Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
45 ફૂટ લાંબી રાખડીમાં 6146 શૈક્ષણિક વસ્તુ: પ્રેમ - પરંપરા સાથે સહાયનો ભાવ

45 ફૂટ લાંબી રાખડીમાં 6146 શૈક્ષણિક વસ્તુ: પ્રેમ - પરંપરા સાથે સહાયનો ભાવ

અબતક 1 week ago

વિરાણી હાઇસ્કૂલ ખાતે

પેન્સિલ, બોલપેન, કમ્પાસ, વોટર કલર, સાડી સાથે વિવિધ વસ્તુઓની છાત્રોએ બનાવી રાખડી: ગરીબ વિદ્યાર્થીીને અર્પણ કરાશે: વૃક્ષોને પણ રક્ષાબંધન કરી જતનનો કર્યો સંકલ્પ

રાજકોટની જાણીતી વિરાણી હાઈસ્કૂલમાં રક્ષાબંધનની પૂર્વ પ્રભાતે 45 ફૂટ લાંબી અને આશરે 230 સ્ક્વેર ફીટની વિશાળ રાખડી બનાવવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સ્ટેશનરીની વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને મેગા પ્રેરક રાખડી બનાવી હતી.

રાખડી બનાવવાની વસ્તુઓ વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મની તથા સી.જે.ગ્રુપના સહયોગથી એકત્રિત કરી હતી. જેમાં નાની મોટી પેન્સિલ, વિવિધ બોલપેન, કમ્પાસ, વોટર કલર, સાડી એમ મળીને કુલ 6146 વસ્તુઓનો સમાવેશ થાય છે. ભાઈ – બહેનના પ્રેમ સાથે ગરીબ બાળકોના સહાયના સંગમ તરીકે બનેલી રાખડીની આ તમામ વસ્તુઓનું વિવિધ આંગણવાડી, કોર્પોરેશનની શાળાઓના બાળકો તથા ઝુંપડપટ્ટીના બાળકોને વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ “વી કેર, વી શેર" અંતર્ગત પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા શાળાના કેમ્પસમાં આવેલા વૃક્ષોને કંકુ તિલક કરી, રક્ષા બાંધી, પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી. રાખડી નિર્માણના સમગ્ર પ્રોજેક્ટમાં ધો.9 – 10ના ટેકનીકલ વિભાગનાં 50થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રોશની સમિતિના ચેરમેન પરેશભાઈ ઠાકર, માધ્યમિક શિક્ષણ સમિતિના સદસ્ય દર્શનભાઈ પેંગ્યાતર, ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણાબેન ચોવટીયા, ટ્રસ્ટી રસીલાબેન રામાણી, સુનિલ સોલંકી (કેમ્પસ ડાયરેક્ટર) વગેરે બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ આ રાખડી બનાવવા શાળાના શિક્ષક શ્રુતભાઈ જોશી, અનિલાબેન, નીરૂબેન, અલકનંદાબેન તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક પ્રણવ શુક્લએ કર્યું હતું.

ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ અપાશે: આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા

દર વર્ષે તહેવારોની ઉજવણીનાં ભાગરૂપે યોજાતા વિશાળ રાખડીના કાર્યક્રમમાં વપરાતી તમામ કીટ શહેરની વિવિધ શાળાનાં ગરીબ વિદ્યાર્થીને અર્પણ કરાશે, તેમ 'અબતક' સાથેની વાતચિતમાં શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવેલ છે. બાળકોએ પોતાની પોકેટ મની બચાવીને આ વસ્તુ ખરીદી કરીને સહાયના ભાવ સાથે આપણી પરંપરા અને ભાઇ – બહેનનાં પ્રેમને ઉજાગર કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak