Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
400 વર્ષથી જંગલમાં 'ખોવાયેલા શહેર' નું રહસ્ય શું છે?

400 વર્ષથી જંગલમાં 'ખોવાયેલા શહેર' નું રહસ્ય શું છે?

અબતક 1 week ago

પેરુના ઍન્ડીઝ પર્વતો અને ગાઢ જંગલોની વચ્ચે એક એવું પ્રાચીન શહેર સદીઓ સુધી રહસ્ય બનીને છુપાયેલું રહ્યું, જેને ઇન્કા સામ્રાજ્યના છેલ્લા આશ્રયસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરનું નામ હતું વિલ્કાબામ્બા. 16મી સદીમાં સ્પેનિશ વિજેતાઓથી બચવા ઇન્કા રાજા માન્કો પોતાના અનુયાયીઓ સાથે અહીં પહોંચ્યા હતા. કહેવાય છે કે અહીં મહેલો, મંદિરો, ફુવારાઓ અને કિંમતી ખજાનાઓ હતાં.

1572માં સ્પેનિશ હુમલો થતાં ઇન્કાઓએ શહેરને આગ ચાંપી દીધું અને જંગલમાં ગાયબ થઈ ગયા. ત્યારથી આ શહેર ઇતિહાસ અને દંતકથા વચ્ચે ખોવાઈ ગયું.

1911માં શરૂ થઈ ખોવાયેલા શહેરની શોધ

1911માં યેલ યુનિવર્સિટીના વિદ્વાન હિરામ બિંગહામ ત્રીજા છેલ્લા ઇન્કા આશ્રયસ્થળની શોધમાં નીકળ્યા હતા. તેઓ મૂળ પુરાતત્ત્વવિદ્ નહોતા અને ઇન્કા સંસ્કૃતિ વિશે પણ તેમની જાણકારી મર્યાદિત હતી.બિંગહામને સ્થાનિક લોકો અને અધિકારીઓ તરફથી ખોવાયેલા શહેર અને તેના ખજાનાની વાતો સાંભળવા મળી હતી. આ જ શોધખોળ દરમિયાન તેઓ એવા વિસ્તારમાં પહોંચ્યા જ્યાંથી થોડા જ અંતરે બાદમાં વિલ્કાબામ્બાના ખંડેરો મળવાના હતા.પરંતુ ખરાબ હવામાન, ખોરાકની અછત અને મજૂરોની મુશ્કેલીને કારણે તેઓ ત્યાં વધારે સમય રોકાઈ શક્યા નહીં. ત્યારબાદ તેમણે માચુ-પિચ્ચુ શોધી કાઢ્યું અને તેને જ દંતકથામાં કહેવાતું ખોવાયેલું શહેર હોવાનું માન્યું.

માચુ-પિચ્ચુને જ વિલ્કાબામ્બા માનવાની ભૂલ

બિંગહામને પૂરો વિશ્વાસ હતો કે તેમણે ઇન્કાઓનું છેલ્લું આશ્રયસ્થળ શોધી કાઢ્યું છે. તેમણે 1911માં લખ્યું હતું કે આ જ પ્રાચીન વિલ્કાબામ્બાનું સ્થળ છે.પરંતુ લગભગ પાંચ દાયકા બાદ તેમના આ દાવા સામે સવાલો ઊભા થયા. બીજા એક અમેરિકન સંશોધક જીન સેવોયે 1964માં દાવો કર્યો કે અસલી વિલ્કાબામ્બા માચુ-પિચ્ચુથી આશરે 60 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવેલા એસ્પિરિતુ પામ્પા વિસ્તારમાં છે.

'રસ્તો બતાવશો તો દેવતાઓ મારી નાખશે!'

સેવોય જ્યારે આ વિસ્તારની શોધખોળ કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકો તેમને રસ્તો બતાવવા તૈયાર નહોતા. કારણ હતું એક જૂની દંતકથા.કહેવાતું હતું કે જે વ્યક્તિ આ સ્થળનું સ્થાન બીજા કોઈને બતાવશે, તેને દેવતાઓ મારી નાખશે.ઘણી સમજાવટ બાદ સ્થાનિક લોકો સેવોય અને પેરુના સંશોધક ઍન્ટોનિયો સાન્તાન્દેર કાસેલીને ગાઢ જંગલમાં આવેલા ખંડેરો સુધી લઈ ગયા. અહીં પહોંચ્યા બાદ તેમને શેવાળથી ઢંકાયેલા પ્રાચીન અવશેષો જોવા મળ્યા.

જંગલમાં મળ્યું વિશાળ પ્રાચીન શહેર

સેવોય અને તેમની ટીમે ત્રણ પર્વતીય ઉચ્ચપ્રદેશોમાં ફેલાયેલા ખંડેરો શોધી કાઢ્યા. અહીં તેમને મહેલ, ગ્રેનાઇટ અને ચૂનાના પથ્થરથી બનેલી ઇમારતો અને ફુવારા મળ્યાં.આ શોધનું કદ પણ અસાધારણ હતું. માત્ર પહેલો ઉચ્ચપ્રદેશ જ માચુ-પિચ્ચુ કરતાં લગભગ ચાર ગણો મોટો હતો.સેવોયને લાગ્યું કે સ્પેનિશ વિજેતાઓ સામેના અંતિમ સંઘર્ષ દરમિયાન છેલ્લા ઇન્કાઓએ અહીં આશ્રય લીધો હશે.

બીબીસીની ટીમ પણ રહસ્યમય શહેર સુધી પહોંચી

સેવોયની શોધના માત્ર છ અઠવાડિયા બાદ બીબીસીની એક ટીમ પણ આ સ્થળે પહોંચી હતી. ટીમે રબરની નાની હોડીમાં મુસાફરી કરી, હોડી પલટી જવાની ઘટના પણ બની અને ત્યારબાદ ખચ્ચરો સાથે ઊંડી ખીણોના ખડકાળ ઢોળાવો પાર કર્યા.ગાઢ વરસાદી જંગલમાંથી પસાર થઈને ટીમ આખરે ઇન્કાઓનાં ખંડેરો સુધી પહોંચી.400 વર્ષ દરમિયાન આ વિસ્તારમાં બહુ ઓછા યુરોપિયનો પહોંચ્યા હતા. ફિલ્મ કૅમેરા સાથે અહીં પહોંચનારી આ ટીમ માટે પણ આ મુસાફરી અત્યંત મુશ્કેલ હતી.

જંગલે સદીઓ સુધી શહેરને છુપાવી રાખ્યું

વિલ્કાબામ્બાના ખંડેરો સદીઓથી ગાઢ જંગલમાં ઢંકાયેલા હતા. ત્યાં પહોંચવા માટે સંશોધકોને કપોકનાં વૃક્ષો, વેલીઓ અને ફર્નના ઝાડઝાંખરાં કાપીને રસ્તો બનાવવો પડતો હતો.વિશાળ વૃક્ષોનાં મૂળ પ્રાચીન દીવાલો અને અગાશીઓને એવી રીતે જકડીને બેઠાં હતાં કે જાણે આખું શહેર જંગલની પકડમાં આવી ગયું હોય.જાડી વેલીઓ ઇમારતોની આસપાસ એવી રીતે ગૂંથાઈ ગઈ હતી કે પ્રાચીન વસાહત અને જંગલ વચ્ચેનો તફાવત કરવો પણ મુશ્કેલ બની ગયો હતો.

એક નાની શોધે ખોલ્યું મોટું રહસ્ય

સેવોય અને સાન્તાન્દેરે શહેર શોધી કાઢ્યું હતું, પરંતુ શરૂઆતમાં તેઓ ચોક્કસ રીતે સાબિત કરી શક્યા નહોતા કે આ જ છેલ્લા ઇન્કા રાજાની રાજધાની હતી.પછી તેમને અહીં નળિયાં (ટાઇલ્સ) મળ્યાં.આ શોધ મહત્વની હતી, કારણ કે ઇન્કાઓ સામાન્ય રીતે છત બનાવવા માટે ઘાસનો ઉપયોગ કરતા હતા. અહીં મળેલા નળિયાંની બનાવટમાં સ્પેનિશ અસર જોવા મળતી હતી, પરંતુ તેના રંગ અને નિશાનોમાં ઇન્કાની આગવી છાપ હતી.આ પુરાવાએ વિલ્કાબામ્બાની ઓળખ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.

જૂના વર્ણન સાથે મળ્યું ખંડેરોનું રહસ્ય

ઇન્કા સંસ્કૃતિના નિષ્ણાત જ્હૉન હૅમિંગે સ્થળની વિગતોની સરખામણી તે સમયના ઐતિહાસિક વર્ણનો સાથે કરી.16મી સદીના ધર્મગુરુ માર્ટિન-દ-મુરૃઆએ ઇન્કાઓની દેશવટામાં આવેલી રાજધાની વિશે લખ્યું હતું કે ત્યાંનો મહેલ જુદા જુદા સ્તરોમાં હતો અને તેની છત ટાઇલ્સથી ઢંકાયેલી હતી.વિલ્કાબામ્બામાં મળેલા ખંડેરો અને ટાઇલ્સ આ વર્ણન સાથે જોડાતા હોવાથી શહેરની ઓળખ વધુ મજબૂત બની.

1572માં ઇન્કાઓએ પોતાનું શહેર સળગાવી દીધું

વિલ્કાબામ્બા માત્ર ઇન્કાઓનું આશ્રયસ્થળ નહોતું. તે સ્પેનિશ વિજેતાઓ સામેના પ્રતિકારનું કેન્દ્ર પણ હતું.અહીંથી ઇન્કાઓ સ્પેનિશો સામે ગેરિલા યુદ્ધની યોજનાઓ બનાવતા હતા અને અન્ય વિસ્તારોમાં પણ બળવો કરાવતા હતા.પરંતુ 1572માં સ્પેનિશોએ વિલ્કાબામ્બા પર હુમલો કર્યો. ઇન્કાઓએ શહેરને આગ ચાંપી દીધી અને ત્યાંથી ભાગી ગયા.આ રીતે ઇન્કા સામ્રાજ્યની છેલ્લી રાજધાની ફરી એક વખત જંગલમાં અદૃશ્ય થઈ ગઈ.

ખજાનાનું રહસ્ય આજે પણ અકબંધ

શહેરની ઓળખ થયા બાદ પણ એક મોટું રહસ્ય ઉકેલાયું નથી-ઇન્કાઓનો ખજાનો ક્યાં ગયો?સેવોયના જણાવ્યા પ્રમાણે ઇન્કાઓના સોના અને ઝવેરાતમાંથી માત્ર થોડો હિસ્સો મળ્યો હતો. તેમનું માનવું હતું કે સ્પેનિશોના હાથમાં ખજાનો ન આવે તે માટે ઇન્કાઓએ તેને તળાવો અને ગુફાઓમાં છુપાવી દીધો હોઈ શકે.તેમણે અગાઉની શોધખોળ દરમિયાન એવા તળાવો જોયા હતા જે કોઈ નકશામાં દર્શાવવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત નકશામાં ન દર્શાવાયેલી અને દીવાલોથી બંધ કરાયેલી સુરંગો પણ તેમને મળી હતી.

જંગલની અંદર હજુ કેટલું રહસ્ય છુપાયેલું છે?

વિલ્કાબામ્બા મળી ગયું હોવા છતાં તેનો મોટો ભાગ આજે પણ જંગલમાં દટાયેલો છે. પથ્થરની ઇમારતો વેલા અને વૃક્ષોનાં મૂળથી ઢંકાયેલી છે.પેરુના પુરાતત્ત્વવિદ્ જાવિયર ફૉન્સેકાના જણાવ્યા પ્રમાણે આ વિસ્તાર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે અહીં હજુ સુધી મોટા પાયે છેડછાડ કે લૂંટફાટ થઈ નથી.જંગલની અંદર વધુ ઊંડે બીજા કોઈ શહેર હોવાના અહેવાલો પણ મળ્યા છે. એટલે વિલ્કાબામ્બાનું રહસ્ય માત્ર એક શહેરની શોધ સુધી સીમિત નથી.

ઇતિહાસમાંથી દંતકથા અને ફરી ઇતિહાસમાં

વિલ્કાબામ્બાની કહાની એક એવા શહેરની છે જે એક સમયે ઇન્કા સામ્રાજ્યના અંતિમ આશ્રયસ્થાન તરીકે જીવતું હતું, પછી સ્પેનિશ હુમલા બાદ આગમાં અદૃશ્ય થઈ ગયું અને સદીઓ સુધી જંગલમાં છુપાયેલું રહ્યું.1911માં હિરામ બિંગહામ તેની નજીકથી પસાર થયા છતાં તેને ઓળખી શક્યા નહીં. 1964માં જીન સેવોય અને તેમની ટીમે ફરી આ સ્થળ સુધી પહોંચીને ખંડેરો શોધ્યાં. ટાઇલ્સ અને ઐતિહાસિક વર્ણનોની મદદથી આખરે આ સ્થળને પ્રાચીન વિલ્કાબામ્બા તરીકે ઓળખવામાં આવ્યું.પરંતુ સદીઓ જૂના આ શહેરનું સૌથી મોટું રહસ્ય-ઇન્કાઓનો કહેવાતો છુપાયેલો ખજાનો ક્યાં છે?-આજે પણ ઉકેલાયું નથી. કદાચ આ જ કારણ છે કે ગાઢ જંગલમાં છુપાયેલું વિલ્કાબામ્બા આજે પણ ઇતિહાસ, દંતકથા અને રહસ્યનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak