ઈંધણના ભાવમાં પણ અસહ્ય વધારો: ઘંઉના લોટના ભાવ 228 ટકા વધ્યા
રક્ષાબંધનથી શરૂ થયેલી તહેવારોની મોસમ જન્માષ્ટમી, નવરાત્રી, દશેરા અને દિવાળી સુધી પહોંચવાની છે, ત્યારે ગુજરાતના લાખો પરિવારોને મીઠાઈની જગ્યાએ મોંઘવારીની કડવાશનો સામનો કરવો પડી રહ્યો છે. ખાંડના ભાવમાં થયેલા તીવ્ર વધારાએ સામાન્ય પરિવારના બજેટ સાથે મીઠાઈ-ફરસાણ, બેકરી અને નાના ખાદ્ય વ્યવસાયોની મુશ્કેલી પણ વધારી છે.
કાળાબજારીયા, સંગ્રહખોરોને કાબુ કરવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શેરડીનું વાવેતર 2021-22માં 2.23 લાખ હેક્ટર હતું, જે 2024-25માં ઘટીને 1.89 લાખ હેક્ટર થયું છે લગભગ 15 ટકાનો ઘટાડો.
છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં આશરે 40 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. ડુંગળીના ભાવ મે-2013માં 23 રૂ. પ્રતિકિલો જે ઓગસ્ટ-2026માં 84 રૂ. પ્રતિ કિલો એટલે કે 217.39 ટકાનો જંગી વધારો છતાં ડુંગળી પકવનારા ખેડુતો રાતાપાણીએ રોવે છે, ભાવ મળતા નથી બીજી બાજુ સંગ્રહખોરો – કાળા બજારીયાઓ બેફામ લુંટ ચલાવી રહ્યાં છે. અહંકારી અને સંવેદનહીન ભાજપ સરકારે ગુજરાતના પ્રત્યેક ઘરના ચૂલા પર તાળું મારવાનું કાવતરું ઘડ્યું છે. જે સરકાર વિકાસ ના પોકળ નારા લગાવે છે. તે જ સરકારના રાજમાં ડુંગળી, દૂધ, ખાંડ અને ગેસ સિલિન્ડર જેવી પાયાની ચીજો ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની પહોંચની બહાર ધકેલાઈ ગઈ છે. આ છે મોદી સરકારના અચ્છે દિન…!
પેટ્રોલ-ડીઝલ-સીએનજી-પીએનજી સહિતના ઈંધણમાં સતત વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા 12 વર્ષમાં કેન્દ્રની મોદી સરકારે દેશના 140 કરોડ નાગરિકોના ખિસ્સામાંથી 40 લાખ કરોડ રૂપિયા સેરવી લીધા છે. લોકોની આવક ઘટતી જાય છે અને સતત ભાવ વધારા, મોંઘવારીના લીધે ખર્ચમાં સતત ઉમેરો થઈ રહ્યો છે. ખેડૂતો હોય કે ગરીબ – સામાન્ય વર્ગના પરિવારો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ રહ્યાં છે, જે ચિંતાનો વિષય છે.
ભાવ કાબૂ બહાર ગયા બાદ કેન્દ્ર સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. કોંગ્રેસનો સવાલ છે સરકારને ઉત્પાદન, સ્ટોક અને તહેવારો દરમિયાન વધતી માંગની જાણ પહેલેથી હતી તો સમયસર પગલાં કેમ ન લેવાયા? કેન્દ્રમાં યુપીએ સરકાર વર્ષ 2013માં ખાંડ રૂ. 37 પ્રતિ કિ.ગ્રા. હતી જે વર્ષ ઓગસ્ટ 2026માં મોદી શાસનમાં 84 રૂ. પ્રતિ કિલો એટલે કે 127.03 ટકા જેટલાં જંગી મોંઘવારી નોંધાઈ છે.
કોંગ્રેસની માંગ છે કે મિલથી લઈને જથ્થાબંધ વેપારી અને છૂટક બજાર સુધીના સ્ટોક તથા ભાવની ઉચ્ચસ્તરીય તપાસ, સંગ્રહખોરી અને કાળાબજારી સામે કડક કાર્યવાહી અને સમગ્ર સપ્લાય ચેઇનનો પારદર્શક ઓડિટ કરવામાં આવે. ખેડૂતને યોગ્ય ભાવ નહીં, ગ્રાહકને રાહત નહીં તો ખાંડના ભાવવધારાનો લાભ આખરે કોને? તહેવારોમાં ઘરોમાં મીઠાશ જોઈએ, મોંઘવારીની કડવાશ નહીં. ગુજરાતની જનતાને જવાબ જોઈએ માત્ર જાહેરાતો નહીં.
કંઈ વસ્તુમાં કેટલો ભાવ વધારો
| જીવન જરૂરી વસ્તુઓ | મે-2013 (કિ.ગ્રા.) | ઓગસ્ટ-026 (કિ.ગ્રા.) | ટકાનો વધારો |
| ખાંડ | રૂા. 37 | રૂા. 84 | 127% |
| તુવેરની દાળ | રૂા. 75 | રૂા. 180 | 140% |
| અડદની દાળ | રૂા. 71 | રૂા. 180 | 153.52% |
| ચણા દાળ | રૂા. 50 | રૂા. 125 | 150% |
| સરસોનું તેલ | રૂા. 102 | રૂા. 263 | 157.84% |
| સીંગતેલ | રૂા. 165 | રૂા. 286 | 73.33% |
| દુધ | રૂા. 36 લી. | રૂા. 85 લી. | 136.11% |
| લોટ | રૂા. 21 | રૂા. 69 | 228.57% |
| ચોખા | રૂા. 29 | રૂા. 71 | 144.83% |

