલાકમાં 8.58 ઈંચ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં જ 4 ઈંચ જેટલો વરસાદ તૂટી પડતાં સમગ્ર વાપી પાણી-પાણી થઈ ગયું હતું. વાપીના જલારામ મંદિર સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રહેણાંક બિલ્ડિંગોના પાર્કિંગમાં પાણી ફરી વળતાં વાહનો ડૂબી ગયા છે અને મોટું નુકસાન થયું છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોની દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકો આખી રાત પરેશાન રહ્યા હતા.

ભારે વરસાદની સીધી અસર વાહનવ્યવહાર પર પડી છે. વલસાડ નેશનલ હાઈવે પર સુરત તરફ જતા સર્વિસ રોડ પર ભારે પાણી ભરાઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી છે. હાઈવે પરથી પસાર થતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોડ પર આવતી અનેક શાળાઓમાં રજા આપી દેવાઈ છે. આ ઉપરાંત, વલસાડ તાલુકાના 40 જેટલા ગામોને જોડતો મુખ્ય રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં આ ગામોનો સંપર્ક તૂટ્યો છે અને હજારો વાહનચાલકો અટવાઈ પડ્યા છે.

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી જ મેઘમહેર આફતમાં ફેરવાઈ ગઈ છે. ખાસ કરીને ઉપરવાસમાં આવેલા ધરમપુર અને કપરાડાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થતાં નદીઓમાં પાણીની વિપુલ આવક થઈ છે. જેને કારણે વલસાડની જીવાદોરી સમાન ઓરંગા અને વાંકી નદી ભયજનક સપાટીએ બે કાંઠે વહી રહી છે. નદીઓના પાણી કિનારાના વિસ્તારો તરફ આગળ વધતાં વહીવટી તંત્ર દ્વારા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. જિલ્લામાં કુલ 64 જેટલા આંતરિક અને મુખ્ય રસ્તાઓ પાણી ભરાવાને કારણે સદંતર બંધ કરવામાં આવ્યા છે.

બીજી તરફ સુરત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ તાલુકાના કીમ ગામમાં સ્થિતિ વધુ વણસી છે. કીમના શિવજી નગરમાં સોસાયટીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. કીમમાં આવેલા પ્રખ્યાત શિવ મંદિરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મંદિરની બિલકુલ સામે આવેલા રહેણાંક ઘરોમાં પણ પાણી પ્રવેશતાં સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita