રાજકોટ: જૂલાઈ મહિનામાં સાર્વત્રિક અને સારો વરસાદ વરસ્યા બાદ ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ વિરામ લેતા સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વરસાદના બીજા રાઉન્ડની લાંબી રાહ જોયા બાદ હવે જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે. આગામી એક સપ્તાહ સુધી પણ ભારે વરસાદની કોઈ આશા ન હોવાથી ખેતી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
હાલમાં મગફળીનો પાક ખેતરોમાં લીલોછમ દેખાઈ રહ્યો છે, પરંતુ આ હરિયાળી પાછળ ખેડૂતોની રાત-દિવસની મહેનત છુપાયેલી છે.
છેલ્લા એક મહિનાથી વરસાદ ન હોવાને કારણે ખેડૂતો કૂવા અને બોરના પાણીથી પાકને પિયત આપીને જેમ-તેમ કરીને બચાવી રહ્યા છે. જો કે, સતત ખેંચાણના કારણે હવે કૂવાના તળિયા દેખાવા લાગ્યા છે અને ભૂગર્ભ જળ સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે.
વરસાદના અભાવે કપાસ અને સોયાબીનની ખેતી પર પણ મોટું જોખમ
વરસાદના અભાવે માત્ર મગફળી જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના મુખ્ય રોકડીયા પાક ગણાતા કપાસ અને સોયાબીનની ખેતી પર પણ મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જો આગામી દિવસોમાં કુદરતી વરસાદ ન થાય તો મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.પાકને બચાવવા જ્યારે વીજળીની સૌથી વધુ જરૂર છે, ત્યારે જ વીજ કંપની તરફથી વારંવાર વીજ વિક્ષેપ સર્જાય છે. ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા વોલ્ટેજની ગંભીર સમસ્યાને કારણે મોટરો બળી જવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.
ધારાસભ્યએ કરી કેનાલમાં પાણી છોડવાની માંગ
ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ રાજ્ય મંત્રી ઈશ્વર સિંહ પટેલને સિંચાઈનું પાણી છોડવા માટે પત્ર લખ્યો છે. ભાદર -2 ડેમ, ફોફળ ડેમ, મોજ ડેમ, વેણુ 2 ડેમ, ફુલઝર ડેમમાંથી કૃષિ સિંચાઈ માટે કેનાલ મારફત પાણી છોડવા પત્ર લખ્યો છે. ધોરાજી ઉપલેટા વિસ્તારમા વરસાદ ઓછો પડ્યો હોઈ વરસાદની અછત હોઈ ખેડૂતોને પાક બચાવવા મુશ્કેલી પડી રહી હોય પાક બચાવવા પાણી છોડવા માટે પત્ર લખવામાં આવ્યો છે. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ વિસ્તારના ડેમોમાંથી પાણી તાત્કાલિક સિંચાઈ મારફત કેનાલમા છોડવા માટે પત્ર લખ્યો છે.

જોડિયા તાલુકામાં ખેડૂતોએ મગફળીનું કરેલું વાવેતર નિષ્ફળ જવાને આરે
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ચાલુ ચોમાસાની સિઝનમાં નહીવત વરસાદ વરસ્યો છે. એક તરફ અનેક સેન્ટરોમાં એક-એક દિવસમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો પરંતુ જોડિયા તાલુકામાં માત્ર 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે કેશીયા ગામમાં ખેડૂતોએ મગફળીનું કરેલું વાવેતર નિષ્ફળ જવાને આરે છે. ખેડૂતો પાસે સિચાઈની કોઈ સુવિધા નથી અને હવે સરકાર સહાય આપે તો જ ખેડૂતો બચી સકે તેવી દયનીય સ્થિતિ નિર્માણ પામી છે.
જોડિયા તાલુકાના કેશીયા ગામના ખેડૂત હરજીભાઈ ધારશીભાઈ જણાવે છે કે તેની પાસે 5 એકર જમીન છે. જેમાં મગફળીનું વાવેતર કર્યું હતું એક વીઘા વાવેતરમાં 6 થી 7 હજાર જેટલો ખર્ચ કર્યો છે પરંતુ વરસાદ ઓછો થયો છે અને છેલ્લા મહિનામાં વરસાદ ખેંચતા પાકમાં કાઈ બચ્યું જ નથી. હવે સરકાર તાત્કાલિક સહાય કરે તો ખેડૂતો બચી શકે એમ છે.
અન્ય એક ખેડૂત વસંતભાઈ ગોદવાણીએ કહ્યું કે તેમની પાસે 22 વીઘા જમીન છે પાક માટે પાણી નથી ખેતી વરસાદ આધારિત છે અને વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સરકાર સૌની યોજના પૂરી કરે તો સૌરાષ્ટ્રનો ખેડૂત જમીનમાં પાટું મારી પાક પેદા કરવાની તાકાત ધરાવે છે. સરકાર સૌની યોજના આખી પૂરી કરી નાખે તો વિસ્તારના ખેડૂતોને રાહત મળી શકે તેમ છે અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તો સરકારની સહાયની પણ જરૂરત નહિ રહે તેમ જણાવ્યું હતું.
- Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
જોડિયા તાલુકામાં વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો મગફળી વાવીને હવે પસ્તાઈ રહ્યા છે. વરસાદ આવતો નથી અને ખેડૂતો પાસે સિંચાઈની કોઈ સુવિધા છે નહિ જેથી મગફળી પાક નિષ્ફળ જવાની આરે ઉભો છે. હવે ખેડૂતો સરકાર સહાયની આશા રાખી રહ્યા છે.
Author : gujarati.abplive.com

